Asim Bakshi

આરોપી

ટૂંકી વાર્તા : “આરોપી

આશિત ત્રિવેદી, એક જાણીતા વકીલ હતા. ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષા ઉપર એમનો ગજબનો કાબુ હતો. એક દિવસ હાઇકોર્ટમાંથી કેસ ચલાવીને ઘરે પરત ફર્યા. એમની પત્ની નિલીમાએ ડિનર પીરસી દીધું અને સામે ખુરશી પર બેસી ગઈ અને કહ્યું આજે તમારા કોઈ મિત્ર ની પત્ની સુધા ઘરે આવી હતી અને એના પતિ નિલેશ સચદેવે લખેલી બુક આપી ગઈ “૨૧ ભીના પ્રેમ પત્ર” પુસ્તકનું નામ છે અને ખરેખર ખુબજ સુંદર પુસ્તક છે, શું અદભુત પ્રેમ પત્રો લખ્યા છે, દાદ આપવી પડે. મેં આખું પુસ્તક અર્ધા કલાક માં વાંચી લીધું અને જે પાત્ર માટે પત્રો લખાયા છે એની ઈર્ષ્યા પણ આવી.” નીલિમા સડસડાટ બોલ્યે જતી હતી અને આશિત ધડકતા હૃદય સાથે બધું સાંભળતો ગયો.

જમીને તેણે પુસ્તક લીધું અને એકજ બેઠકે વાંચી ગયો અને મનોમન બોલ્યો “બધા પત્રો મારા જ લખાયેલા છે અને તે પણ સુધાને સંબોધીને, ફક્ત નામો બદલીને પ્રકાશિત કરી દેવામાં આવ્યા છે.” આશિતે પુસ્તક પર લખાયેલા ફોન નંબર પર કોલ કર્યો તો સામેથી કોઈ લેડીઝ નો આવ્યો “હેલો, હું સુધા બોલું છું, કોનું કામ છે આપને?” 

આશિતે ગુસ્સા માં કહ્યું “હું આશિત ત્રિવેદી બોલું છું; ઓળખાણ પડી?”

સુધાએ હસીને કહ્યું “કેમ નહિ!! આજેજ તારા ઘરે પુસ્તક આપી આવી છું; ગમ્યું હશે?”

આશિતે વિચાર્યું કે જવાનીમાં બેવફાઈ કરી ગઈ હતી પણ આટલા વર્ષો પછી પણ આવું કરશે તેવું ધાર્યું ના હતું , આશિતે જવાબ આપ્યો “જે કર્યું તે ખોટું કર્યું છે ” એમ કહીને ફોન મૂકી દીધો.

બીજા દિવસે છાપાઓમાં આવ્યું કે “૨૧ ભીના પ્રેમ પત્રો” પુસ્તકને રૂપિયા ૨૫૦૦૦૦ નું રોકડ અને શ્રેષ્ઠ પુસ્તકનું ઇનામ મળ્યું છે. સમાચાર વાંચી ને આશિત લાલચોળ થઇ ગયો અને વિચાર્યું કે આરોપીઓને સીધા તો કરવા પડશે.

આશિતે તપાસ કરાવી કે આ નિલેશ સચદેવ કોણ છે? તપાસમાં ખબર પડી કે નિલેશ બેંકમાં મેનેજર હતો અને ગયે વર્ષેજ એનું નિધન થયું હતું. આશિત ચોંકી ઉઠ્યો અને વિચાર્યું કે “આરોપીએ સામે થી પુસ્તક રૂપી પુરાવાઓ મોકલ્યા છે પણ ચાલાકીથી નિલેષનું નામ લેખક તરીકે મૂકી દીધું છે જેથી કોઈ પણ કાયદાકીય પગલાં ભરી ના શકાય અને પોતાની પાસે પણ ક્યાં કોઈ પુરાવા હતા જેથી સાબિત કરી શકે કે ૨૧ પ્રેમપત્રો પોતેજ લખેલા છે. આશિતે મન મનાવી લીધું કે “સારું થયું કે સુધા જેવું પાત્ર મારા જીવનમાં નહિ આવ્યું; જે પ્રેમ અને પ્રેમપત્રો પણ વેંચી શકે છે તે બીજું શું ના કરી શકે ?”

-આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply