Ujas Vasavda

ઘડતર

ઘડતર:

“સૌરભ…અરે તે આ શું કર્યું? સાવ આવડત વગરનો અણઘડ છે. તને સમજાય નહીં તો તારે મને પૂછી નથી શકાતું! “

જાગૃતિ તેના સાત વર્ષના ઓરમાયા દિકરાને તેનો કાન મરડી ખીજાઈ રહી હતી. જાગૃતિ સૌરભને ઘરના વિવિધ કામો અવારનવાર સોંપતી રહેતી, રમવાની ઉંમર હોવા છતાં સૌરભને રમવા જવા દેતી નહીં અને ઘરકામ કરાવે રાખતી. મા બનીને આવેલી જાગૃતિ માલકીન બની રહેતી. સૌરભની પાંચ વર્ષની ઉંમરે તેની સગી મા શાલીનીને સ્વાઇન ફલૂ થતા મૃત્યુ પામી હતી. નાના બાળકને મા ની ખોડ પુરી કરવા વડીલોની સલાહથી તન્મયે જાગૃતિ સાથે પ્રભુતામાં પગલા પાડયા.

તન્મયના જીવનની નૈયાને નવી દિશા મળી પણ સૌરભની નાવલડી હળદોલા ખાવા લાગી. જાગૃતિને બાળક રૂપે કિશન જન્મતાં સૌરભના જીવનમાં તોફાન વધ્યું. તન્મય આખો દિવસ પોતાની કરિયાણાની દુકાને બેસી ગ્રાહકો સાથે લમણાજીક કર્યા બાદ ઘરે આવતા જાગૃતિની ફરિયાદો સાંભળી થાકી જતો. તન્મય મનોમન સમજતો કે જાગૃતિ સૌરભ સાથે અન્યાય કરી રહી છે. બીજા દિવસથી તન્મયે સૌરભને દુકાને આવવા જણાવી દીધું.

જાગૃતિ તેના કિશનને ખૂબ લાડ લડાવતી તેને ભાવતું ભોજન અને વ્યંજનો ખવડાવતી, જ્યારે સૌરભને વધેલું ખાવાનું પરોસતી. આ બધું કિશન પણ શીખવા લાગ્યો અને સૌરભ તેનાથી મોટો હોવા છતાં હડધૂત કરવા લાગ્યો. સૌરભ પહેલેથી જ લાચાર અને ગંભીર હતો. તે અનાયાસે પરિસ્થિતિ પાસેથી ઘણું શીખવા લાગ્યો. સવારે નિશાળે જતો બપોરે પોતે ઘરે જમી ત્યારપછી તન્મયનું ટિફિન લઇ દુકાને આવતો અને આખો દિવસ મજૂરની માફક દુકાનમાં કામ કરતો. ક્યારેય કોઈ ફરિયાદ નહીં પરંતુ ‘સીધા ઝાડ પહેલા કપાય’ તેમજ સૌરભ પર મોટી આપત્તિ આવવાની હતી.

સૌરભ તન્મય પાસેથી વ્યવહારિક જ્ઞાન શીખ્યો, ઓરમાયી મા પાસે કઠોર શ્રમ કરતા શીખ્યો અને બાકી સૂઝબૂઝથી એ પરિપકવ બન્યો. સૌરભ જ્યારે સતરવર્ષનો થયો ત્યારે કિશન નવ વર્ષનો હતો. અચાનક એક દિવસ એ સ્કૂલેથી ઘરે આવી રૂમમાં પુરાઈ ગયો. જાગૃતિ જમવા માટે તેને બોલાવતા, “બેટા.. ચાલ જમવા…જો તારા માટે આજે તને ભાવતું શાક બનાવેલું છે.” રૂમની અંદરથી કોઈ જવાબ ન મળતા જાગૃતિ થોડી ગભરાઈ. “કિશન બેટા.. શું થયું? મને કહે જોઇએ.” થોડીવારે કિશને દરવાજો ખોલી જાગૃતિને ભેટી રડવા લાગ્યો. જાગૃતિ પુત્રપ્રેમમાં અકળાઈ, “શુ થયું બેટા? મને કહે જોઈએ…તું કહીશ તો જ કંઇક રસ્તો નીકળશે!” કિશન રડતાં અંતે બોલ્યો,” મા.. મને ખીજાઈશ તો નહીં ને?” જાગૃતિ મનોમન કળી ગઈ, કઈક ગંભીર બાબત ઘટી લાગે છે! “ના..બેટા… હું શા માટે તને ખીજાવ?” અંતે કિશન કહે છે, “મા..મારા મિત્રો સાથે પતે રમવા. તારી અલમારી માંથી મેં પાંચસો રૂપિયા લીધા હતા. એ હું હારી ગયો.”

જાગૃતિને પહેલા કિશન પર ગુસ્સો આવ્યો પણ તેમણે કિશનને છાવરિયો, “બેટા તું રડ નહીં! આ વાત તું કોઈને કહીશ નહીં.” જાગૃતિએ જેમ તેમ કરી કિશનને શાંત પાડ્યો. જાગૃતિએ ફરી એ મિત્રો સાથે ન રમવાની શરત મૂકી પ્રથમ ગુનો માફ કરી દીધો. પણ પાંચસો રૂપિયા અલમારી માંથી સૌરભે લીધા તેવી વાત ઉપજાવી કાઢી અને તન્મય પાસે સૌરભને માર મરાવ્યો. ચોરીનું આડ માથે આવતા એ ખૂબ દુઃખી થયો. તન્મય પણ મનોમન જાણતો હતો કે સૌરભ આવી ભૂલ ન કરે, પરંતુ પુરાવાઓ તેમની વિરુદ્ધ ઉભા થયા હતા.

આવા અનેક બનાવો ત્યારબાદ બનવા લાગ્યા. સૌરભ મહેનતુ હોય તન્મય મનોમન બધું જ સમજતો પણ જાગૃતિ પાસે લાચાર બની હંમેશ તેન જ દંડતો. સમય પસાર થવા લાગ્યો સૌરભ અને કિશન બંને યુવાન બની ગયા. કિશન ગામને પાદરે બેસી મિત્રો સાથે સમય પસાર કરે રાખતો જયારે સૌરભે પિતાનો વારસો લઈ કરિયાણાની દુકાન માંથી જથ્થાબંધ માલના વેપારી તરીકે પ્રગતિના પંથે દોડી રહ્યો હતો. જાગૃતિની આંખોમાં સૌરભની આવડત અને પ્રગતિ કણાની માફક ખૂંચતી હતી.

બીજી તરફ કિશનના જુગાર રમવાની વાત છુપી રહી ન હતી પણ હંમેશ તે જાગૃતિની રહેમ દ્રષ્ટીથી બચી જતો. કિશનની કુટેવો અને સૌરભની આવડતથી જાગૃતિ મનોમન ચિંતિત રહેતી. ‘ સંપૂર્ણ વેપાર વાણિજ્યનો વારસો સૌરભ પાસે આવશે અને કિશને તેની પાસે હાથ લાંબો કરવો પડશે. એક દિવસ અચાનક ફરી કિશન ગભરાતો તેની પાસે આવી, “મા… હું ક્રિકેટના સટ્ટામાં પાંચ લાખ રૂપિયા હારી ગયો, બુકીઓએ મારી પાછળ ગુંડાઓ મોકલ્યા હતા. મારે મારો જીવ બચાવવા દુકાનની તિજોરી માંથી…” જાગૃતિના પગ નીચેથી જમીન સરકી ગઈ. પાંચસો રૂપિયાથી થયેલી શરૂઆત આજે પાંચ લાખ પર પહોંચી હતી.

પુત્રપ્રેમમાં અગાઉ કરેલી ભૂલનું પુનરાવર્તન થવા લાગ્યું બધું ઉતાવળમાં બનવા માંડ્યું. થોડીવારમાં તન્મય અને સૌરભ કિશનને શોધતા ઘરે આવ્યા. “જાગૃતિ.. કિશન ક્યાં છે? તેણે દુકાનની તિજોરી માંથી કંઈ રકમ લીધી છે કે નહીં તે પૂછવું છે.” જાગૃતિએ કુનેહ પૂર્વક, “દુકાનની તિજોરી…!! કિશન…! એ તો દુકાને આવતો પણ નથી! તેને જ્યારે પણ રૂપિયાની જરૂર પડે ત્યારે મારી પાસે માંગી લે છે. તે શા માટે તિજોરી માંથી રકમ ઉપાડે? તિજોરી અને પૈસાનો વહીવટ તો સૌરભ જ કરે છે!” સૌનું ધ્યાન સૌરભ તરફ ફેરવી કિશનને બચાવવાનું કાવતરું ઘડાયું. તન્મય સૌરભ તરફ, “બેટા… તે.? જે હોય તે સાચું કહી દે?” સૌરભ બોલે પણ શું? એ વાત ખરી હતી કે તિજોરી માથી પૈસા બહાર કાઢવા કે મુકવા તે જવાબદારી સૌરભ જ નિભાવતો જેથી સૌરભ તરફ શંકા વધુ દ્રઢ બની.

તન્મય પૈસાની નુકશાની કરતા પોતાના વિશ્વાસુ દીકરા તરફથી મળેલા આઘાતમાં થોડો હોંશ ખોઈ બેઠો, “સૌરભ નીકળી જા… હાલ ને હાલ આ ઘર છોડી જતો રહે. નાનપણથી તારા વિરુદ્ધ નાની મોટી ચોરીની ફરિયાદો થતી પણ હું હમેશાં તારા પર વિશ્વાસ મુકતો અને માફ કરી દેતો પણ આજે તે પાર્ટીને આપવાના પૈસાને બીજા માર્ગે તફડાવી મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને સાથે વેપારી સમાજમાં નીચા જોણું કરાવ્યું છે. હવે હું તારું મોઢું જોવા નથી માંગતો, જતો રહે અહીંથી.”

પિતાના શબ્દો સૌરભના હૈયે તીરની માફક ભોંકાયા. સૌ કોઈ જાણતું કે સૌરભ નિખાલસ અને ભોળો છે પણ ઊભી થયેલી પરિસ્થિતિમાં એ ગુનેગાર સાબિત થયો. પિતાને વેપાર કરવાની કુશળતા, મહેનત અને ઓરમાયીમાંના મહેણાં વારસામાં લઈ ઘર તેમજ ગામ છોડી જતો રહ્યો.

દીકરાને હડધૂત કરી કાઢી મુકવાના અફસોસ સાથે તન્મય મનથી ભાંગી પડ્યો અને તેનો લાભ લઇ કિશન દુકાનમાં ચડી બેઠો. પોતાની મનમાની મુજબ અણઘડ રીતે વેપાર કરવા લાગ્યો. પણ આવડત ક્યાં લેવા જવી! કિશને થોડા જ સમયમાં વર્ષોનો સ્થાપેલો વેપાર ઠપ્પ કરી નાખ્યો અને દુકાનમાં કામ કરતા મજૂરોનો પગાર પણ ન નીકળે તેવી હાલત થઈ ગઈ. બે વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો. જેમ તેમ કરી તન્મય પેટિયું રળવા જેટલું કમાઇ રહેતો.

કિશને વેપાર વાણિજય ડૂબાડયા પણ તેની સટ્ટો રમવાની આદત ગઈ ન હતી. એક દિવસ ભાગતો ઘરે પહોંચ્યો, ” મા.. મને બચાવી લે પેલા ગુંડાઓ મને મારી નાખશે..ક્રિકેટના સટ્ટામાં હું પચાસ લાખ હારી ગયો છું.” આ વખતે જાગૃતિ એ કિશનના ગાલ પર એક લાફો ઝીંકી દીધો. ” આ લાફો મેં પાંચસો રૂપિયાની ચોરી વખતે માર્યો હોત તો આ સમય જોવો ન પડત. પણ હું પુત્રપ્રેમમાં આંધળી બની હતી. બિચારો સૌરભ માનો પ્રેમ મેળવવા વલખા મારતો રહ્યો અને હું તેને હમેશા ધૂતકારતી રહી.” કિશનના ગાલ પર પડેલ લાફા ને લીધે તે આવેશ ગુમાવી બેઠો અને રસોડામાંથી ચપ્પુ લઈ જાગૃતિ પાસે ઘરેણાંની માંગણી કરી. જાગૃતિએ ઘરેણાં આપવાની ના કહેતા કિશનએ જાગૃતિ પર પ્રહાર કર્યો. પણ અચાનક તન્મય વચ્ચે આવી જતા એ ચપ્પુ તન્મયની છાતીમાં વાગી ગયું.

હદયની નજીક ઘા વાગતા તુરંત તન્મયનું મૃત્યુ થયું. પિતાના ખૂનના આરોપમાં કિશનને જેલ થઈ. સટ્ટામાં પચાસ લાખ હારી જતા દુકાન અને ઘર હરાજી પર મુકાયુ. પચાસ લાખથી શરૂ થયેલી બૉલી નેવું લાખ પર જઈ અટકી ગઈ. ઘર અને દુકાન ખરીદનારે તેઓની ચાવી સાથે એક કાગળ જાગૃતિને મોકલ્યો. અચરજ સાથે જાગૃતિએ કાગળ વાંચતા,
” મા..
આ ઘર અને દુકાન પિતાજીની અમાનત છે. તે આપણી પાસેથી કોઈપણ છીનવી નહિ શકે. તમારી કઠોર પરવીશ અને પિતાજીની પ્રેમાળ શિખામણથી થયેલ મારા ઘડતરના લીધે આવડત વીનાનો અણઘડ એવો હું આજે કોઈનો વિશ્વાસુ બની શક્યો છું. નાનપણથી અત્યાર સુધી મેં તમારા બન્નેમાં ઈશ્વરના જ દર્શન કર્યા હતા. પણ એ જ ઈશ્વર મારાથી રિસાઈ જશે એ ખબર ન હતી. શાલીની મા ને મેં જોઈ હશે પણ તેમનો ચહેરો યાદ નથી. હું સમજણો થયો ત્યારથી તમને જ જોયા છે. નિશાળમાં માસ્તર કહેતા જે પ્રેમ કરતું હોય જેને આપણી કાળજી હોય એ જ આપણના પર ગુસ્સો કરે. જેથી તમારા ગુસ્સામાં પણ મેં હમેશા પ્રેમ જ જોયો હતો.
બીજી એક ખુશી થવાની વાત લખી રહ્યો છું. પિતાજી સાથે વેપાર કરતી વખતે તેમના જ એક અંગત મિત્ર એવા શેઠ આલોકજીએ મારા અને તેમની દીકરી ચૈતાલીના લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. હું તેને પસંદ પણ કરતો હતો. પિતાજી પણ આ સંબંધમાં રાજી હતા. પણ અચાનક આવી પડેલી આફતના લીધે બધું અટકી ગયું. પણ મારા ઘર છોડ્યા બાદ આલોકજીએ મારો હાથ ઝાલ્યો હતો. હું તેમનો ઘર જમાઈ બન્યો અને પિતાજીના ઘડતરથી મેળવેલી આવડતથી આજે બે વર્ષથી હું તેમનો વેપાર કુનેહપુર્વક ચલાવવામાં સફળ થયો છું. જેના ભાગરૂપે આજે આ હરાજીમાં હું આપણા ઘર અને દુકાનને બચાવી શક્યો છું.
મારાથી અજાણતાં થયેલી ભૂલ માફ કરશો. ઘર-દુકાનના માલિક હવે તમે જ છો. દર મહિને હું તમને ઘરવપરાશ માટે જરૂરી ચીજ વસ્તુઓ મોકલાવતો રહીશ તેમજ બીજી કોઈ પણ જરૂરિયાત માટે મને ફોન કરી હુકમ કરશો.
તમારા પ્રેમનો તરસ્યો પુત્ર
સૌરભ.

જાગૃતિની આંખો માંથી નીકળેલા અશ્રુઓએ કાગળ ભીનો કરી દીધો. બે પુત્રોની માતા તેની બાકી જિંદગીમાં પુત્રો માટે વલખાં મારતી રહી.

-ઉજાસ વસાવડા

Categories: Ujas Vasavda

Leave a Reply