Asim Bakshi

અબોલા

ટૂંકી વાર્તા : “અબોલા”

વાદળ છાયું વાતાવરણ હતું, ગાડી ધીમી ઝડપે ચાલી રહી હતી, સત્યેન એ ડ્રાઈવર ને કહ્યું “ચોપાટી પાસે ગાડી ઉભી રાખજે.” સત્યન ઉતરીને ચોપાટી માં ગયો અને નદી કિનારે એક બેન્ચ ઉપર બેસી ગયો, આજે થોડો ઉદાસ હતો કારણકે એની પત્ની સુષ્મા બે દિવસથી લડીને પિયર ચાલી ગઈ હતી અને બંને વચ્ચે બોલચાલ પણ બંધ હતી. સત્યન નો સ્વભાવ થોડો અહમ વાળો હતો અને વાત વાતમાં ગુસ્સે થઇ જતો અને ન બોલવાનું બોલી દેતો હતો. નાની નાની વાતો પર બંને ના ઝગડા થતા રહેતા હતા.

આજે ઘરે જવાને બદલે થોડું માઈન્ડ ફ્રેશ કરવા ચોપાટી માં આવીને બેસી ગયો. બાજુની બેન્ચ પર એક વૃદ્ધ કપલ બેઠું હતું અને બંને આરામ થી બાફેલી સીંગ ખાતા ખાતા હસીને વાતો કરતા હતા, સત્યેન એમને નીરખતો હતો એટલીવારમાં વૃદ્ધની નજર એની ઉપર પડી અને વૃદ્ધે સત્યેનને હસીને સીંગ ખાવાની ઓફર કરી. સત્યેન ધીરેથી ઉભો થયો અને વૃદ્ધ કપલની બેન્ચ પાસે જઈને બોલ્યો “અંકલ હું અહીં બેસું?”

વૃદ્ધે તરતજ જગ્યા કરતા કહ્યું “આવ આવ બેટા બેસ.”

સત્યન ત્યાં બેસી ગયો અને સીંગ ખાતા ખાતા બોલ્યો “અંકલ તમને ખોટું નહિ લાગે તો એક વાત પૂછું?”

વૃદ્ધે કહ્યું “કોઈ વાંધો નહિ પૂછ.”

સત્યને કહ્યું “તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા?”

વૃદ્ધે મલકાતાં કહ્યું “૫૭ મુ ચાલે છે.”

સત્યને કહ્યું “તો પણ આટલો પ્રેમ, નિકટતા, સરળતા? અંકલ મારા લગ્ન ને દસ વરસ થયા છે પણ હજાર વખત લડી ચુક્યા છીએ.”

વડીલે કહ્યું “બેટા, દરેકના લગ્ન જીવન માં ખટમીઠ્ઠા ઝગડા થાય જ પણ તને એક દાખલો આપું. જેવી રીતે મીણબત્તી ઓગળ્યાં વગર પ્રકાશ નહિ આપી શકે તેમ આપણી અંદર મીણબત્તી રૂપી અહમ જ્યા સુધી નહિ ઓગળે ત્યાં સુધી પ્રેમનો પ્રકાશ કદી નહિ પથરાય, થોડું લેટ ગો કરવાની આદત પાડો અને નાની નાની વાતો પર એક બીજાને બિરદાવો અને ભૂલથી પણ અબોલા નહિ કરો કારણ કે અબોલાથી સમાધાન નો માર્ગ બંધ થઇ જાય છે.” એકી શ્વાસે વડીલે સલાહ આપી દીધી અને સત્યન પોતાના વિચારમાં ખોવાઈ ગયો અને ઉભા થતા કહ્યું “થેંક્યુ અંકલ, તમે એકદમ સચોટ ઘા માર્યો છે.” એમ કહીને સત્યન ચોપાટી ની બહાર નીકળી ગયો અને ગાડી માં બેસીને પેહલો ફોન સુષ્મા ને કર્યો, સામે છેડે સુષ્મા નો અવાજ આવ્યો એટલે સત્યેને કહ્યું “મારે તને આજેજ મળવું છે અને હું સાચ્ચા દિલ થી સોરી કહું છું.”

સામે છેડે એક ડુસકા નો અવાજ આવ્યો અને સુષ્માએ કહ્યું “અત્યારેજ આવી જાઓ.”

સત્યેને ડ્રાઈવરને ગાડી સુષમાના ઘરે લેવાનું કહ્યું અને શાંતિ થી આંખ બંધ કરીને બેસી રહ્યો. ડ્રાઈવરે કહ્યું “શેઠ ભાભીનું ઘર આવી ગયું.”

સત્યેન સુષ્માના ઘરે ગયો તો સુષ્મા ડ્રોઈંગ રૂમમાં એકલી બેઠી હતી, સત્યેનને પાણી આપ્યું અને સામે બેસી ગયી. સત્યેને કહ્યું “આજદિન પછી મારી જીભ તને ક્યારેય કડવા વેણ નહિ બોલે, ચાલ બેગ ઉપાડ આપણે ઘરે જઈએ.”

સુષમાને કંઈજ સમાજ ના પડી કે આટલું મોટું પરિવર્તન કેવી રીતે આવ્યું? એ પણ તરતજ તૈય્યાર થઇ ગઈ અને બંને ઘરે પોહોંચ્યા. સત્યેને ચોપાટી વાળા વડીલની વાત કહી અને કહ્યું કે “જ્યારે માણસને તાવ આવતો હોય અને ત્યારેજ કોઈ વૈંદ્ય કે ડોક્ટર દવા કે ઇન્જેક્શન આપે તો એની તરતજ અસર થાય છે; આજે મને એવા જ દિલના ડોક્ટર સાહેબ મળી ગયા જેને મારો ઈલાજ અકસીર રીતે કરી આપ્યો.”

ભીના વાતાવરણ માં અહમનું મીણ પીગળતું ગયું અને પ્રેમનો પ્રકાશ પથરાવા લાગ્યો !!!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply