Ujas Vasavda

પ્રેમ અમર છે

શીર્ષક:-“પ્રેમ અમર છે”

“શ્યામ..તમે મને છોડીને જઈ શકશો?”

યમુના નદીના કિનારે વડલાની નીચે શ્યામ અને રાધા એક અલૌકીક અવસ્થામાં, શ્યામના ખભા પર પોતાનું માથું ઢાળી રાધાએ પ્રશ્ન કર્યો. રાધાની આંખો વાટે હૈયું ઓગળી રહ્યું હતું.

“રાધે..કર્મના પથ પર આપણે સૌ એ ચાલવું જ રહ્યું.”

“તમને કર્મપથની ચિંતા છે! પણ આ રાધાનું શું થશે તેની ક્ષણભર પણ ચિંતા નથી? તમારા જવાથી આ વૃંદાવનની ગલીઓ માંથી પ્રાણ જતાં રહશે. સવારમાં મોરલીના સુર સાંભળી ચરવા જતી ગૌ નું શુ? વન-ઉપવનમાં ખીલતાં પુષ્પોનું શુ? આંબાની ડાળીઓ પર કિલ્લોલ કરતી કોયલ મોરલીના સંગીત સાથે સૂર કઈ રીતે પુરશે? પૂર્ણિમાની પ્રતીક્ષામાં દિવસો કાઢી ભાનભુલી રાશ રમતી ગોપીઓનું શું? શ્યામ તમે આટલા નિષ્ઠુર કેવી રીતે બની શકશો? તમારી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ જોડાયેલા આ સજીવોની ક્ષણભર પણ તમને ચિંતા નથી?” શ્યામ તમારા ગયા બાદ આ રાધાનો દેહ એક જીવંત મૃતદેહ બની જશે કારણ પ્રાણ તો તમે તમારી સાથે હરી જશો.” એક સાથે બોલી ગયેલી રાધા અચાનક અટકી ગઈ કંઈક વધુ બોલી જવાની ભીતિ લાગી.

શ્યામ રાધાની ફરિયાદ સાંભળી મુખ પર એક અલભ્ય મુદ્રા ઉપસાવી, “રાધે.. તું કહે તો હું અહી જ રોકાઈ જઈશ.”

રાધા ક્ષોભિત થઈ મોં પર પ્રસરેલ અશ્રુઑને પાલવના છેડા વડે લૂછી, “નહીં.. શ્યામ મને માફ કરો…હું એ વાત વિસરી ગઈ કે તમારે જીવસૃષ્ટિના કલ્યાણર્થનો માર્ગ પકડવાનો છે અને વધુ મારે કંઈ કહેવાની જરૂરિયાત જ નથી આપ મારા મનની દરેક પીડાઓથી માહિતગાર છો.”

શ્યામ રાધા તરફ ફરી તેની પાંપણ પર બાજેલા અશ્રુબિંદુને આંગળીના ટેરવા પર લઈ. “રાધે..તારે તો મને હસતાં ચહેરે વિદાય આપવાની છે. તુ અને હું કઈ અલગ નથી. તુ હંમેશ મારી સાથે જ છે. મારા શ્વાસમાં, મારી રોમે રોમમાં તુ વસેલી છે. તુ ઉદાસ થઈશ તો મારા પગ કઈ રીતે આગળ વધશે! તારી અનુમતિ વગર મારા પગલા વૃંદાવન બહાર નહીં નીકળી શકે. આપણે સૌ કર્મથી બંધિત છીએ તેનાથી છૂટી નહિ શકાય. અને તુ એ જાણે છે કે સર્વ પર જ્યારે આપત્તિ આવે, ઉદાસ થાય, ત્યારે તે લોકો મારી પાસે આવે છે. પણ, જ્યારે હું ઉદાસ થઉં ત્યારે રાધે..હું તારી પાસે આવું છું. વિરહની વેદના સૌથી વધુ અસર કોને થશે!! આ વાંસળી વાટે હું તારું મન બહેલાવવા પ્રેમરસની સૂરીલી ધૂનને પ્રકૃતિમાં વહેતી મુકતો હતો. પરંતુ હવે માત્ર તારી યાદોને આપણી મુલાકાતને યાદ કરી મારી એકલતા દૂર કરવા જ વાંસળી વગાડીશ. તુ તારા હદયની વાતો સખીઓને કરીશ પણ હું કોની પાસે કરીશ! રાધે..તું જાણે છે કર્મપથ પર આગળ વધવા આ લાગણી, સ્નેહના તાંતણાઓને તોડવા જ પડે તો જ મોટું કાર્ય પાર પડે જ્યારે પ્રેમ તો વિરહમાં પણ છે તેના તાંતણા જન્મો જન્મ બંધાયેલા જ રહે છે.પ્રેમ અમર છે સાથે ‘રાધેશ્યામ’ નામ પણ અમર છે.”

“શ્યામ..જતાં પહેલા એક વખત તારી વાંસળીનાના સુર રેલાવશો!! તેને હું મનભરી માણવા માંગુ છું અને કાયમને માટે મારા મન મસ્તિષ્કમાં સાચવવા માંગુ છું.”

રાધાની ઈચ્છા પૂર્તિ કરવા શ્યામ વાંસળીને પોતાના હોઠો પર ધરી પ્રેમરસને સાત સુરોની શૃંખલા વડે વહેતી મૂકે છે. મધ્યાન કાળેથી લઈ સંધ્યાકાળ સુધી એકધારા સુરો વૃંદાવનમાં ગૂંજે છે. અને અચાનક શ્યામ વાંસળી વગાડતાં અટકે છે. રાધા પોતાનો હાથ વાંસળી પર રાખી અટકાવે છે અને પાછું ફરી શ્યામ તરફ જોયા વિના દોડતી જતી રહે છે.

લાઈટ ફેડ આઉટ કરવામાં આવે છે અને પડદો પાડવામાં આવે છે. પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની તાળીઓનો ગડગડાટ વહેતો મૂકી દે છે. સ્ટેજ પર પાત્રો ભજવતા બન્ને નાયક અને નાયિકાના મૂળ નામ પણ રાધા અને શ્યામ જ હોય છે. મેકઅપ ઉતારી પ્રેક્ષકોનું અભિવાદન ઝીલી બન્ને પોત પોતાના ઘર તરફ જવા લાગે છે.

શ્યામને પાછળથી ટોકતાં રાધાએ કહ્યું, “છેલ્લી વાર ભજવેલા અભિનયના તું વખાણ નહીં કરે?”

શ્યામએ પોતાના બાઇકને ઉભું રાખી રાધા તરફ દ્રષ્ટિ કરી,”ના..પણ તું ક્યા અભિનય કરી રહી હતી!”

શ્યામના વાક્યથી ચકિત થયેલી રાધા પૂછે છે, “તને ખબર છે કે હું અભિનય કરી રહી ન હતી!! તો શા માટે મુકીને જઈ રહ્યો છે? તને એ પણ ખબર તો છે જ કે હું તારા વીના જીવી નહીં શકું.”

શ્યામ રાધાની નજીક આવી તેની આંખોમાં આંખો નાખી, “રાધા..કર્મપથ પર આગળ વધવા આ લાગણી, સ્નેહના તાંતણાઓને તોડવા જ પડે તો મોટું કાર્ય પાર પડે જ્યારે પ્રેમ તો વિરહમાં પણ છે તેના તાંતણા જન્મો જન્મ બંધાયેલા જ રહે છે. મારા માટે મારુ કર્મપથ દેશની સેવા છે. તું પણ દર્દીઓની સેવા કરી તારા કર્મપથ પર ચાલવા માંડ! રહી વાત પ્રેમની તો એ અમર છે, વિરહમાં રહેલો પ્રેમ જ ખરો પ્રેમ છે.”

રાધા અશ્રુભીની આંખોએ, “તુ નાટકના ડાયલોગ ન બોલ..”

શ્યામ બાઇક ચાલુ કરી ફરી ચાલવા માંડે છે અને રાધા ઉભી ઉભી રડવા લાગે છે.

-ઉજાસ વસાવડા

Categories: Ujas Vasavda

Leave a Reply