Nayna Shah

ગોલ્ડન પિરિયડ

ઉષા આન્ટી વિચારતાં હતા કે આજકાલ ગોલ્ડન પિરિયડની વ્યાખ્યા કેટલી છીછરી થઇ ગઈ છે ? જિંદગીમાં મોજમજા એ જ ગોલ્ડન પિરિયડ છે ?

રિતીનો ફોનમાં પણ અવાજ ઉત્સાહથી ભર્યોભર્યો હતો. “રિતી શું ચાલે છે ?” એવું જયારે એના ઉષા આન્ટીએ પૂછ્યું ત્યારે રિતી જે રીતે વાત કરતી હતી એ રીતે લાગતું હતું કે એના હૃદયમાં ઉત્સાહ સમાતો નથી. એ હૃદયનો ઉત્સાહ ક્યાંક ઠાલવવા માંગે છે. મનુષ્ય ગમે તેટલા પ્રયત્ન કરે છતાં પણ દુઃખ કે ઉત્સાહ જેવી હૃદયની ભાવના એ છુપાવી શકતો નથી. રિતી પણ એની ખુશી ક્યાં છુપાવી શકતી હતી. જોકે કહેવાય છે કે ખુશી વ્યક્ત કરવાથી વધે જયારે તમારૂ દુઃખ તમે લોકોને કહો ત્યારે એ લોકો તમારી તરફ દયાની દ્રષ્ટિએ જોશે. બીજી વાર કહેશે કે આ બધી વાતો અગાઉ કરેલી જ છે ને ? જયાર ત્રીજી વખત કહેશો ત્યારે એ વ્યક્તિ અચૂક તમારાથી દૂર ભાગશે. કોઈને દુઃખ વારંવાર સંભાળવું ગમતું નથી. જોકે સુખમાં બધાં સાથી થશે.

“રિતીએ શું ચાલે છે ?” ના જવાબમાં ઉત્સાહથી કહેલું, “આન્ટી, અમારો ગોલ્ડન પિરિયડ ચાલે છે. રિષીનો સ્વભાવ એટલો સારો છે કે હું મારી જાતને ધન્ય માનું છું. કેટલાય જન્મોના પુણ્ય ભેગા થયા હોય તો રિષી જેવો જીવનસાથી મળે. અમે ઓફીસથી છૂટીને દરરોજ સાથે બે થી ત્રણ કલાક વિતાવીએ છીએ. એક જ ઓફીસમાં છીએ. લગ્ન બાદ તો અમે જોડે જ ઓફીસ જઈશું. અને જોડે જ ઘરે આવીશું. સાચું કહું આન્ટી, રિષીથી છુટા પડવું ગમતું જ નથી. લગ્ન પછી તો જવાબદારીઓ વધી જશે પછી આવી રીતે દરરોજ બે-ત્રણ કલાક ફરી શકીશું નહી. અમે ચિંતા કે જવાબદારી વગર ફરી શકીએ છીએ. આન્ટી, આ તો અમારો ગોલ્ડન પિરિયડ છે. બોલો કહેવાય કે નહી ?”

ઉષા આન્ટી રિતીના ઉત્સાહને સાંભળી રહ્યા હતા. રિતીની વાતો સાંભળી એ ખુશ પણ હતા. આખરે પોતાની ભત્રીજી સુખી થાય એ કયા ફોઈને ના ગમે ?

રિતી અને રિષી એક જ ઓફીસમાં હતા. બંનેના મન મળી ગયા હતા. ઘરનાએ પણ એમના સંબંધો સહજપણે સ્વીકારી લીધા હતા. કારણ બંને એક જ જ્ઞાતિના હતા. બંને આર્થિક રીતે લગભગ સમકક્ષ હતા. વિરોધનું તો કોઈ કારણ હતું જ નહી.

ઉષા આન્ટીને યાદ આવ્યું કે થોડા દિવસ પહેલા એમના દિયરનો દિકરો પ્રથમેશ આવેલો એ પણ એવું જ કહેતો હતો કે, “કાકી, તમને ખબર છે કૉલેજકાળ એટલે જિંદગીનો ગોલ્ડન પિરિયડ આમ પણ અમારે કોમર્સમાં પ્રેક્ટીકલ હોતાં નથી અને હું તો નાનપણથી પપ્પાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફર્મમાં જતો હતો. ત્યાં તો હું મારા શોખ ખાતર ઘણું બધુ શીખી ગયો હતો. એટલે એકાઉન્ટ કે ઓડીટમાં મહેનત ખાસ કરવી પડતી નથી. છતાંય ફર્સ્ટ ક્લાસ આવે છે. પપ્પાએ કૉલેજ જવા કાર આપી છે. અમે બધા ભાઈબંધો હરીએ ફરીએ છીએ અને કૉલેજ લાઈફ એન્જોય કરીએ છીએ. કંઈ જ જવાબદારી નહી. કાકી, હું તો બહું જ ખુશ છું.”

ઉષા આન્ટીએ એ વખતે કહેલું, “પ્રથમેશ લોકો વિવાહથી લગ્ન સુધીના સમયને ગોલ્ડન પિરિયડ કહે છે. જયારે તું તો કૉલેજ લાઈફને ગોલ્ડન પિરિયડ કહે છે.”

ત્યારે પ્રથમેશે કહેલું, “કાકી, એ તો છીકરીઓ માટે, બાકી વિવાહ થયા કે તરત થનાર પત્નીની ફરમાઇશો પૂરી કરવી પડે. કૉલેજ લાઈફ જેવી એક પણ લાઈફ નહી. ભણીને પપ્પાની ફર્મમાં બેસવાનું, રાત-દિવસ મહેનત કરવાની. બોલો કાકી આ ગોલ્ડન પિરિયડ કહેવાય કે નહી ?”

ઉષા આન્ટી વિચારતાં હતા કે આજકાલ ગોલ્ડન પિરિયડની વ્યાખ્યા કેટલી છીછરી થઇ ગઈ છે ? જિંદગીમાં મોજમજા કરવી એ જ ગોલ્ડન પિરિયડ છે ? જયારે એમણે તો પતિને લગ્ન પહેલા માંડ એકાદ વાર જોયો હતો. થોડી વાર વાતચીત કરી હતી એ પણ તમે ક્યાં સુધી ભણ્યા છો ? તમારો શોખ શું ? વગેરે…

એમના વખતમાં મર્યાદા હતી. બધાના દેખતા થનાર પતિ સાથે વાત પણ કરી શકતા ન હતા અને કૉલેજમાં તો પૂરેપૂરી હાજરી જરૂરી રહેતી. પ્રેક્ટીકલ તો છોડાય જ નહી અને કૉલેજમાંથી પિક્ચર જોવા જવું કે હોટેલમાં જવું એવું તો એ વિચારી જ શકતા ન હતા. બીએસસી અને ત્યાર બાદ માસ્ટર ડિગ્રીમાં એમણે ઘણી મહેનત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. લગ્ન બાદ પતિએ પીએચ. ડી. કર્યું ત્યારે પણ એ પુસ્તકોને પોતાના સાથી ગણાતા હતા. એમના પ્રેમમાં ક્યાંય છીછરાપણું નહોતું કે ક્યાંય પ્રેમનો દેખાડો ન હતો.

ઉષા આન્ટી વિચારી રહ્યા હતા કે, આજની પેઢી ગોલ્ડન પિરિયડનો અર્થ જવાબદારી વગરની જિંદગી અને હરવું ફરવું એને જ ગણે છે. જવાબદારી વગરની જિંદગી કહેવું હોય તો એને સુંદર શબ્દોમાં રજુ કરતાં કહેવાનું કે ગોલ્ડન પિરિયડ.

જયારે પોતાની જિંદગીમાં તો હંમેશા ગોલ્ડન પિરિયડ જ રહ્યો છે. કારણ સાસુ-સસરાની સેવા તથા નણંદો અને દિયરના સમય સાચવવા એમની જરૂરિયાત મુજબ એમના સમય અને જરૂરિયાત પૂરી કરીને એ પોતે જે સંતુષ્ટિ મેળવતા હતા એ શું એમનો ગોલ્ડન પિરિયડ ન હતો ?

એમની બંને દિકરીઓ પણ ભણવામાં ખૂબ હોશિયાર હતી. દર વખતે બંને જણ યુનિ. માં ફર્સ્ટ આવતા. એ પણ એમના માટે ગોલ્ડન પિરિયડ હતો. બંને દીકરીઓને સારા ઠેકાણે સંસ્કારી ઘરમાં પરણાવી પોતે સંતુષ્ટ હતા અને અત્યારે જે સમય ચાલી રહ્યો છે અને શું કહેવાય ? કદાચ આજની પેઢી વિચારી પણ નહી શકે પણ એમના મનમાં એક વિચાર આવી ગયો કે અત્યાર સુધી ભલે એમનો ગોલ્ડન પિરિયડ હતો પણ અત્યારના પિરિયડને તો હું પ્લેટીનમ પિરિયડ કહીશ.

જવાબદારી ઉઠાવવી, સંયુક્ત કુટુંબમાં રહેવું, બધાના મન સાચવવા એને શું તમે એલ્યુમિનિયમ પિરિયડ કહેશો ? પતિની નિવૃત્તિ બાદ ઉષા આન્ટી જયરે પતિ સાથે સતત સાંનિધ્યમાં રહ્યા ત્યારે જાણે કે જિંદગીની બધી ખુશીઓ ઈશ્વરે એમને આપી દીધી હતી. અત્યાર સુધી દીકરીઓની જવાબદારી હતી, એ પહેલા સાસુ-સસરાની જવાબદારી હતી, સંયુક્ત કુટુંબ હતું. પતિ જોડે શાંતિથી વાત કરવાનો કે પતિને સમજવાનો સમય જ ક્યાં હતો ? સાસુ-સસરાનું મૃત્યુ થયું, નણંદો પરની ગઈ, દિયરને બહારગામ નોકરી મળી ગઈ. હવે પાછલી ઉંમરમાં પતિ-પત્નીને એકબીજાનું ભરપુર સાંનિધ્ય પ્રાપ્ત થતું હતું. કદાચ આખી જિંદગી એકબીજાને સારી રીતે નહી ઓળખી શકનાર હવે જ એકબીજાની નજીક આવી ગયા હતા. પતિ-પત્ની ઈશ્વરની ભક્તિમાં લીન થઇ જતા હતા અને ત્યાર બાદ ઉષા આન્ટી ફોરેન ટુર મારવાને બદલે યાત્રાઓ કરવાનું વધું પસંદ કરતાં એમાં એમના પતિનો સંપૂર્ણપણે સાથ હતો.

ખરેખર તો તમે ધારો તો તમારી જિંદગી આખી જ ગોલ્ડન પિરિયડ કે પ્લેટીનમ પિરિયડ બનાવી શકો છો. એના માટે જરૂર છે સમજદારી અને હૃદયની વિશાળતાની નહી કે જવાબદારી વગરની જિંદગીની.

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

Categories: Nayna Shah

Leave a Reply