વાર્તા – આંખોનું રતન
ડૉ ચિંતને બેલ દબાવ્યો…ને કહ્યું , “નેક્સ્ટ?” અને ડોક્ટરની કેબીનમાં એક વૃદ્ધ દાખલ થયા. એમને જોતાજ ચિંતન ખુરશીમાંથી ઉભો થઇ ગયો. “દા તમે? કપિલ દા ક્યાં હતા આટલા વર્ષો?” એની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.
કપિલ દા એ કહ્યું “જો આવી ગયો ને? મેં કહ્યું હતું ને કે મારી જરૂરિયાત ઉભી થશે એટલે સામે ચાલી ને આવીશ . મોતિયાની સારવાર તો મારે તારી પાસે જ કરાવવાનીને મારા દીકરા?” અને ડો ચિંતનને જોઇને એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.. આંખોમાંથી હર્ષાશ્રુ સરી પડ્યા….અને કપિલ દા ૨૫ વર્ષ પહેલાના સમય ખંડમાં પહોંચી ગયા…
સવારનો સમય હતો કપિલ દા રાબેતા મુજબ ગણેશજીના દર્શન કરવા ગયા હતા…એઓ પરત ફરતા હતા અને ગાડીમાં બેસી ને હજુ જવા જ જતા હતા ત્યાં એમની કારના કાચ પર ટકોરા પડ્યા…એમણે કાચ ઉતારી જોયું તો એક અંધ બાળક ફૂલનો હાર લઇ ને ઉભો હતો. એની એક અંધ આંખમાં આર્ધ્રતા અને બીજી માં અમી હતી…અને નિર્દોષ ચહેરો બોલી ઉઠ્યો..” સાહેબ હાર લઇ લ્યો ને? ૧૦ રૂપિયા નો જ છે…કપિલ દા એ ગજવામાંથી ૧૦ રૂપિયા કાઢીને એને આપી દીધા અને કાચ ચડાવવા જતા હતા ત્યાં ફરી ટકોરા પડ્યા.. “ શું છે હવે?”
“હાર તો લઇ જાઓ?”
“હાર લઇ ને શું કરું? મંદિર તો જઈ આવ્યો..તું રાખ તારી પાસે બીજાને વેચી દેજે.”
“તમારા ઘરે મંદિર નથી?”
“ છે.”
“તો ઘરના ગણેશજીને ચડાવજો …સાહેબ હું ભીખ નથી માંગતો અંધ હોવા છતાં.” નિર્દોષ હાસ્ય સાથે કહ્યું અને હસતા હસતા હાર કપિલ દા ને આપી દીધો..
“ શું નામ છે તારું?”
“ચિંતન” અને એ બીજી કાર તરફ હાર વેચવા દોડી ગયો. કપિલ દા ઘરે પહોચ્યા. એમની પત્નીની સારવાર તેઓ જાતે જ કરતા…એમની પત્ની હેમા છેલ્લા પાંચ વર્ષથી કોમામાં હતી. સેરેબ્રલ હેમરેજ થયું હતું. વધુ પડતા ડાયાબીટીશ અને બ્લડ પ્રેસરના કારણે અને દવા નહિ લેવાની ટેવના કારણે ગંભીર માંદગીમાં પટકાઈ ગયા.
ડોક્ટરોએ એમને “ બ્રેઈન ડેડ “ જાહેર કર્યા હતા.. ઘરે આવી ને એમણે ગણેશજીને હાર ચડાવ્યો. અને રાબેતા મુજબ ૨ કપ ચા લઈને હેમા પાસે આવ્યા. અને વાતો કરવા લાગ્યા અને એમનો મિત્ર સલીમ આવ્યો…એમને આશ્ચર્ય થયું કે કપિલ દા કોની સાથે વાત કરે છે? એણે પૂછ્યું “દા કોની સાથે વાત કરો છો?”
દા એ કહ્યું “હેમા સાથે”
સલીમે કહ્યું કે “એ તો સમજતા જ નથી તો શું કામ વાત કરો છો? એ જવાબ થોડા આપવા ના છે? અને રોજ સમયસર તું બે ચા કપ લઇ ને આવે છે પણ એને તો ખબર પણ પડતી નથી તારા આ પ્રેમની?”
કપિલ દા એ કહ્યું, “ગાંડા એને ખબર નથી પડતી પણ મને તો ખબર પડે છે ને?” અને પછી એમણે મંદીરમાં ચિંતનની મુલાકાત થઇ તે વાત કરી ..અને સલીમે એક સુઝાવ આપ્યો કે “ભાભીને વધુ રીબાવા દેવા નહિ જોઈએ એમના અંગોનું દાન કરી ભાભી ને અન્ય વ્યક્તિના શરીરમાં જીવતા રાખવા જોઈએ.”
અને કપિલ દાને આ વાત સાચી લાગી ને એમને અંગ દાન આપવાનું નક્કી કર્યું..આંખો માટે તેમની સમક્ષ ચિંતનનો ચહેરો તરવરી ઉઠ્યો. અને બીજે દિવસે તે ચિંતનને ઘરે લઇ આવ્યા. અને એની કથની જાણે છે. એના માબાપ કોણ છે તેની તેને જ ખબર નહોતી. રેલવે ફાટક પાસે કોઈ કઠોર અથવા મજબુર જનની તાજો જન્મ આપીને છોડી ગઈ હતી. અને રેલવેમાં નોકરી કરતા રહીમ ચાચા એ એને ઘરે લઇ જઈ ને ઉછેર કર્યો હતો. એ પોતે નિસંતાન હતા. એમને મળેલુ બાળક જન્મથી અંધ હોય છે રહીમ ચાચા પાસે પૈસા ના અભાવે સારવાર નહોતા કરાવી શક્યા. અને એમણે મંદીરમાં જઈ ને ભીખ માંગવા કરતા એને ફૂલોના હાર બનાવવાનું શીખવી ને પોતાના પગ પર ઉભા રહેવાના સંસ્કાર આપ્યા હતા.
ચિંતનની વાત સાંભળીને એમણે નક્કી કર્યું કે હેમાની આંખો ચિંતનને દાન કરશે. ચિંતનને નવી દ્રષ્ટિ મળી એટલું જ નહી પણ એની શિક્ષણની પણ તમામ જવાબદારી ઉપાડી લીધી…આમ એમણે કીડની અને આંખોનું દાન કરીને એમની પત્નીને જીવીત રાખી..ચિંતન ભણવામાં ખુબ હોશિયાર નીકળ્યો અને જોતજોતામાં શહેરનો જાણીતો આંખનો ડોક્ટર બની ગયો.
કપિલ દા નો પુત્ર તથાગત અમેરિકામાં સ્થાયી હતો. એટલે તેણે હેમાના અંગદાન પછી કપિલ દા ને અમેરિકા બોલાવી લીધા હતા. એમની આંખોમાં મોતિયો આવવાથી તેઓ ખાસ આજે ઓપરેશન કરાવવા એમના માનસ પુત્ર ડો. ચિંતન પાસે આવ્યા હતા. ચિંતન અને કપિલ દા એક્બીજાને જોઇને ભેટી પડ્યા. તેમની આંખોમાં આજે ચોમાસું બેઠું હતું. કપિલ દા એ ચિંતનનો ચહેરો પોતાના હાથ માં લઇ લીધો અને એની આંખોમાં એમને હેમાની આંખો દેખાઈ. જાણે કહેતી ના હોઈ કે “હું હજુ જીવું છું..મારા માટે ચા લઇ આવો.” અને એ હસતા હસતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા..અને ચિંતનને એટલું જ કહ્યું ,” દીકરા તું જ મારો સાચો માનસ પુત્ર છે..તું જ મારી આંખો નું અમુલ્ય રતન છે!”
-દિલીપ વી ઘાસવાળા
Categories: Dilip Ghaswala