Asim Bakshi

બીજો માળ

ટૂંકી વાર્તા : “બીજો માળ”

કૌશિક લંડનમાં બરોબર સેટ થઇ ગયો હતો. એક મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર પ્રોગ્રામ ડેવેલોપર હતો. સુરત માં એના પપ્પા મમ્મી રહેતા હતા અને બેન સંધ્યાના મુંબઈમાં લગ્ન થયા હતા. પપ્પા મમ્મી અવાર નવાર લંડન આવતા જતા રહેતા હતા. ત્રણ વર્ષના ગાળામાં કૌશિકના મમ્મી પપ્પાનો સ્વર્ગવાસ થઇ ગયો. કૌશિક અને સંધ્યાએ સુરતના મોહોલ્લામાં આવેલું બે માળનું મકાન વેંચી નાખ્યું. મોહોલ્લાના પાડોશીઓ પણ ગમગીન થઇ ગયા જયારે કૌશિક અને સંધ્યાએ બધાં વડીલોને પગે લાગીને આવજો કહ્યું.

એ વાતને સાત આઠ વર્ષ વીતી ગયા. કૌશિકને વધુ પડતા કામને લીધે થોડી માનસિક તાણ વર્તાવા લાગી, અને ઊંઘની ગોળીઓ લેવા લાગ્યો. ડોકટરે કહ્યું કે “એકાદ મહિના નું વેકેશન લો.”

આમ પણ કૌશિકને સુરત ખુબ યાદ આવ્યું હતું, એણે એના જુના પાડોશી કેતનને ફોન કરીને કહ્યું “કેતન સહેજ તપાસ કરને મારું જૂનું મકાન કેવી હાલતમાં છે ? મારે થોડા દિવસ ત્યાં આવવું છે.”

કેતને કહ્યું કે “તારા જુના મકાનના માલિકો બહુ સારા છે અને કાકા કાકી બંને એકલા રહે છે અને ઉપરના બે માળ બંધ રહે છે.”

કૌશિકે કહ્યું “જરા એમને પૂછી જો ને મને ૧૫ દિવસ માટે બીજો માળ ભાડેથી જોઈએ છે તો મળશે?”

કેતને કહ્યું “હું એમને પૂછીને ફોન કરીશ.”

બીજા દિવસે કેતન નો ફોન આવ્યો અને કહ્યું કે કાકા કાકી એ “હા” કહી છે.

કૌશિક ખુબ ખુશ થઇ ગયો અને ભૂતકાળ માં સરી ગયો , એ બીજા માળે જ રહેતો હતો અને ઘણી જૂની યાદોનું એ ઘર હતું. કૌશિકે ઇન્ડિયાની ટિકિટ બુક કરાવી અને પત્ની હેતલ અને પુત્ર દેવાંશ સાથે સુરત આવ્યો. કાકા કાકીએ બીજો માળ એકદમ ચોખ્ખો અને સાફ કરી ને રાખ્યો હતો. કૌશિકે કાકા કાકીના ચરણ સ્પર્શ કર્યા અને પોતાની ફેમિલીને લઈને બીજા માળે ગયો — આ હા હા — પગ મૂકતાં ની સાથેજ મન પ્રફ્ફુલિત થઇ ગયું — એ જ ખૂણા એજ છાપરું અને પોતાની માનીતો ઝરૂખો જ્યાથી આખો મોહોલ્લો દેખાતો હતો. ત્યાં ઉભા રહીને કૌશિકે મન ભરી ને મોહોલ્લા ના દર્શન કર્યા, મન પર થી બધો બોજ હળવો થઇ ગયો અને ખુશ ખુશાલ રૂમમાં આવીને હેતલને કહ્યું “આ રૂમ માં મારા જીવનનો સહુથી સારો સમય વીત્યો છે.”

કૌશિકના ચેહરા પર લાલી જોઈને હેતલે કહ્યું “જ્યા પણ પોતાનું બાળપણ વીત્યું હોય તે ઘર, મોહોલ્લો અને મિત્રો હંમેશા માટે દિલ માં સંઘરાઈ જાય છે — આટલા ખુશ તો તમે ક્યારેય નથી દેખાયાં.”

કૌશિકે નીચે જઈને કાકાને કહ્યું “કાકા તમને મંજૂર હોય તો બીજો માળ મને ભાડે થી આપી દો તમને આખા વર્ષનું ભાડું એડવાન્સમાં આપીને જઈશ.”

કાકાએ કહ્યું “બેટા એવી કોઈ જરૂર નથી, તું અને તારી ફેમિલી જ્યારે પણ મન થાય ત્યારે પધારજો અને ૧૦ દિવસ અગાઉ મને જાણ કરજો હું સાફસૂફ કરાવીને રાખીશ.”

કૌશિક ગળગળો થઇ ગયો અને કહ્યું “કાકા કાકી તમે બંને મારા માતાપિતા સમાન છો તમે પણ મન ફાવે ત્યારે મારા ઘરે લંડન આવી શકો છો, ટિકિટ હુંજ મોકલીશ.”

બે દિવસમાં તો કાકા કાકી અને કૌશિકની ફેમિલી ખુબ હળીમળી ગયા. કૌશિક રોજ મોહોલ્લાના વડીલો અને મિત્રોને મળવા લાગ્યો અને બધાએ ભેગા મળીને જમણવાર પણ કર્યો. હવે કૌશિકને ઊંઘની ગોળીઓ વગર જ ઘસઘસાટ ઊંઘ આવવા લાગી અને એક અઠવાડિયામાં તો ફરીથી અસલ ફોર્મ માં આવી ગયો.

૧૫ દિવસ ક્યાં વીતી ગયા એ ખબર ના પડી — કૌશિકે ભારે હૈયે બધાની વિદાય લીધી અને કહ્યું “મન ની શાંતિ માટે પુરાણા મિત્રો, ઘર, મોહોલ્લો અને શહેર જેવો કોઈ ઈલાજ નથી. દરેક વેકેશનમાં હવા ફેર કરવા હું અહીંજ આવીશ.”

કાકા કાકીએ પણ ભીની આંખે કૌશિક અને એની ફેમિલીને વિદાય આપી. મનમાં ઉમંગ અને અદભુત યાદો સાથે કૌશિક જ્યારે લંડન ના હિથ્રો એરપોર્ટ પર ઉતાર્યો ત્યારે બધો માનસિક પરિતાપ અને બોજ ગૂમ થઇ ગયા હતા !!!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply