Dilip Ghaswala

કન્યા દાન

વાર્તા : “કન્યા દાન”

શહેરના પ્રખ્યાત શેઠ ઘનશ્યામદાસની દીકરી હેત્વીના લગ્ન હતાં, આખું શહેર લગ્ન મહાલવામાં વ્યસ્ત હતું. ત્રણ દિવસ શેઠે બધાને બે ટાઈમ જમાડવાનું નક્કી કર્યું હતું. બઘીજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ અપાયા હતા. એક દિવસ સંગીત સંધ્યા બીજે દિવસે રાસ ગરબા અને ત્રીજા દિવસે લગ્ન.

એમની એકની એક દીકરી હેત્વી આમતો ખૂબ જ રૂપાળી હતી, અને એમણે જમાઈને દહેજ પણ ખુબ આપ્યું હતું.. જાન આવી ગઈ અને એક બાજુ વિધિ ચાલુ થઈ.. બીજી બાજુ જમણવાર શરૂ થયો.. બાવીસ પકવાનની ન્યાત કરેલી શેઠે..અને લોકો જમવા માટે તૂટી પડ્યા..મોટા મોટા માણસોની વચ્ચે શેઠનું બગીચાનું કામ કરતી છોકરી મીઠી અને એના માબાપ પણ લગ્નમાં આવેલાં..મીઠી એ એના બાપુને કહ્યું..,” બાપુ મારે મોટા માણસો ના લગ્ન જોવા છે…હું જોવા બેસું?..એના બાપુએ હા પાડી અને એ આગળી હરોળ માં જઇ બેસી ગઇ..

મીઠી દેખાવમાં સાવ સામાન્ય હતી..સ્વભાવમાં મીઠી હતી…પણ હા એના મોઢા પર દાઝેલાના થોડા ડાઘ હતા..એટલે એ કદરૂપી લાગતી હતી.. હેત્વી ની ઉંમરની જ મીઠી હતી..પણ સાવ ગરીબ હતી..એ લગ્નવિધિ જોવામાં તલ્લીન હતી..એટલામાં એક કર્કશ અવાજ આવ્યો “એય છોકરી…પાછળ બેસ.. શરમ નથી આવતી આમ આગળ ગોઠવાઈ જતા..? ચલ પાછળ જા. ” અને એ નિરાશ થઇ પાછળ ગઈ..

આ બાજુ એના બાપુ અને બા જમવામાં તૂટી પડ્યા હતાં.. કોઈ દિવસ આટલી વાનગી ખાઈ જ નહોતી..અરે જોઈ પણ નહોતી..એટલે એના બાપુ તો તૂટી પડ્યા હતા…આ બાજુ એમણે એમની પત્ની ને કહ્યું કે,”જા જઈને ત્યાં એકાવન રૂપિયા ચાંલ્લો લખાવી આવ..ત્યાં સુધી હું આઈસ્ક્રીમ ની બે ચાર પ્લેટ ઝાપટી લઉં.” અને એમની પત્ની ચાંલ્લો લખાવવા ગઇ તો બધા એની સામે જ જોયા કર્યું..કોઈ કામવાળી બાઈ આવી ગઇ હોય એવું લાગ્યું…એણે જોયું તો બધા એક હજાર ને પાંચસો નો જ ચાંલ્લો લખાવતા હતા..એને શરમ આવી એટલે લાઈન માંથી નીકળી ગઇ અને એના પતિ પાસે ગઈ અને કહ્યું કે “એકસો એક કરું ચાંલ્લો? એકાવન ખરાબ લાગે..”

તો એણે કહ્યું; “પછી રીક્ષાના પૈસા કોણ આપશે??? તારો બાપ??? જા એકાવન જ ચાંલ્લો કર..” અને મફતના પાન ખાવા એ બીજા કાઉન્ટર પર જવા લાગ્યો.

વોચમેનની નજર એના પર પડી. એને કપડાં પરથી કોઈ ભિખારી જેવો લાગ્યો એટલે એણે એને પડકાર્યો “કોણ છે તું…મફતનું ખાવા ઘુસી ગયો ને?”

એટલે એણે કહ્યું ; “મફતનું નથી ખાધું પુરા એકાવન રૂપિયા ચાંલ્લો પણ કર્યો છે…મારી દીકરીને મારી પત્ની પણ આ લગ્ન માં આવી છે..”

“એમ છે?? તો ચાલ કંકોતરી બતાવ..!!”

“એ તો હું ઘરે ભૂલી ગયો..” વાક્ય પૂરું થાય એ પહેલાં લોકો એના પર તૂટી પડ્યાં અને માર મારવા લાગ્યા.. એટલામાં આખા મંડપમાં હો હા થઈ ગઇ..એની પત્ની પણ ચાંલ્લો લખાવી આવતી હતી ને એને પણ ખબર પડી એટલે એ પણ દોડી…

આ તરફ મીઠી ને ખબર પડી એટલે એ દોડતી એના બાપુ પાસે ગઇ…અને રડતાં રડતાં બોલી.,” કોઈ મારશો નહિ મારા બાપુ ને..અમે ચોર નથી…પણ ગરીબ છીએ..અને અમને ઘનશ્યામ દાસ શેઠે જાતે જ બોલાવ્યા છીએ…”

એટલામાં શેઠ જાતે જ ત્યાં આવ્યા અને કહ્યું “હા મેં જ આ કુટુંબ ને આમંત્રણ આપ્યું છે….આ મીઠી મારે ત્યાં બાગ કામ કરે છે…અત્યારે મારી દીકરી હેત્વી ના લગ્ન આ મીઠીના કારણે જ થઈ રહ્યા છે…આજે બધા ને કહું છું મારી દીકરીની પાછળ એક રોડ સાઈડ રોમિયો પડેલો..અને રોજ દીકરી ને હેરાન કરતો હતો…અને પ્રેમમાં પડવા માટે ફરજ પાડતો હતો..મારી દીકરી એ નરાધમને તાબે નહિ થઈ એટલે એણે એક દિવસ મારી દીકરી પર એસિડ ફેંકવા નો પ્રયત્ન કર્યો…ત્યારે જ મીઠી ત્યાંથી પસાર થતી હતી…એટલે એણે હિંમતપૂર્વક એ બદમાશ નો સામનો કર્યો..એની જોડે બાથ ભીડી.. અને ઝપાઝપી માં એસિડ મારી દીકરી પર નાખવા ગયો ત્યારે એણે જાતે એની વચ્ચે આવી ને એસિડ એટેકથી મારી દીકરી ને બચાવી… અને એણે પોતે થોડા એસિડ ના ટીપાં મોં પર ઝીલ્યા…પણ મારી દીકરી ને બચાવી…ને પેલા નરાધમને પોલીસને હવાલે કર્યો…એ પણ મારી દીકરી જેવી જ છે…” અને એમણે મીઠી ના બાપુ ને ઉભા કર્યા ને માફી માંગી..પછી શેઠે એક જાહેરાત કરી..”આજ થી મીઠી ની બધી જ જવાબદારી હું લઉં છું…એના લગ્ન પણ હું જ ધામ ધૂમ થી કરાવીશ.. અને હા એનું ” કન્યા દાન ” પણ હું જ કરીશ.” આટલું કહી એમણે મીઠીને ગળે વળગાડી…

મીઠીએ એના બાપુ અને શેઠને પગે લાગી એટલું જ બોલી “હું કેટલી ભાગ્યશાળી છું કે મને બબ્બે પિતાનો પ્રેમ મળ્યો..” અને આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યાં…

-દિલીપ વી ઘાસવાળા

Categories: Dilip Ghaswala

Leave a Reply