Asim Bakshi

ઇનામ

ટૂંકી વાર્તા : “ઇનામ”

વિવેક બારમા ધોરણમાં આખી શાળામાં પ્રથમ આવ્યો હતો અને આજે શાળા તરફથી ૫૧૦૦ રૂપિયાનું રોકડ ઇનામ મળવાનું હતું. ખુબ વરસાદ પડી રહ્યો હતો અને વિવેક પણ અત્યંત ખુશ હતો એને વરસાદ ખુબ ગમતો હતો. પપ્પાએ વિવેકને સવારે ગાડી માં સ્કૂલ પર મૂકી દીધો. સ્કૂલનો હોલ સંપૂર્ણ ભરેલો હતો અને ઇનામોની જાહેરાત થવા માંડી. વિવેક વિચારતો હતો કે ઇનામની રકમમાંથી એ એના મિત્રો અને ઘરવાળાને પિત્ઝાની પાર્ટી આપશે. વિવેકનું નામ પોકારાયું અને તાળીઓના ગડગડાટ વચ્ચે વિવેકને રૂપિયા ૫૧૦૦ નું ઇનામ અપાયું. બધા શિક્ષકો અને મિત્રોએ ખુબ અભિનંદન આપ્યા.

વિવેકનો એક મિત્ર સ્કૂટી પર એને ઘરના નાકે મૂકી ગયો, વરસાદ ધીમો પડ્યો હતો, વિવેક ચાલતા ચાલતા ઘર બાજુ આવતો હતો ત્યાંજ એની નજર નાકા પર ઝુંપડા માં રહેતી શાંતા બાઈના ઘરમાં પડી. શાંતા બાઈ નાની ડોલથી ઘરમાંથી પાણી ઉલેચતા હતા અને એક ખૂણામાં બે બચ્ચાઓ ટૂંટિયું વાળીને બેઠા હતા. વિવેક ત્યાં ઉભો રહી ગયો અને પૂછ્યું “શાંતામાસી હું મદદ કરું ?

શાંતા બાઈએ કહ્યું “ના બેટા આતો દરેક વર્ષે આવું થાય છે, ઝુંપડાના પતરા કાણા થઇ ગયા છે અને એમાંથી બધું પાણી ટપકે છે.”

વિવેક થી રહેવાયું નહિ અને કહ્યું “નવા પતરા નાખી દો ને.”

શાંતાબાઈએ કહ્યું “૪૦૦૦ રૂપિયા થાય અને ૧૦૦૦ રૂપિયા મજૂરીના થાય, આટલા રૂપિયા હું ક્યાંથી લાઉં?”

વિવેકે બે ઘડી વિચાર કર્યો, ખીસામાંથી કવર કાઢી એમાંથી ૫૦૦૦ રૂપિયા શાન્તાબાઈને આપ્યા અને કહ્યું “માસી આ રાખી લો, આ મારી પોતાની કમાણી ના રૂપિયા છે.”

શાન્તાબાઈએ બહુ આનાકાની કરી પણ વિવેક એક નહિ માન્યો અને પૈસા આપી દુઆઓ લઈને ઘરે ગયો. ઘરે બધા રાહ જોઈને બેઠા હતા અને વિવેકને જોતાજ પૂછ્યું “કેવું હતું શાળા નું ફંક્શન?”

વિવેકે શાંતિ થી જવાબ આપ્યો “ખુબજ સરસ હતું.” અને પછી શાંતાબાઈ વાળી વાત કરીને કહ્યું કે “આ બચેલા ૧૦૦ રૂપિયા માંથી ચોકલેટ લાવીને તમને બધાને મોં મીઠું કરાવીશ.”

વિવેકના મમ્મી પપ્પાએ વિવેકને ગળે લગાડી ને કહ્યું “આજે તું એક નહિ લાખો ઇનામો જીતી ને આવ્યો છે.” બહાર વરસાદ ફરીથી ચાલુ થઇ ગયો અને વિવેક એના ઘરની બારીમાંથી વરસાદને માણવા લાગ્યો !!!!

લેખક:- આસીમ બક્ષી

 

Categories: Asim Bakshi

Leave a Reply