Asim Bakshi

મદદ

ટૂંકી વાર્તા : “મદદ”

સુરત સ્ટેશન પર ગાડી આવી અને કમલ ૨ ટાયરના ડબ્બામાં ચઢ્યો. આજે વાપીની એક કંપનીમાં કંપની સેક્રેટરીની જગ્યા માટે ઇન્ટરવ્યૂ આપવાનો હતો. કમલ બે મહિના પહેલા જ C S ની એક્ઝામ માં પાસ થયો હતો અને આ એની જિંદગીનો પેહલો ઇન્ટરવ્યૂ હતો. કમલ નીચેના બર્થ ઉપર બેઠો, સામેની સીટ પર ફૂલી એક માજી ને બેસાડીને ચાલ્યો ગયો. માજી ખુબ અશક્ત લાગતા હતા, ધીમેથી માજી સીટ ઉપર સુઈ ગયા. માંડ નવસારી આવ્યું હશે ને માજી બંધ આંખે બબડ્યા “પાણી, પાણી.”

કમલે તરતજ ઉભા થઇને માજીના કપાળ ઉપર હાથ મુક્યો તો તાવથી શરીર ધખધખતું હતું, કમલે પાણીની બોટલ ખોલીને માજીને પાણી પીવડાવ્યું અને પૂછ્યું ” માજી તમને બહુ તાવ છે , તમે ક્યાં જવાના છો ? એકદમ ધીમા અવાજે માજીએ કહ્યું “મારી તબિયત સારી નથી રહેતી અને હું ઈલાજ કરાવવા મુંબઈ જાઉં છું, મારો દીકરો પરદેશ રહે છે પણ એનો એક મિત્ર મુંબઈ રહે છે એ મને સ્ટેશન પર લેવા આવવાનો છે.” આટલું કહીને માજી બેભાન થઇ ગયા. કમલને સમજ નહિ પડી કે શું કરવું ?

એણે માજીના હાથ પાસે મોબાઈલ હતો તે લઈને જોયો અને છેલ્લો નંબર કોઈ વિવેકના નામનો હતો એને કોલ કર્યો પણ પેલા ભાઈએ ફોન ઉચક્યો નહિ. એટલી વારમાં વાપી સ્ટેશન આવી ગયું અને કમલની ઉપર અને સામે ઉપરના બર્થના પ્રવાસીઓ ઉતરી ગયા. ખુબ વિચારીને કમલ બેસી રહ્યો અને મનોમન નક્કી કર્યું કે માજીને મુંબઈ લઇ જવા.

કમલે પોતાનો રૂમાલ કાઢીને ઠંડા પાણીના પોતા માજીના માથે મુક્યા. ટ્રેન આગળ ચાલી ત્યાંજ માજીના મોબાઈલ પર રિંગ વાગી, કમલે ફોન રિસીવ કર્યો તો સામેથી કોઈ ભાઈનો અવાજ આવ્યો “માજી હું વિવેક બોલું છું, ફોન સાઇલેન્ટ પર હતો અને હમણાજ તમારો મિસકોલ જોયો.”

કમલે કહ્યું કે “હું એક પેસેન્જર બોલું છું અને માજી બેભાન થઇ ગયા છે હું એમને લઈને મુંબઈ આવું છું.”

વિવેકે કહ્યું “આભાર ભાઈ હું માજીને લેવા સ્ટેશન પર આવી જઈશ.”

થોડી વાર થઇ એટલે માજી ભાનમાં આવ્યા અને કમલે કહ્યું “માજી ચિંતા ના કરો, વિવેકનો ફોન આવી ગયો છે અને હું તમને મુંબઈ સુધી મૂકી આવીશ.”

ભીની આંખે માજીએ હાથ ઊંચા કરીને મૂક આશીર્વાદ આપ્યા. કમલ વિચારતો હતો કે કાલે સવારે ટ્રેન પકડીને પાછો સુરત નીકળી જઈશ, ઘરે ફોન કરી દીધો કે “એક દિવસ મોડું થશે હું કાલે આવીશ.”

ટ્રેન મુંબઈ સેન્ટ્રલ આવી ગયી અને ત્યાં વિવેક પણ આવી ગયો હતો. કમલે કહ્યું “વિવેક હું પણ તમારી સાથે માજીને લઈને હોસ્પિટલ આવું છું, આમ પણ મારે આખી રાત અહિંયા સ્ટેશન પર વિતાવી પડે એના કરતા તમને મદદ રૂપ થઈશ.”

માજીને હોસ્પિટલ દાખલ કરીને કમલ રાત રોકાયો અને સવારે ટ્રેન પકડી લીધી. એક પછી એક સ્ટેશન આવતા ગયા અને વાપી સ્ટેશન પર ગાડી રોકાઈ તો કમલ ઉતરી ગયો અને વિચાર્યું કે “આજે કંપનીમાં જઈને બોસને મળી તો લઉં.”

ઊંઘભરી આંખે અને ચોળાયેલા કપડાં સાથે કમલ બોસની કેબીનની બહાર બેઠો અને એના નામની ચિઠ્ઠી કેબિનમાં મોકલી। પાંચ મિનિટ થઇ એટલે બોસે અંદર બોલાવ્યો અને સામે બેસાડી ને કહ્યું “આ તમારો એપોઇન્ટમેન્ટ લેટર છે, આવતા મહિનાથી જોબ પર જોડાઈ જાઓ.”

કમલને કઈ સમજ ના પડી કે “વગર લાગવગે અને વગર ઇન્ટરવ્યૂ એ કેવી રીતે સિલેક્ટ થઇ ગયો ?”

બોસે હસતા હસતા કહ્યું “ડીઅર સન , ગઈકાલે ટ્રેનમાં હું તારી ઉપરની બર્થ પર જ હતો અને તારી બધી વાતો સાંભળી અને જે રીતે તે એક અજાણી માજીની મદદ અને સેવા કરી છે તે ખરેખર બિરદાવવા લાયક છે, જે ઈસમ પારકાંની નિસ્વાર્થ ભાવે આટલી મદદ કરે તે પોતાની કંપની નું કેટલું ધ્યાન રાખી શકે છે તે હું જાણું છું અને મને ખબર હતી કે તું અહિંયા આવશેજ એટલે ગઈકાલ ના તમામ કેન્ડીડેટ્સ ને પાછા મોકલી દીધા હતા.”

કમલ ને બે હાથ ઊંચા કરીને મૂક દુઆ આપતા માજીનો ચેહેરો દેખાયો !!!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply