Asim Bakshi

દાનવીર

ટૂંકી વાર્તા : “દાનવીર”

ગોપાલ શેઠ બહુ ઉદાર દિલના હતા, અત્યંત ધનિક હોવા છતાં પણ એમને સહેજ પણ ઘમન્ડ ના હતું. પોતાના ડ્રાઇવર નોકર માળીકાકા બધાને જરૂરિયાત મુજબ મદદ કરતા. એક દિવસ માળીકાકા રડમસ ચેહરે ગોપાળશેઠ પાસે આવ્યા અને કહ્યું “શેઠજી મારો પૌત્ર ખુબજ બીમાર છે અને એના હૃદય નો વાલ્વ બદલવો પડે એમ છે અને તેમાં ૨ લાખનો ખર્ચો થાય તેમ છે, થોડી મદદ મળે તો સારું.”

શેઠે ચશ્માં માંથી નજર કરી અને શાંત ચિતે કહ્યું “કાકા એને દાખલ કરી દો બાકીનું હું સંભાળી લઈશ.”

માળીકાકાના પૌત્રનું ઓપેરેશન સફળ રીતે થઇ ગયું અને હેમખેમ ઘરે આવી ગયો. માળીકાકા હાથમાં પેંડાનું બોક્સ લઈને શેઠજી પાસે આવ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા “શેઠજી તમે તો ભગવાનના અવતાર છો; કુદરત તમારા ઉપર ખુબ મહેરબાન રહેશે.”

શેઠજીએ કાકાને કહ્યું “આ બધા ઉપરવાળાના ખેલ છે કાકા.”

એક બે વરસ થયા હશે અને અચાનક ગોપાળશેઠની તબિયત બગડી અને મેડિકલ રિપોર્ટમાં આવ્યું કે શેઠની બંને કિડની ખરાબ થઇ ગઈ છે. શેઠનું ડાયાલીસીસ ચાલુ થઇ ગયું પણ એક દિવસ અચાનક શેઠ બેભાન થઇ ગયા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ગોપાળશેઠની આંખો ધીરે ધીરે ખુલી તો સામે એમનો દીકરો અને ધર્મપત્ની ઉભા હતા. શેઠજીએ પૂછ્યું કે “મને શું થયું છે ? અને હું ક્યાં છું ?”

દીકરાએ કહ્યું કે “પપ્પા તમે હેમખેમ છો અને તમારી કિડની પણ ટ્રાન્સપ્લાન્ટ થઇ ગઈ છે; આપણા માળીકાકાના દીકરાએ ખરા સમયે પોતાની એક કિડની તમને ડોનેટ કરી દીધી એટલે તમે બચી ગયા.”

ગોપાળશેઠ આંખો મીંચીને વિચારવા લાગ્યા “ખરો દાનવીર તો માળીકાકાનો દીકરો જ કહેવાય.” માળીકાકા દૂર ઉભા ઉભા રડતી આંખે શેઠને નીરખી રહ્યા !!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply