Asim Bakshi

પેઈંગ ગેસ્ટ

ટૂંકી વાર્તા : “પેઈંગ ગેસ્ટ”

સુકેતુને મુંબઈની મીઠીબાઇ કોલેજમાં એડમિશન મળી ગયું હતું એને ભણીને અમેરિકા જવું હતું. મુંબઈમાં રહેવા માટે એના પપ્પા મમ્મી કોઈ સારો ફ્લેટ પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા માટે શોધતા હતા. એક દલાલે અંધેરીમાં આવેલ શાંતિવન એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ બતાવ્યો. એના માલિક શ્રી કુન્દનભાઈ અને કામિનીબેન સામેના ફ્લેટમાં રહેતા હતા. ભાડુત તરીકેનો ઇન્ટરવ્યૂ આપીને સુકેતુને ફ્લેટ ભાડે મળી ગયો. સુકેતુ ખુબજ શાંત સુશીલ અને વિવેકી છોકરો હતો એટલે બેચાર મહિનામાંજ કુન્દનભાઈ અને કામિનીબેનનો લાડકો થઇ ગયો હતો અને સુકેતુના પપ્પા મમ્મી પણ ખુબ ખુશ હતા કે એમના છોકરાને સારા મકાન માલિક મળ્યા હતા.

એક વર્ષ પૂરું થવાને આરે હતું અને વેકેશનમાં સુકેતુ સુરત જવાની તૈય્યારી કરતો હતો, એના પપ્પાએ સિંગાપોર ફરવા જવાનું નક્કી કર્યું હતું. વેકેશનના બેચાર દિવસ પહેલાજ કુન્દનભાઈ અને કામિનીબેનને વાઇરલ તાવ આવ્યો અને બંને તાવ માં પટકાયા. સુકેતુ એમની સેવામાં લાગી ગયો પણ તાવ મચક નહિ આપતો હતો એટલે સુકેતુએ એના પપ્પાને ફોન કરીને મુંબઈ બોલાવ્યા અને બંનેને હોસ્પિટલ દાખલ કર્યા.

આમ બાજુ સિંગાપોર જવાની તારીખ પાસે આવતી હતી. પપ્પાએ સુકેતુને પૂછ્યું કે “તારા મકાનમાલિક નું બીજું કોઈ સગું નથી ?”

સુકેતુએ કહ્યું કે “ના અહીં નથી પણ અમેરિકામાં એમનો દીકરો છે પણ એને રજા મળે તેમ નથી. પપ્પા તમે અને મમ્મી ફરી આવો હું તો અહીં રહીને એમની દેખભાળ કરીશ.”

સુકેતુના પપ્પા ગળગળા થઇ ગયા અને કહ્યું કે “ના બેટા અમે પણ નહિ જઇયે અને આપણે કુન્દનભાઈ અને કામિનીબેન ની થોડી તબિયત સારી થાય તો આપણી સાથે સુરત લઇ જઈએ.”

ત્રણચાર દિનમાં બંનેની તબિયત સારી થઇ એટલે સુકેતુ એમને લઈને સુરત આવ્યો. થોડા દિવસમાં બંને એકદમ સાજા સમા થઇ ગયા અને એમનો દીકરો પણ અમેરિકા થી આવી ગયો. કુન્દનભાઈ, કામિનીબેન અને તેમનો દીકરો હિરેને સુકેતુ અને એના પપ્પા મમ્મીનો ખુબ ખુબ આભાર માન્યો.

કુન્દનભાઈએ સુકેતુના પપ્પાને કહ્યું “તમે ખુબ નસીબદાર છો કે આવો દીકરો તમને મળ્યો છે; હું વચન આપું છું કે સુકેતુ જેવો ગ્રેજ્યુએટ થઇ જશે તો એને હું હિરેન પાસે અમેરિકા મારા ખર્ચે મોકલીશ અને તે હિરેનને ત્યાંજ રહેશે પણ પૅઈંગ ગેસ્ટ તરીકે નહિ, એના ભાઈ ની જેમ રહેશે.” એમ કહીને સુકેતુ ને ગળે વળગાડી દીધો.

સુકેતુના પપ્પા મનોમન બોલી ઉઠ્યા “વડીલોની સેવા ચાકરી નું ફળ અવશ્ય મળે જ છે.”

લેખક:- આસીમ બક્ષી

 

Categories: Asim Bakshi

Leave a Reply