Rita Mekwan

માધવ ઘેલી રાધા

નવલિકા શીર્ષક : માધવ ઘેલી રાધા

પંદર વરસની રાધા આજ સવારથી ખુશ હતી. સાસરીમાં પહેલી દિવાળી હતી. મહિયરમાં એની મા દિવાળીના દિ’ એ અને નવા વરહે રાધાને સરસ તૈયાર કરતી. વચ્ચે પાંથી પાડી બે ચોટલા ઓળી દેતી. રાધા ખૂબ રૂપાળી હતી. નમણું નાક ,ગોરો વાન, અણીયાળી કાજલ ઘેરી આંખો… પંદર વર્ષની માસુમ રાધાના રૂપને વધારે નીખાર આપતી હતી.

ચૌદ વર્ષે માધવ સાથે લગ્ન કરીને સાસરે આવેલી રાધાની પહેલી દિવાળી હતી. દિવાળી ની આગલી રાતે માધવે રાધા ને કહ્યું “રાધા..કાલ દિવાળી છે..તું વચ્ચે પાંથી લઈ બે ચોટલા લેશે તો મને બહુ ગમશે.” ને.. બીજે દિવસે સવારમાં રાધા વહેલી ઉઠી..પાણી ભરી.. વાસીદુ વાળી.. પિયર ની જેમ વચ્ચે પાંથી પાડી બે ચોટલા લીધા. લાલ ઘાઘરા ચોળી ને બાંધણીની ઘાટડીમાં ખુબ સુંદર દેખાતી હતી. કપાળમાં લાલ ચટક ચાંદલો એના રૂપ ને દીપાવતો હતો. એનો વર માધવ નજીક આવીને બોલ્યો, “રાધા.. આજે તો આકાશનો ચાંદલિયો નીચે મારા ઘરમાં આવ્યો છે… કાળો ટીકો કરી દેજે, નહીં તો મારી જ નજરું લાગી જાહે..” ને રાધા શરમાઈ ગઈ….

ત્યાં તો રાધાની સાસુ ગંગાની બૂમ સંભળાઈ..”અલી વહુ.. રાધા ક્યાં છે તું? આજે દિવાળી છે ને હજુ પાણિયારે ને તુલસીક્યારે દીવો નથ મેલ્યો?…”

ને રાધા “આવી મા” કહેતી સાસુ પાસે આવી.

ગંગા રાધાના રૂપને જોઈ રહી ..પછી બોલી “મૂઈ નખરાળી, આજે તો બે ચોટલા લીધા છે ને કંઈ? કામ કરો ઘરમાં આ શું વેશ કાઢ્યા છે?”

પંદર વર્ષની રાધાના આંખમાં આંસુ આવી ગયા… એ બોલી “સાસુ મા આજ દિવાળી છે.. મારી મા મને દિવાળી ના દી માં બે ચોટલા ઓળી દેતી .. એટલે મેં અહીં પણ બે ચોટલા ઓળી દીધા..”

સાસુ બોલી “છોરી આ તારી સાસરી છે, તારી મા નું ઘર નથી…હમજી.. ???”

રાધા રડતા રડતા બોલી “સાસુમા, મારી ભૂલ થયી ગઈ. મારી માએ સાસરે વળાવી તીઆરે કીધું’ તુ.. રાધા.. બેટા.. હવે તારી સાસુ જ તારી મા છે… એની સેવા કરજે..એ કેય એમ કરવાનું. મા.. તમને નહિ ગમે એ હું નહિ કરીશ.” કહીને બે ચોટલા છોડી અંબોડો બાંધી દીધો.

માધવ દૂર થી રાધા ને રડતી જોઈ રહ્યો. રાધા રડતી રડતી ચૂપચાપ કામ કરતી રહી. ગંગા આખો દી’ રાધા ને જોતી રહી.. ગંગા ને સાસરી માં પોતાની પહેલી દિવાળી યાદ આવી. ગંગાએ દિવાળી માં રાધા ની જેમ જ બે ચોટલા લીધા હતા. ને એની સાસુ પણ એને ખીજવાઈ હતી. ગંગા ને પણ બે ચોટલા બહુ ગમતા.પણ સાસુ અંબોડો જ બંધાવી માથે છેડો ઢંકાવતી. માધવના બાપુ મર્યા પછી ગંગા ની સાસુ એ ગંગાના બધા વાળ ઉતરાવી લીધા હતા..ત્યારથી ગંગા બે ચોટલા કોઈ ના જોતી તો નિસાસા નાખતી…આજ એની પોતાની વહુ સાથે પણ એ લડી પડી. એને બહુ પસ્તાવો થયો, કે જુવાન વહુ ને સપરમા દી એ રોવડાવી…!!!!

બીજે દિવસે નવું વરસ હતું. રાધા ને એની સાસુ બંને વહેલા ઉઠી ગયા.. પાણી ભરી,વાસીદુ કરી, સાથીયા પૂર્યા.. રાધાએ કોરા નવા લૂગડાં પહેરી માધવ હારે મંદિરે દર્શન કરવા જવા તૈયાર થતી હતી, માથુ છોડી અંબોડો બાંધતી જ હતી ત્યાં ગંગા આવી ને બોલી “રાધા, લાવ બેટા, આજ હું તને બે ચોટલા લઇ દઉં.મારી દીકરી બે ચોટલામાં ખુબ રુપાળી લાગે છે.” ને માધવને બોલાવી ને કહ્યું..”કેમ માધવ.. તને પણ બે ચોટલા બહુ ગમે છેને?”

રાધા ” મા..” કહેતી સાસુ ને ભેટી પડી. માધવ રાધા ની પાસે આવ્યો ને કહ્યું “ચાલો રાધા રાણી..મંદિરે જવું છે કે નહિ..???” રાધા ઊંઘી ફરી હસવા લાગી.

માધવ ને રાધા મા ને પગે લાગી મંદિરે જવા નીકળ્યા. ગંગા તુલસી ક્યારે દીવો મૂકી બોલી, “તુલસી મા..મારા છોકરાઓને સુખી રાખજો..” ને તુલસી ક્યારે મૂકેલી દીપમાળા ઝળહળી ઊઠી..

-રીટા મેકવાન “પલ”

Categories: Rita Mekwan

Leave a Reply