Dilip Ghaswala

સ્મિત જોઈએ

સ્મિત જોઈએ..

દુઃખ દરદ ને આવકારતો એક અવસર જોઈએ,
આંખ ભીની હોઈ ત્યારે સ્મિત મુખ પર જોઈએ.

હે, તબીબ ખોટા પ્રયાસો છોડ મરવા દે મને,
મોત ના ફૂલો ની ખુશ્બુ છે ન અત્તર જોઈએ.

રેશમી યાદો થકી પુલકિત થવાનું ભાગ્ય છે,
મુગ્ધ કરતો મંત્ર આપે એવો ઈશ્વર જોઇએ.

જિંદગી ડૂબી જશે જો વૃત્તિ રાવણ ની હશે,
રામના નામે તરે એવા જ પથ્થર જોઈએ.

રાસલીલા ખેલવા માટે સમય કોઈ નથી,
શ્વાસ માં હરદમ કનૈયો કૃષ્ણ ગીરધર જોઈએ.

આપ અવતરવાના હો હૈયે ગઝલરૂપે અગર,
તો તગઝ્ઝુલ ભીની કોઈ સાંજ મનહર જોઈએ.

જે કરે છે જીતવા ની જીદ હંમેશા “દિલીપ”
સર્વ થી જુદા સફળતા ના જ તેવર જોઈએ.

-દિલીપ વી ઘાસવાલા

Categories: Dilip Ghaswala

Leave a Reply