Asim Bakshi

લગ જા ગલે

ટૂંકી વાર્તા : “લગ જા ગલે”

હિમાંશુ મેડિકલના બીજા વર્ષમાં હતો અને બે મહિના પછી પરીક્ષા હતી. સામેના મકાનમાં રહેતા મેહતા સાહેબની દીકરી સુધા રોજ ઝરુખામાં આવે અને હિમાંશુની એની સાથે નજરો મળે અને મીઠા હાસ્ય ની આપ લે થાય. બંને ને થયું કે આ પ્રેમની શરૂઆત છે.

એક દિવસ બસ સ્ટેન્ડ પર સુધા અને હિમાંશુ એકલા ઉભા હતા. સુધા એ કહ્યું “કેમ ચાલે છે પરીક્ષા ની તૈય્યારી.”

હિમાંશુ એ ધીમું મલકાતાં કહ્યું “ખુબ અઘરું છે પણ વાંધો નહિ આવે.”

સુધાએ એ સહેજ નજદીક આવીને કહ્યું “ચાલ આજે કોફી પીવા જઈએ.”

હિમાંશુ થોડો ખચકાયો પણ કહ્યું “ચાલ મારી કોલેજની બાજુમાં સરસ નાની હોટેલ છે ત્યાં જઈએ.”

બંને હોટેલ પર પોહોંચ્યા અને હિમાંશુએ બે કોફી નો ઓર્ડર આપ્યો. સુધાએ પહેલ કરી “હિમાંશુ, આપણે બેત્રણ દિવસમાં આવીજ રીતે મળતાં રહીયે તો કેવું!! તારો સાથ મને ગમે છે.”

હિમાંશુએ એ થોડું વિચાર્યું અને ભારે મન થી કહ્યું “સુધા, મને પણ તારી સાથે મુલાકાતો ગમે છે પણ સોરી, જ્યા સુધી હું મારું ભણતર પૂરું નહિ કરું ત્યાં સુધી મને માફ કરજે અને બને તો દૂર રેહવાની કોશિશ કરજે.”

બસ પછી કોઈજ વાત નહિ થઇ અને બંને કોફી પી ને છુટા પડ્યા. તે દિન પછી હિમાંશુ બાલ્કનીમાં આવતો તો સુધા ઝરૂખામાં થી અંદર ચાલી જતી. હિમાંશુ પુરા ખન્તથી પોતાના અભ્યાસમાં લાગી ગયો. બે વર્ષ વીતી ગયા, એક દિવસ હિમાંશુની મમ્મી એ કહ્યું “સામેવાળા મેહતા સાહેબ હવે અમદાવાદ શિફ્ટ થાય છે કારણ કે એમના મકાન માલિક આ જૂનું મકાન ઉતારીને નવું એપાર્ટમેન્ટ બનાવી રહ્યા છે.”

હિમાંશુને થયું કે સુધાને મળી લઉં અને એ મેહતા સાહેબને ત્યાં ગયો તો ખબર પડી કે મહેતાસાહેબ તો સવારેજ મકાન ખાલી કરીને ચાલ્યા ગયા. હિમાંશુ ઉદાસ મને પાછો ઘરે આવી ગયો. થોડા દિવસ પછી સામેનું મકાન ઉતારવાનું શરુ થયું. હિમાંશુ બાલ્કનીમાં આવીને ઉભો રહ્યો; સુધાના મકાનનો ઝરૂખો તૂટતો હતો, ભીની આંખે એ પાછો રૂમની અંદર દોડી ગયો અને એની મમ્મી ને જઈને કહ્યું “માં , એક વાત કહું? મને સુધા ખુબ ગમે છે, હવે મારા ભણતરનું પણ છેલ્લું વર્ષ છે, પ્લીઝ તું મહેતાસાહેબને ફોન કરીને વાત કરને.”

હિમાંશુ ની મમ્મી ચૂપ રહી અને પછી કહ્યું “બેટા હવે મોડું થઇ ગયું છે, ગઈકાલેજ સુધાનો ફોન હતો, આવતા મહિને એના લગ્ન છે અને આપણને આમંત્રણ આપવાજ ફોન કર્યો હતો.”

રૂમમાં ધીમા અવાજે રેડીઓ વાગી રહ્યો હતો “લગ જા ગલે કે ફિર યે હસી રાત હો ના હો..”

હિમાંશુએ ગળગળા અવાજે કહ્યું “માં હું મેડિકલમાં તો પાસ થઇ જઈશ પણ પ્રેમની પરીક્ષામાં નાપાસ થયો છું.” મમ્મી રડી પડ્યા !!!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply