Dr. Vishnu M. Prajapati

8 Life Lesions From Corona

8 Life Lesions From Corona

જીવનમાં દરેક પ્રસંગો આપણને કંઇક શીખવવા આવે છે. કોરોનાને પણ તેમાનો એક જ ભાગ સમજી લઇએ તો કોરોના વાયરસથી આપણને જીવનના મહત્વના પાઠ શીખવા જોઇશે. જેમાં,

૧. Social Distance :

ભારતીય રહેણીકરણીમાં આ શબ્દ હવે ઉમેરાયો છે. ખરેખર તો આપણે સોશિયલ ગેધરીંગમાં જ માનીએ છીએ. પણ, હવે સોશિયલ ડિસટન્સ પણ જિંદગીનો એક ભાગ બનાવવો પડશે. જાપાનમાં આ સહજ છે. તેઓ બિનજરૂરી ક્યારેય એકમેકની નજીક આવતા જ નથી. અને પોતે કોઇપણ રોગથી સંક્રમિત હોય તો તેઓ સ્વૈચ્છિક અંતર જાળવે છે. આપણે તો કોઇ માંદુ પડે એટલે તે જ્યાં દાખલ હોય તે હોસ્પિટલની તો ખબર લઇ નાખીએ છીએ. વાતવાતમાં કે નાના નાના પ્રસંગોએ મોટા મેળાવડા કે ઉજાણીના લટખૂટ ખર્ચા બંધ કરી સૌએ ક્વોલીટી લાઇફ પ્રત્યે સભાન બનવું પડશે. આપણે આપણી જિંદગીનો મહત્તમ ખર્ચ કોઇને પોતાની શ્રીમંતાઇ દેખાડવા કે સ્ટેટસ બતાવવા કરતા હોઇએ છીએ જે ત્યજીને ક્વોલીટી ઓફ લાઇફને સુધારવામાં ખર્ચ કરવો જરૂરી છે. સોશિયલ ડિસટન્સનો એ મતલબ નથી કે બધાએ એકબીજાથી જુદા થઇ જવું પણ ક્યારે ભેગા ન થવું તેની પૂરેપૂરી સમજ રાખવી પડશે.

૨. Humanity is the best Religious:

આપણે જ્ઞાતિ, ધર્મ કે રાજકારણના નામે અનેક ભેદભાવો કર્યા છે. હવે બધુ ત્યજીને ફક્ત માનવધર્મને જલ્દી સ્થાપિત કરવો પડશે. અત્યારે તો આપણે સૌ એક છીએ પણ ફરી મોતનો કે કોરોનાનો ડર ચાલ્યો જશે એટલે ફરી એ જ જુની અદાવતો અને લડાઇઓ શરૂ ન કરતા માનવધર્મને સૌથી આગળ કરીશું. માનવધર્મ એટલે હું પણું નહી પણ ‘સર્વે ભવન્તુ સુખિન: ||’ નો આપણો દિવ્યમંત્ર ધ્યાને રાખવો પડશે. માનવ તરીકે મળેલા આ શ્રેષ્ઠ અવસરથી કુદરતના નિયમોને જાળવી રાખવા પહેલ કરવી પડશે. માનવ સિવાયના દરેક જીવો તેનું સો પ્રતિશત પાલન કરે છે, જ્યારે આપણે તે ચુકી ગયા છીએ. આપણે માનવ હોવાનું અને માનવતા સ્થાપવાનું કાર્ય કરવું પડશે. કોઇ પર આવી પડેલી આપત્તિને સ્વાર્થના અવસરમાં ન ફેરવતા પરમાર્થનો રસ્તો સ્વિકારવો પડશે.

૩. Prevention is better than cure:

રોગ ન થાય તે જ જિંદગીને અપનાવવી પડશે. ભારતીય આયુર્વેદ પરંપરા કે જે સ્વાસ્થ્યને જ પ્રાધાન્ય આપે છે તે તરફ આપણે જવું પડશે. કુદરતમય જીવનને સ્વીકારવું પડશે. રોગની પ્રતિકારક શક્તિ વધે તેના સર્વાંગી પ્રયાસો કરવા જ પડશે. વાયરસના સ્વરૂપો અવારનવાર બદલાઇને કેમ માનવજીવનને સંક્રમિત કરી રહ્યા છે ? તે જાણવું પડશે. માણસે અન્ય જીવો સાથેની લડાઇઓ ત્યજવી પડશે. પહેલા આપણી પરંપરામાં માનવજીવનમાં સ્વૈચ્છિક મૃત્યુ હતું, કાળક્રમે તે કાળમૃત્યુ બન્યું. હવે તે બદલાઇને રોગમૃત્યુ સુધી પહોંચી ગયા છીએ અને તે અકાળમૃત્યુમાં પરિવર્તિત થઇ રહ્યું છે. યુગોયુગો પહેલાની શ્રેષ્ઠ પ્રણાલીઓને આપણે જ ધ્વસ્ત કરી નાખી છે. આપણે શું ફરી તે તરફ કોઇ ઠોસ કદમ ન ઉઠાવી શકીએ? રોગને રોકવા એ જ શ્રેષ્ઠ પ્રણાલી છે. દવાઓની દુનિયાનો વિસ્તાર કરવા કરતા સ્વાસ્થ્યમય જીવનનો વ્યાપ વધારવાના સંશોધનો શરૂ કરવા પડશે.

૪. Health Is Wealth :

આરોગ્ય જ આપણી શ્રેષ્ઠ સંપત્તિ છે. ખૂબ જ મહેનત કરીને એકત્ર કરેલ ધન કરતા આરોગ્યમય જીવન અનેકગણું સુખ આપે છે. એટલે જ કહ્યું છે કે ‘સર્વમન્યત પરિત્યજ્ય શરીરમ અનુપાલયેત ||’ અર્થાત બધુ છોડીને શરીરના આરોગ્યનું રક્ષણ કરો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધુ જ શરીરને આધિન છે. ‘જાન હૈ તો જહાન હૈ..!’ આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનુ આ સૂચન તો આપે લોકડાઉન સમયે સાંભળ્યું જ છે ને…! જ્યારે આ વૈશ્વિક મહામારી બની હોય તો જાનનું રક્ષણ સર્વોત્તમ કાર્ય બની જાય છે. સારુ આરોગ્ય જ આપણી સર્વશ્રેષ્ઠ જમાપુંજી છે અને તેના માટે શ્રેષ્ઠ આહાર – વિહાર, યોગ, કસરત, ધ્યાન વગેરેને આપણા જીવનનો હિસ્સો બનાવવો જ પડશે.

૫. No Pain No Gain :

કહેવત છે કે દર્દ વગર કોઇ કંઇ શીખતું નથી. ડફણાં વાગે તો જ ગધેડો સીધો ચાલે…! એમ જ સમજી લો કે આ ડફણું વાગ્યું છે.. એક સૂક્ષ્મ વાયરસની દુનિયાએ આપણાં વિશાળકાય અને સમૃધ્ધ વિકસીત થયેલા વિશ્વને થોડા જ દિવસોમાં જીવનનો એક મોટો પાઠ ભણાવી દીધો છે. દરેક દર્દ એક નિશાની મુકીને જાય છે તેમ આ દર્દ પણ આપણને જીવન સુરક્ષા અને તેના નિતિનિયમોનો પાઠ શીખવીને જ જશે. પણ શું પછી આપણે તેને વળગ્યા રહીશું ખરાં ?

૬. God is Great :

આપણે આસ્તિકવાદ કે નાસ્તિકવાદને નહી પણ આ સૃષ્ટીને પાલન કરતી મહાન શક્તિને સ્વીકારીને તેની મહત્વતા સ્વીકારવી જ પડશે. માનવ સ્વભાવ સતત સંઘર્ષમાં ઉતરવાનો કે સ્પર્ધા કરવાનો રહ્યો છે. આપણે અનેક સંઘર્ષો કર્યા છે અને અનેક સ્પર્ધાઓ પણ…! ઇશ્વરના અસ્તિત્વને સાબિત કરવા કરતા તેને સહજ રીતે સ્વિકારીને તેને સોંપેલ કાર્યને જ કરતા રહેવું તે સર્વોત્તમ માર્ગ છે. એક નાની બોધવાર્તા હતી કે, ‘ મૃત્યુ પછી સ્વર્ગે ગયેલો માણસ ભગવાનને પુછે છે કે ભગવાન તમારે ફરી ધરતી પર આવવાનો સમય થઇ ગયો છે.. ધરતી પર અધર્મ, અનિતી, દુરાચાર વધી રહ્યો છે, ધર્મનો નાશ થઇ રહ્યો છે…! તમે ફરી જન્મ ધારણ કરો. ત્યારે ભગવાને એટલું જ કહેલું કે મેં તો આ બધુ દૂર કરવા તને જ પૃથ્વી પર મોકલેલો… પણ અફસોસ, તેં તેમાનું કાંઇ જ ન કર્યુ ઉલ્ટાનું આ બધા અધર્મમાં વધારો કરીને જ પરત આવ્યો છે…!

૭. Self System :

હવે કોરોનાના ડર પછી દરેક વ્યક્તિએ સ્વચ્છતા, આરોગ્ય, સેનેટાઇઝેશન, સહેજ પણ તકલીફ થાય તો તેની તમામ સાવચેતી ફક્ત પોતાના માટે જ નહી પણ સમાજ માટે પણ પાલન કરવી પડશે. જ્યાં ત્યાં થુંકવું, વ્યસન અને કચરાના ઢગલાઓથી મુક્ત બનવા સૌએ સહકાર આપવો જ પડશે. સરકારશ્રીના સૂચનો પાલન કરી ફરી સ્વસ્થ અને સુવ્યવસ્થિત માનવ સમુદાયનો જલ્દી ઉદય થાય તેવી બાંહેધરી સૌએ આપવી પડશે.

૮.Nothing is Urgent :

ખરેખર આ સમયમાં તાકીદનું શું હોય છે તે આપણે સારી રીતે શીખ્યા છીએ… ખૂબ જ દોડધામ કરતા, પોતાના માટે ક્યારેય એક મિનિટનો સમય ન ફાળવતા લોકો સમજી ગયા છે કે જીવનમાં ખરેખર અર્જન્ટ કહેવાય તેવું કશું હોતું જ નથી… પણ પેલો દોડે એટલે મારે પણ દોડવાનું… પેલો કહે એટલે મારે પણ કરવાનું… અર્થાત કોઇ બીજા વ્યક્તિને જ કેન્દ્રસ્થાને રાખીને આપણે સતત દોડ્યે જ રાખતા હોઇએ છીએ… આ સ્વરૂપ બદલીને પોતાને, પોતાના પરિવારને, પોતાના સ્વાસ્થ્યને કેન્દ્રસ્થાને રાખી જીવન જીવવાની પધ્ધતિ વિકસાવવી પડશે.

હાલ, ખૂબ જ સાવચેત બની સમયને અને સમગ્ર સમાજને સાચવી લઇએ અને હાલના સમય પરથી બોધપાઠ લઇ હવે પછીનું જીવન સૌ માટે હિતકારી, વધુ સુખકારી અને સમૃદ્ધ બને તેવા પ્રયત્નો કરીએ…

– ડૉ. વિષ્ણુ પ્રજાપતિ, કડી

Leave a Reply