Dilip Ghaswala

બોજ કુમળા ફૂલનો

નવલિકા:- બોજ કુમળા ફૂલનો

રિવાનો આજે કોર્ટમાં ફેંસલો આવવાનો હતો..છુટા છેડાનો. એ એકલી જ ગઈ..કારણકે એના મા બાપ એ, એના લગ્નની વિરુદ્ધમાં હતા..તરુણ અવસ્થામાં જ એક ટપોરી જેવા છોકરાને દિલ દઈ બેઠી..પુરતી જાણકારી વગર.. છોકરો કોણ છે? શું કરે છે? મા બાપ કોણ છે?? કેવા છે?? આ બધું જાણ્યા વગરજ માત્ર શારીરિક આકર્ષણના આવેશમાં આવી જઈને ભાગીને લગ્ન કર્યા..અને લગ્નના ત્રણ મહિનામાં જ છોકરાએ પોત પ્રકાશયું..રોજ દારૂ પી ને આવવા લાગ્યો… ત્રાસ આપવા લાગ્યો..સાસુ સસરા નણંદને તો એ દીઠી પણ ગમતી નહોતી.

આ બાજુ મા બાપ પણ એની વિરુદ્ધમાં હતા..એટલે જંગ એકલે હાથે જ લડવાનો હતો..મક્કમ બનીને છુટા છેડાનો કેસ કર્યો અને અલગ એકલી રહેવાનું શરૂ કર્યું…અને એટલે જ આજે એ ફેંસલો સાંભળવા એકલી આવી હતી. ને એને છુટા છેડા મળી પણ ગયા..કારણકે એના પતિને પણ એનાથી છૂટવું જ હતું..કારણકે એ ભ્રમર વૃત્તિનો પુરુષ હતો..

રિવા છુટા છેડાનો પત્ર લઈ ને ઘરે આવી..ને એને ઉલટી થવા લાગી…બાજુમાં રહેતા માસી જાણી ગયા કે એ બે જીવ ની થઇ છે..એમણે જ ડોક્ટરને બતાવવાની સલાહ આપી. ને એ જાતે જ એને લઈ ગયા… ડોક્ટરે પૂછ્યું, “નામ?”

“રિવા”

“પતિનું નામ ?”

“કાર્તિક”

“રહેવાનું ક્યાં?”

“રામનગર ચોકડી”

“આટલે દૂર તપાસ કરાવવા કેમ આવી?..જુઓ હું ગર્ભપાત નથી કરતો..”

“મારે ગર્ભપાત નથી કરાવવો..સાહેબ,જન્મ આપવો છે..મારા બાળક ને..!!!”

ડોક્ટરે પ્રેગનન્સી ટેસ્ટ કરી કનફર્મ કર્યું..અને દર મહિને તપાસ માટે આવવાનું કહ્યું..અને માસી જોડે રિવા ઘરે આવી. માસી એ કહ્યું કે “તારે બાળક ન જોઈતું હોય તો…”

રિવાએ કહ્યું “માસી ના..મારે ગર્ભપાત નથી કરાવવો..ભલે હું છૂટાછેડા વાળી છું…”

“પણ તારો વર તો તદ્દન લોફર જેવો ને ટપોરી છે એની સાથે ફરી સંસાર માંડીશ?”

“ના માસી…એ તો મારા માટે નરાધમ છે..એણે જ મારી જિંદગી બરબાદ કરી નાખી છે..મેં જ ભૂલ કરી છે..મારા માતા પિતાની વાત નહિ માની ને..અને એની સજા ભોગવું છું..”

“તારા ઘણી ને ફરી બોલાવવો છે?”

“ના માસી એણે તો મારા જેવી બીજી કુમળી કળી ને પકડી પણ લીધી છે..એટલે જ એણે છુટા છેડાનો વિરોધ ના કર્યો..મને ખબર છે બધી…માસી તમે પણ એકલા છો તો મારા ઘરે તમે જ આવી જાવ..મારી મા બની ને.. માસી પણ મા નું જ રૂપ છે..હું ઘરે ટ્યૂશન કરી ને આપણા બન્ને નું પૂરું કરીશ..” અને માસી ના ન પાડી શક્યા.. અને એમણે દીકરીની જેમ એની કાળજી લેવા માંડી.

જોત જોતામાં એ ઘડી આવી ગઈ..એને સુંદર મઝાનો દીકરો અવતર્યો..માસી એકલાજ સેવા કરતા જોઈને ડોક્ટરે પૂછ્યું..,” માફ કરજો પણ હું કેટલા દિવસ થી જોવ છું કે તમે દર મહિને એકલા જ આવતા હતા..અને આજે પણ દીકરા ને જોવા એનો બાપ કે કોઈ નથી આવ્યું, શા માટે…?? એનો બાપ જીવે તો છે ને..??”

રિવાએ ધગધગતા અંગારા જેવો જવાબ આપ્યો..,” હા… એનો બાપ મરી ગયો છે..પણ મારા માટે…મેં ભાગી ને લગ્ન કર્યા હતા એટલે મારા મા બાપ પણ…” કહી ડૂસકું મૂક્યું.

ડોકટર આશ્ચર્ય પામી ગયા…અને પૂછ્યું “તો પછી તેં આ બાળકને જન્મ કેમ આપ્યો..? હવે આખી જિંદગી આ પથ્થરનો બોજ ઉઠાવી જિંદગી વિતાવશે?.?”

રિવાએ સ્વસ્થ થઈ કહ્યું “ડોકટર સાહેબ, આ બોજો પથ્થરનો નથી પણ ફુલનો છે..અને હું આખી જિંદગી એ ઊંચકીશ..ભલે મારો પતિ નરાધમ નીકળ્યો..બેવફા નીકળ્યો..પણ મેં તો એને સાચા દિલથી જ પ્રેમ કર્યો હતો..મેં એને એટલા માટે માફ કર્યો કે એણે મને પ્રેમની નિશાની તો આપી છે..મારે એની પાસે ભરણ પોષણ પણ નથી જોઈતું.. આ બોજને ફૂલની હળવાશથી લઈને એને ઉછેરીશ..”

માસીએ કહ્યું “દીકરી તું હવે એકલી નથી.. ફુલના બોજને ઊંચકવા માટે..એની સૌરભ માણવા માટે જો કોણ આવ્યું છે?!!”

રિવા એ જોયું તો એના મમ્મી પપ્પા એને સ્વીકારવા આવ્યા હતા..એની આંખો આંસુથી ઉભરાઈ ગઇ… દોડીને મમ્મીને પગે લાગીને કહેવા લાગી “મા , મને માફ કરી દે…મેં મોટી ભૂલ કરી છે.”

પપ્પાએ એને ઉભી કરીને આંખમાં આંસુ સાથે કહ્યું…”લાવ, આટલા દિવસ સુધી દૂર રહી અમારાથી એનું વ્યાજ લાવ..!!!!”

રિવાએ નાનકડું ફૂલ મમ્મી પપ્પાના ખોળામાં મૂકીને ખૂબ રડી…ને કહ્યું..” આ બોજ ઉઠાવવામાં આ માસીનો પણ એટલો જ ફાળો છે…માસીનું આ દુનિયામાં કોઈ નથી..એમને પણ આપણી સાથે લઈ જઈએ..”

એણે નવજાત બાળકને ચૂમી ભરી ને કહ્યું; “હવે થી આ જ મારી જિંદગીનો સહારો..” અને બધાએ ભેગા મળીને ફૂલ જેવા હળવા બોજને ભારપૂર્વક ઊંચકી લીધો..

-દિલીપ વી ઘાસવાળા

Categories: Dilip Ghaswala

Leave a Reply