Asim Bakshi

જીતનો જુગાર

ટૂંકી વાર્તા : “જીતનો જુગાર”

કલ્પેશનું મન ઓફિસમાં ટકતું ના હતું, બસ એમજ થયા કરે ક્યારે બપોર થાય અને ઓફિસ બંધ થાય અને હું મિત્રો સાથે જુગાર રમવા બેસી જાઉં. બે દિવસ બાકી હતા જન્માષ્ટમી ને અને દર વરસની જેમ આ વર્ષે પણ કલ્પેશે ૬૦ / ૭૦ હજાર રૂપિયા નું બજેટ બનાવ્યું હતું –જુગાર રમવા માટેનું. છેલ્લા કેટલા વર્ષો થી કલ્પેશ તેના મિત્રો સાથે જન્માષ્ટમીના ત્રણ દિવસ જુગાર રમતો. એ ત્રણ દિવસની રાહ ત્રણ મહિના થી જોવાતી હતી.

બપોરે ઓફિસ બંધ થઇ અને કલ્પેશ રૂપિયા લઈને સમીરને ત્યાં જવા માટે ગાડીમાં બેઠો અને ગાડી ચાલુ કરીને થોડે દૂર ગયો હશે ત્યાંજ એનો મોબાઈલ રણક્યો — અજાણ્યો નંબર હતો એટલે કલ્પેશે ફોન ઉચક્યો નહિ. ફરીથી ફોન રણક્યો એટલે સહેજ ગુસ્સાથી ફોન ઊંચકીને બોલ્યો “કોણ બોલો છો?”

સામેથી મૃદુ અવાજ આવ્યો “બેટા કલ્પેશ; હું તારા સ્કૂલનો શિક્ષક ઝવેરી સર બોલું છું, ઓળખાણ પડી?”

કલ્પેશે કહ્યું “હા સાહેબ આપને કેમ ભુલાય, મારી ઉપર તમારો ખુબ મોટો ઉપકાર છે; બોલો સાહેબ શું કામ છે?”

સાહેબે કહ્યું “બની શકે તો અત્યારે ઘરે આવી શકશે?”

કલ્પેશ થોડો મૂંઝાયો પણ કહ્યું “જી સાહેબ આવું છું, એ જ જૂનું એડ્રેસ છે ને?”

સાહેબે હા કહ્યું અને કલ્પેશ ઝવેરી સાહેબને ત્યાં પોંહચી ગયો. સાહેબે એને આવકાર્યો અને પાસે બેસાડીને હાલચાલ પૂછ્યા અને પછી કહ્યું “બેટા તને અહિંયા બોલાવવાનું કારણ એ છે કે આપણી શાળા માં ૨૦ વિદ્યાર્થીઓ ખુબજ ગરીબ છે અને ત્રણ મહિના થઇ ગયા પણ હજુ સુધી ફીસ નથી ભરી શકતા અને જો બે દિવસમાં ફીસ નહિ ભરે તો એમને સ્કૂલ માંથી ઉઠાડી મુકવામાં આવશે, એક વિદ્યાર્થીની વાર્ષિક ફીસ ૨૫૦૦ રૂપિયા છે, તું અને તારા મિત્રો કઈ મદદ કરી શકશો?”

કલ્પેશે વિચાર્યું કે એક દિવસ એવો હતો કે એની પાસે ફીસ ભરવાને રૂપિયા ના હતા અને ઝવેરી સર એ ફીસ ભરી દીધી હતી. કલ્પેશે તરતજ કહ્યું કે “સાહેબ મારી પાસે આ પચાસ હજાર રૂપિયા છે તે આપ લઇ લો અને પેલા ગરીબ વિદ્યાર્થીઓની ફીસ ભરી દો અને આવનાર ૫ વર્ષ સુધીની ફીસ હુંજ ભરીશ.”

ઝવેરી સાહેબ ઉભા થઈને કલ્પેશને ગળે લગાડ્યો અને કહ્યું “આજે બીજા ૨૦ કલ્પેશ જનમ્યા છે અને તેની ખુબ દુઆઓ તને મળશે.”

કલ્પેશે સાહેબને જુગારની વાત કરી અને કહ્યું “આજ દિન પછી હું ક્યારેય જુગાર નહિ રમીશ અને દરેક જન્માષ્ટમીએ એ રૂપિયાથી ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરીશ.”

કલ્પેશ ગાડીમાંથી પચાસ હજારનું બંડલ લઇ આવ્યો અને ઝવેરી સરને સુપ્રત કર્યું. ઝવેરી સર ના ઘરેથી નીકળતી વખત એને એવું લાગ્યું જાણે આજે હું લાખો રૂપિયા જીતીને લઇ જઈ રહ્યો છું !!!!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply