Asim Bakshi

માલદીવ

ટૂંકી વાર્તા : “માલદીવ”

આવતા મહિને અનુજ અને શર્મીલીની ૨૫મી વેડિંગ એનિવર્સરી આવતી હતી અને બંનેએ તેની ઉજવણી માલદીવમાં કરવાનું નક્કી કર્યું. અનુજે ટ્રાવેલ એજન્ટ પાસેથી પેકેજ મંગાવી લીધા અને આશરે ૩ લાખ રૂપિયામાં એક વીક નું પેકેજ પડતું હતું. અનુજે વિચાર્યું કે હમણાં ઓફ સીઝન ચાલે છે તો બુકીંગ વગરજ ત્યાં ચાલ્યા જવાય ફક્ત એર ટિકિટ બ્લોક કરાવી લીધી. દિવસો નજદીક આવતા ગયા તેમ તૈય્યારીઓ થવા લાગી. બંને ખુબ રોમાંચિત હતા કે સ્વર્ગ જેવા માલદીવ ટાપુ ઉપર વેકેશન ગાળવા મળશે.

એક રાત્રીએ અનુજ અને શર્મીલી ટી વી જોતા હતા અને નેશનલ ન્યુઝમાં આવ્યું કે દક્ષિણ ગુજરાતના કેટલા હિસ્સામાં વરસાદ ખુબ ઓછો છે અને દુકાળના ડાકલા વાગી રહ્યા છે. થોડીવાર થઇ એટલે અનુજે ધીરેથી શર્મિલીના કેશ પર હાથ ફેરવતા કહ્યું “ડિયર તને વાંધો ના હોય તો એક વાત કહું?”

શર્મિલીએ ઈશારા થી હા કહ્યું તો અનુજે કહ્યું “જો તું હા કેહતી હોય તો આપણે દસેક ગામડાઓમાં જઈને દરેક ગામડે એક એક બોરિંગ અને મોટર લગાવી દઈએ, મારો મિત્ર ત્રીસ હજાર રૂપિયામાં એક બોરિંગ કરી આપે છે, આ ગામડાના લોકો આપણને કાયમ માટે દુઆઓ આપીને યાદ કરશે.”

શર્મીલી સમજી ગઈ કે અનુજ શું કેહવા માંગે છે તો પણ એને પૂછ્યું “આશરે ત્રણ લાખનો ખર્ચો આવશે એ ક્યાંથી લાવીશું?”

અનુજે કહ્યું “વાહલી આપણા લગ્નની રજત જયંતિ અનોખી રીતે ઉજવીશું, માલદીવના ત્રણ લાખ છેને આપણી પાસે?”

શર્મીલી અનુજ નું વિશાળ હૃદય જોઈને ખુબ ખુશ થઇ અને કહ્યું “જેવી તમારી મરજી, તમારી ખુશીમાં હું ખુશ છું.”

અનુજ ઝૂમી ઉઠ્યો અને શર્મીલીના કપાળે એક ચુંબન આપીને કહ્યું “કાલે રેડી થઇ જાઓ, આપણે આઠજ દિવસમાં આ મિશન પૂરું કરવું છે.”

બીજા દિવસે અનુજે જિલ્લા પંચાયતની કચેરીમાંથી પરવાનગી લઇ લીધી અને એના મિત્રની સાથે દસ ગામડાઓની મુલાકાતો શરુ કરી અને ગામના સરપંચ પાસે જગ્યા પસંદ કરાવીને યુદ્ધના ધોરણે પાણીના બોરિંગનું કામ શરુ કરાવી દીધું. આઠમા દિવસે અનુજના મિત્રે લીલી ઝંડી આપીને કહ્યું “બોસ તમારું કામ થઇ ગયું છે.”

અનુજે શર્મીલી ને કહ્યું કે “કાલે પપ્પા મમ્મી અને દીકરા અક્ષયને સાથે લઇ લેજો, કાલે આપણી રજત જયંતિ છે અને તમામ બોરિંગના ઉદ્દઘાટન આપણા પરિવારે કરવાના છે.”

બીજા દિવસે સવારે પૂજા કરીને અનુજ અને તેનો પરિવાર અને તેનો મિત્ર બધા ગાડીમાં ગામડે ગામડે ફર્યા અને બોરિંગ પમ્પને ચાલુ કર્યા. બોરિંગ માંથી નીકળતું પાણી માલદીવના દરિયાના પાણી કરતા વધારે આહલાદક લાગતું હતું. અનુજ શર્મીલી અને તેના પરિવારજનોના આંખમાં હર્ષના આશ્રુઓ વહેવા લાગ્યા. ગામડાના સરપંચો અને વસાહતીઓએ અનુજ શર્મીલીને ખુબ ખુબ અભિનંદન આપ્યા.

શર્મિલીએ અનુજના ખભે માથું મૂકી ને કહ્યું “થેન્ક યુ ડિયર, આજે ગામડાના લોકોની આંખોમાં ખુશી જોઈને થયું કે દુનિયામાં આનાથી સારી અનેવર્સરી ગિફ્ટ કોઈને નહિ મળી હશે.” અનુજ શર્મીલી નો હાથ પકડીને ભીની આંખે ઉભો રહ્યો.

રાત્રે બધા હોટલના ડિનર ટેબલ પર જમવા બેઠા ત્યાંજ અનુજના પપ્પાએ એક મોટું કવર કાઢ્યું અને શર્મિલીને આપ્યું અને કહ્યું “આ અમારી તરફથી તમને એનિવર્સરી ની ભેંટ છે.”

શર્મિલીએ કવર ખોલ્યું અને જોયું તો ત્રણ દિવસ પછીનું “માલદીવ” નું ૫ રાત ૬ દિવસનું બુકીંગ વાઉચર હતું.

શર્મિલીએ ઉભા થઈને પપ્પા અને મમ્મી ના ચરણ સ્પર્શ કર્યા અને અનુજે કહ્યું “ઉદાર દિલ એ મને પપ્પા મમ્મી તરફથી વારસા માં મળ્યુ છે !!!!”

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply