Ujas Vasavda

માંગલિક

मङ्गलम् भगवान विष्णुः, मङ्गलम् गरुणध्वजः।
मङ्गलम् पुण्डरी काक्षः, मङ्गलाय तनो हरिः॥

બ્રહ્મદેવ શાસ્ત્રોકત મંત્ર બોલી રહ્યા હતાં અને આ મંત્રોની સાક્ષીએ અખિલેશ અને સૌમ્યા લગ્નબંધનમાં બંધાઈ રહ્યાં હતાં. બ્રહ્મદેવના મંત્રો અને તેના અર્થ સમજવામાં બંને ધ્યાનમગ્ન બની જીવનમાં આવતો આ અનેરો સમય એક ઉત્સવ રૂપે ઉજવી રહ્યાં હતાં. આ ઉત્સવનો ભાગ બનેલાં તેઓના સ્નેહીજનો, સગાંઓ, સંબંધીઓ વિવિધ વાતો અને ટીખળમાં મસ્ત બન્યાં હતાં. નાના બાળકો લગ્નોત્સવમાં પીરસાતાં વિવિધ વ્યંજનોની જ્યાફત ઉડાવી રહ્યાં હતાં. વર અને વધુના મિત્રો તેમજ સખીઓ મંડપ પાસે બેસી ઉત્સવનો આનંદ લઈ રહ્યાં હતાં.

સૌમ્યાનો એકમાત્ર મોટો ભાઈ ડો.નિકેત લગ્નની જવાબદારીઓના ભારનું વહન કરતો આમ-તેમ દોડધામ કરી રહ્યો હતો. ત્યારે જાનૈયાઓ પૈકીની બે સ્ત્રીઓની ખટપટ કાને પડી.

“આ આટલો દેખાવડો અને નામના કાઢેલ ભાઈને બાકી રાખી દીકરીને પરણાવી દીધી..”

જવાબમાં બીજી સ્ત્રી, “હા..પણ.. છોકરીની મા બહુ જુનવાણી વિચારધારા ધરાવે છે. સાંભળ્યું છે કે, છોકરીનો ભાઈ તેની સાથે જ ભણતી, હાલ સાથે જ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતી છોકરીના પ્રેમમાં છે અને લગ્ન કરવા ઈચ્છે છે. પણ…!”

નજીક પસાર થતા નિકેતને જોઈ એ સ્ત્રી વાત અટકાવી દે છે. નિકેત એ બે સ્ત્રીની વાતો સાંભળી ગયો હોય છે. થોડો વ્યથિત પણ થાય છે. પણ લોકોની જીભ પર ગરણા થોડાં બાંધી શકાય! નિકેત એ વાત તરફ થોડો બેધ્યાન થઈ પોતાના કામ તરફ આગળ જતો રહે છે.

નિકેતના આગળ જતા જ, “પણ..શું?” પહેલી સ્ત્રી આતુરતા પૂર્વક પૂછે છે.

” એ જે છોકરીને પસંદ કરે છે તે માંગલિક છે. જેથી તેમની મા આ સંબંધ લગ્ન બંધનમાં ન બંધાઈ તેવું ઈચ્છે છે.”

પહેલી સ્ત્રી થોડું ખંધુ હસીને, “બંને ડોકટર અને વળી સાથે ભણતા ત્યારથી એકબીજાને પસંદ કરતા હોય તો શું બંધનમાં નહિ બંધાયા હોય!”બંને સ્ત્રીઓ એક સાથે ચટપટી વાતની મજા લઈ હસી પડે છે.

નિકેત બહેનના લગ્નપ્રસંગને ધામધૂમથી પતાવે છે અને ફરી પોતાના રૂટીનમાં લાગી જાય. તે હોસ્પિટલે પહોંચતા જ સામે ડો.હ્રીદિકા મળે છે. નિકેત કંઈ કહે તે પહેલા જ, “ડોકટર હું એક સિઝેરિયન કરવા જઈ રહી છું તું આવી જા અને ન્યુ બોર્ન બેબીને જોઈ લે જે.” નિકેત સમય પારખી વાત ગળી જાય છે અને પોતાની કેબિનમાં જઈ એપ્રોન પહેરી ઓપરેશન થીયેટર તરફ જાય છે.

ડો.હ્રીદિકા અને ડો.નિકેત બંન્ને વ્યવસાયિક રીતે જોડાયેલા હતા. તેઓ માત્ર વડીલોની અનુમતિની મહોર લાગે તેની જ રાહમાં હતા. પણ ડો. નિકેતના સુષુપ્ત મનમાં પેલી અજાણી સ્ત્રીઓની વાતો પડઘાઈ રહી હતી. તે મૂંઝાયેલો હતો. તેમની મા વિશે લોકો જે વાતો કરી રહ્યા છે તે પસંદ ન હતું. જેથી તેણે મનોમન જે નિર્ણય લીધો હતો તે હ્રીદિકાને કહેવા ઇચ્છતો હતો.

બપોરે જમવના સમયે હ્રીદિકાની કેબિનમાં બંને ભેગા મળે છે. જો કે એ તેઓનું રૂટિન જ હતું હ્રીદિકા પોતાના ઘરેથી જ બંનેનું ટિફિન લઈ આવતી અને પછી બંને સાથે જમતાં. નિકેતનો ચિંતિત ચહેરો જોઈ હ્રીદિકાએ પૂછ્યું, “પ્રસવની પીડા સહન કરતી સ્ત્રી જેવો તારો ચહેરો કેમ છે?” વ્યંગ ટિપ્પણીથી ચિડાઈને નિકેત જવાબ આપે છે, “મારી વાતથી તારો ચહેરો પણ મિસકેરેજ થયેલી સ્ત્રી જેવો થઈ જશે.”

નિકેતના જવાબથી હ્રીદિકા થોડી ગંભીર બની, “શું થયું!! સ્પષ્ટ વાત કર.”
નિકેત વાત કેમ કરવી એ મુંઝવણ હેઠળ અચકાતા કહ્યું, ” આપણા લગ્ન નહીં થઈ શકે! આપણે આપણા રીલેશન અહીં જ સ્ટોપ કરી દઈએ. તું માંગલિક હોવાથી મમ્મી માનશે નહીં અને સમાજમાં આપણા સંબંધને લોકો વગોવે એ મારાથી નહીં જીરવાઈ શકે.”

હૃદય બંધ પડી જતાં તેને ધબકતું કરવા આપવામાં આવતા ઇલેક્ટ્રિક ઝટકા માફકનો ઝટકો હ્રીદિકાને લાગ્યો હતો. “નિકેત તું શું બોલે છે તેનું તને ભાન છે! બાર વર્ષ પહેલા જ્યારે તે મને પ્રપોઝ કરેલું ત્યારે તને મમ્મીએ નહોતું કહ્યું કે બેટા માંગલિક છોકરીને પ્રપોઝ કે પ્રેમ ન કરતો! સમાજની વાતો કરે છે તે તને એ ખ્યાલ નથી કે હું અને મારા માતા-પિતા પણ આજ સમાજમાં રહીએ છીએ. એક સ્ત્રી જ્યારે માતા-પિતા, સમાજ,રીત રિવાજો જેવી અનેક લક્ષમણ રેખાઓ ઓળંગી પુરુષની પાછળ સમર્પિત થતી હોય ત્યારે છોકરી માંગલિક હોવાના લીધે મમ્મી લગ્નની ના પાડે એવા ક્ષુલ્લક કારણોથી પુરૂષ પીછેહઠ કરે એ કેટલે અંશે વ્યાજબી?”

“હ્રીદિકા જ્યોતિષ વિજ્ઞાન એ પણ એક ગણિત આધારિત જ છે. આપણા વડીલો મૂર્ખ તો નહીં જ હોય તે આ નિયમો બનાવ્યા હશે.” નિરર્થક દલીલો વડે હ્રીદિકાને મનાવવાનો પ્રયાસ નિકેત કરતો રહ્યો.

“તારી આ વૈચારિક નપુંસકતા મને પહેલા બતાવી દેવાની જરૂર હતી. મારા પ્રેમ અને અસ્તિત્વ સામે તારી બધી જ તર્કબદ્ધ દલીલો વામણી છે. આ વિશે હું વધુ વાત કરવા નથી ઈચ્છતી”. હ્રીદિકા રડતી કેબિન છોડી બહાર જતી રહે છે.

પારકી સ્ત્રીઓની વાતોના પાયા પર ઉભી થયેલ વૈચારિક મુશ્કેલીમાં નિકેત બરોબર ફસાયો હતો. હ્રીદિકા સાથેના બાર વર્ષના પ્રેમને વડીલોની ઈચ્છા પાસે દાવ પર લગાવી દીધો હતો. ત્યારબાદ બે સપ્તાહ સુધી હ્રીદિકા હોસ્પિટલ પર આવે છે પણ નિકેત સાથે વાતો કરતી નથી અને પારકા પુરૂષની જેમ યોગ્ય અંતર જાળવે છે. તે નિકેતનો કોલ પણ લેતી ન હતી. બે સપ્તાહને અંતે ખબર પડે છે ડો.હ્રીદિકા હોસ્પિટલ છોડી વિદેશ જતી રહી.

નિકેત પ્રેમમાં દેવદાસ બની બેસે છે. તે પણ હોસ્પિટલમાં હ્રીદિકા સાથેની યાદોને ભૂલવા હોસ્પિટલ છોડી પોતાના જ ઘર પાસે એક નાનકડી ક્લિનિક શરૂ કરે છે. બે વર્ષ જેવો સમય પસાર થઈ જાય છે.

પ્રથમ પ્રસુતિ પિયરમાં જ હોય એ વિધારધારા હેઠળ નિકેત અને તેના મમ્મી ભાનુમતીબેન સૌમ્યાના ગર્ભાવસ્થાના સાતમા મહીને ટ્રેનમાં ઘરે લઈ આવતા હોય છે. ચાલુ ટ્રેનમાં સૌમ્યા યુરિનલ પાસેથી પોતાની જગ્યાએ પરત ફરી રહી હતી. ત્યાં ટ્રેન રસ્તા પર કોઈ ગામનું પ્લેટફોર્મ આવતા ટ્રેન ધીમી પડે છે અને ડબ્બા માંથી ઉતરવાની ઉતાવળમાં એક નાનકડા છોકરાનો સૌમ્યાને ધક્કો વાગે છે.

સૌમ્યાને પેટમાં અસહ્ય દુઃખાવો ઉપડે છે નિકેત અને ભાનુમતીબહેન સમયસૂચકતા વાપરી ટ્રેનના ડબ્બામાંથી નીચે ઉતારી એ ગામમાં અને રેલ્વેસ્ટેશનની નજીકના પ્રસુતિગૃહમાં પહોંચે છે. નિકેત પ્રસૂતિગૃહમાં રીસેપ્શન પર ઇમરજન્સી વિશે ડોક્ટરને જાણ કરવા કહે છે. રીસેપ્શન પરથી ઈન્ટરકોમમાં ડોક્ટરને ઇમરજન્સી કેસની જાણ કરે છે અને તેને મળેલી સૂચના મુજબ સૌમ્યા, ભાનુમતીબહેન અને નિકેતને ડોકટર કેબીનમાં પ્રવેશવા દે છે.

કેબિનમાં પ્રવેશતાની સાથે જ નિકેત અવાચક થઈ જાય છે. તેની સામે તેની પ્રેયસી હ્રીદિકા હોય છે. હ્રીદિકાએ તાત્કાલિક સૌમ્યાની પ્રાયોગિક તપાસ કરી કહ્યું, “ડો.નિકેત…આઈ હેવ ટુ ઓપરેટ. મા અને બાળક બંનેની કંડીશન ક્રિટિકલ છે એટલે પ્રિમેચ્યોર ડીલીવરી કરાવવી પડશે.” નિકેત કંઈ જવાબ આપે તે પહેલા ભાનુમતીબહેને પૂછ્યું, “તમે નિકેતને ઓળખો છો?” હ્રીદિકાએ મુખ પર હળવું હાસ્ય આપી, “લે…નિકેતે કંઈ વાત નથી કરી? અમે મેડીકલ અભ્યાસમાં સાથે હતા અને હોસ્પિટલમાં પણ સાથે હતા. એની વે એ વાત પછી કરીશું અત્યારે પહેલા સૌમ્યાના ઓપરેશનની તૈયારી કરીએ તમારે સૌમ્યના પતિદેવને જાણ કરવી હોય તો કરી દો. મારી પાસે સમય નથી.”

ભાનુમતીબહેન લાચાર ચહેરે નિકેત સામુ જુવે છે. નિકેત હ્રીદિકા તરફ, “ડોકટર તમે તૈયારી શરૂ કરો એ હું વાત કરી દઉં છું.” હ્રીદિકા ઓપરેશન થીયેટર તરફ જતા, “બાય ધ વે ડો.નિકેત તમે હાજર છો એટલે હું બીજા કોઈ પેડીયાટ્રીશિયન ને નથી બોલાવતી. તૈયાર રહેજો તમારા આવનાર ભાણેજની રક્ષા કરવા.

એકાદ કલાક ઓપરેશન બાદ બેબી કયુરેટરમાં નાનકડી બાળકીને રાખે છે.નિકેત તેની સાર સંભાળમાં લાગી જાય છે. ડો.હ્રીદિકા એક અઘરું ઓપરેશન પાર પાડે છે અને મા-દીકરી બંનેને બચાવી લે છે. ભાનુમતિ બહેન ડો.હ્રીદિકા પાસે આવી કહે છે, “તમારો આભાર. તમે સાક્ષાત ભગવાનના દૂત છો ખરે સમયે તમે મળી ગયા અને મારી દીકરીને બચાવી લીધી. પ્રસુતિ પણ પાંચ મિનિટ વહેલી થઈ ગઈ બાકી અમારા કૌટુંબિક જ્યોતિષના કહેવા મુજબ પાંચ મિનિટ બાદ જન્મેલી બાળકીને મંગળદોષ લાગુ પડી જાત.” દૂર બાળકીની સારવાર કરતા નિકેતના કાને વાત અથડાઈ. તે બંનેની નજીક આવ્યો ત્યારે હ્રીદિકાએ ભાનુમતિ બહેનના હાથ પર હાથ રાખી અને નિકેત તરફ નજર ફેંકી, “મેં તો તમારી દિકરીની જીવાદોરી બચાવી લીધી. તમારા આ માંગલિક-અમાંગલિકના ચક્કરમાં તમારા દીકરાએ કોઈની જીવાદોરી કાપી નાખેલી હતી.હવે ડો. નિકેતનો વારો.”

હ્રીદિકા સજળ નયને પોતાની કેબિન તરફ જતી રહી. ભાનુમતિબહેન વાક્યનો તર્ક વિચારવામાં પડી ગયા અને ડો.નિકેતના તેના હાથમાંથી ફરી એકવાર સરકતી પોતાની જીવાદોરી જોઈ રહ્યો.

લેખક: ઉજાસ વસાવડા

મોબાઈલ: +919913701138

Categories: Ujas Vasavda

Leave a Reply