Asim Bakshi

લત

ટૂંકી વાર્તા : “લત”

અનિલ, સુકેન, વિકાસ અને નયન ચારે ખાસ મિત્રો. સ્કૂલ કોલેજમાં સાથેજ ભણ્યા હતા. અનિલ ખુબજ હોશિયાર, સંગીત, રમતગમત, રસોઈ વિગેરે માં એક્સપર્ટ. બધા સાથેજ ગ્રેજ્યુએટ થયા અને પોત પોતાની કેરીઅર બનાવવા માં લાગી ગયા. વચ્ચે કોઈક વાર મળવાનું થતું પણ અનિલને મળવાનું બંધ થઇ ગયું હતું. દરેક વખતે કોઈ ને કોઈ બહાનું બનાવીને એ છટકી જતો.

આશરે દસેક વર્ષ થઇ ગયા હશે, એક દિવસ સુકેન વિકાસ અને નયન ભેગા થયા અને નક્કી કર્યું કે આજે તો અનિલને અહીંયા બોલાવીએજ. નયને અનિલને ફોન કર્યો તો સામે થી સ્મિતા ભાભીએ ફોન ઉચક્યો અને પૂછ્યું ” બોલો નયનભાઈ શું કામ છે?”

નયને કહ્યું “ભાભી અનિલને ફોન આપો એને અમારે મળવું છે.”

થોડી વાર ચુપકીદી રહ્યા પછી સ્મિતાએ રડમસ અવાજે કહ્યું “તમે બધા અહિંયા ઘરે આવી જાઓ એમની તબિયત ઠીક નથી.” કહીને ફોન મૂકી દીધો.

ત્રણે મિત્રો તરતજ અનિલના ઘરે પોહોંચી ગયા ત્યાં જઈને જોયું તો અનિલ તદ્દન અશક્ત હાલતમાં પલંગ પર સૂતો હતો, વધેલા વાળ દાઢી અને નંખાયેલો ચેહરો. ત્રણે મિત્રોને આઘાત લાગ્યો અને પૂછ્યું “આ શું હાલત બનાવી દીધી અનિલ?”

અનિલની આંખમાંથી આંસુ પડી ગયા અને બોલ્યો “જેવી ઉપરવાળા ની મરજી.” એના મોઢામાં થી સખત દારૂની વાસ આવતી હતી.

સ્મિતા ભાભીએ કહ્યું કે “મોટી રેલમાં અમારો શો રૂમ તબાહ થઇ ગયો એની ઇન્સ્યોરન્સ પણ પાક્યું નહિ બસ ત્યારથીજ અનિલ ડિપ્રેશનમાં આવી ગયો અને દારૂ ની લત પર ચઢી ગયો છે.”

ત્રણે મિત્રો થોડી વાર અનિલ પાસે બેસીને ઉભા થઇ ગયા. ત્રણે મિત્રોએ મનોમન નક્કી કર્યું કે દરેકે રોજ અનિલ પાસે બેત્રણ કલાક કાઢવા અને એને કંપની આપવાની. ત્રણે મિત્રોએ મળીને એક શોપિંગ મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર એક દુકાન ભાડે રાખી. ત્રણે મિત્રો ફરીથી અનિલના ઘરે ગયા અને અનિલને કહ્યું “કાલ થી તને દારૂ મુક્તિ કેન્દ્ર માં ભરતી કરાવીએ છીએ; ફક્ત મહિના માં જ તું સારો થઇ જશે અને એક મહિનામાં આપણે ફાસ્ટ ફૂડની દુકાન ખોલીએ છીએ જે તારે અને સ્મિતાભાભી એ ચલાવવાની છે અને એનું તમામ ફાઇનાન્સ અમે લોકો કરીશું અને ૫૦% અમારા અને ૫૦% તમારો નફો રહેશે.”

અનિલને કઈ સમજ નહિ પડી પણ ત્રણે મિત્રોને કહ્યું “તમે લોકો શું કામ આટલી તકલીફ લ્યો છો; હું ઠીક થઇ જઈશ.”

ત્રણે મિત્રોએ કહ્યું “અમે કહીએ તેમ કર, અમે તારા જીગરજાન છીએ, કોઈ તકલીફ નથી અમને.”

બીજા દિવસે અનિલને દારૂ મુક્તિ કેન્દ્રમાં ભરતી કરવામાં આવ્યો અને બીજી બાજુ દુકાનનું ફર્નિચર અને સાધન સામગ્રીનું કામ પણ જોર શોરથી ચાલુ થઇ ગયું. જોતજોતામાં તો એક મહિનો થઇ ગયો અને અનિલ થોડી સુધરેલી તબિયત સાથે ઘરે આવ્યો. ચારે મિત્રો મળ્યા અને નક્કી કર્યું કે ૧૫ દિવસ પછી “ફ્રેન્ડ્સ ફ્લેવર” નામથી મીની ફાસ્ટ ફૂડ સેન્ટર શરુ કરીશું. જોરદાર તૈય્યારીઓ થઇ ગઈ અને રેસ્ટોરન્ટના ઓપનિંગની તારીખ આવી ગઈ.

ચારે મિત્રોએ પોતાના જુના મિત્રો અને સાગા સબંધીઓને દિલથી આમંત્રણ આપ્યા. અનિલે પણ રેસ્ટોરન્ટના શેફ સાથે મળીને મેનુ બનાવ્યું. ઉદ્દઘાટનના દિવસે ખુબ સરસ રિસ્પોન્સ મળ્યો અને બધી વાનગીઓના ખુબ વખાણ થયા. થોડા દિવસમાં તો રેસ્ટોરન્ટ ધમધમાવીને ચાલી નીકળ્યું ખાસ કરીને કોલેજીઅન છોકરા છોકરીનું ફેવરિટ થઇ ગયું. મેનુ કાર્ડની પાછળ ચારે મિત્રોએ આખી રેસ્ટોરન્ટ બાબતેની વાર્તા છપાવી જે ખુબ વખણાઈ.

અનિલ હવે બિલકૂલ સાજો સમો થઇ ગયો અને આખો દિવસ ધંધામાં ધ્યાન આપતો થઇ ગયો અને પોતાના અસલ રંગરૂપ માં આવી ગયો. હવેતો જગ્યા નાની પડવા લાગી એટલે બાજુની ત્રણ દુકાનો પણ ભાડે થી લઇ લીધી. આખા શહેર માં ફ્રેન્ડ્ઝ ફ્લેવરની વાનગીઓ વખણાવા લાગી અને મોટી મોટી પાર્ટીઓના ઓર્ડર પણ મળવા લાગ્યા.

એક દિવસ ચારે મિત્રો પોતાની જૂની કોલેજની સામે આવેલી ચાહ ની લારી પર ગોઠવાયા. અનિલે કહ્યું “મિત્રો, તમે હતા તો હું બચી ગયો અને મારી દારૂની હઠીલી લત છૂટી ગઈ.”

ત્રણે મિત્રો એક સાથે બોલ્યા “દારૂ ની લત કરતા હઠીલી મિત્રતાની લત હોય છે જે ભલભલા તોફાનોને ટક્કર આપી શકે છે અને જિંદગીને જીવવા લાયક બનાવે છે ” !!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply