Sense stories / बोध कथाए

કર્મ નો ‘સાચો’ સિધ્ધાંત

કર્મ નો ‘સાચો’ સિધ્ધાંત

મહાભારત નું યુદ્ધ પુરું થયું અને, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં…પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું – કર્ણનું શું ? એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણ નો શું દોષ હતો ? જેણે પોતાની માતા કુંતીને પણ, અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું ! ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં… એવાં મહાન દાતા ને ક્યા પાપે માર્યો ??

શ્રીકૃષ્ણ : મહારાણી, જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડી ને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો…અને, સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ ! તેને શ્રદ્ધા હતી કે દુશ્મન હોવાં છતાં, મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે… પણ, પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં.. ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણ એ મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યું…અને, એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો ! હે રુક્મિણી, આ એક જ ‘પાપ’ એનાં જીવન આખા દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા/ભૂંસી નાખવા માટે પૂરતું હતું… અને, કાળની અકળ ગતિ જુઓ કે એ જ પાણી નાં ઝરણાંનાં કાદવમાં એનાં રથનું પૈડું ફસાયું…અને, તેનાં મૃત્યુનું કારણ બન્યું !!

આ જ છે – કર્મનો ‘સિદ્ધાંત’

કોઈને કરેલા અન્યાય ની એક જ પળ… જીવન આખાની પ્રમાણિકતાનો ‘છેદ’ ઉડાડી મૂકે છે.

સાર : દરેક ને પોતે કરેલા કર્મ નું ફળ અહીં જ ભોગવવા નું છે. કોઈ ની લાગણી અને વિશ્વાસ તોડવો એ સૌથી મોટું પાપ છે. અને ખાસ કરી ને એવા વ્યક્તિ નો કે જેમણે આંખો બંધ કરી ને તમારા પર ભરોસો કર્યો.

Leave a Reply