Asim Bakshi

જમરૂખ

ટૂંકી વાર્તા : “જમરૂખ”

ડો. ભરત દોશી, શહેરની નામાંકિત હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર હતા. રોજના નિયમ પ્રમાણે સવારે ICU ના તમામ પેશન્ટ ની મુલાકાત લેતા. એક દિવસ ICU ના પેશન્ટ તપાસતા તપાસતા એક બેડ પાસે ઉભા રહ્યા અને દર્દી ની ફાઈલ હાથમાં લીધી, નામ હતું જમનાબેન પી પટેલ, ઉમર આશરે ૮૮ વર્ષ, રહેવાસી પટેલ ફળિયું, સિંગણપોર. ડોક્ટરે નજર ઊંચી કરીને પેશન્ટ તરફ જોયું અને ચેહરો જાણીતો લાગ્યો. પાસે જઈને જોયું તો તેમને યાદ આવ્યું કે આતો જમનામાસી છે જેઓ સ્કૂલ ના કમ્પાઉન્ડમાં દેશી ફ્રૂટ નો ટોપલો લઈને બેસતાં હતા અને  તે અચૂક તેમની પાસે થી જમરૂખ અને કાચી કેરી ખરીદતા હતા અને ખાસ કરીને જમરૂખ ની ૬ ચીરીઓ કરાવતા અને મિત્રો માં વેહચી ને ખાતા હતા.

જમનામાસી ના ચેહરા પર ઓક્સિજન પાઇપ લગાડી હતી અને બે દિવસથી કોમા માં હતા. જમનામાસીની બાજુમાં એમનો દીકરો સુભાષ ઉભો હતો એ બોલ્યો “ડોક્ટર સાહેબ મારી બા એકદમ તંદુરસ્ત હતા પરંતુ બે દિવસ અગાઉ અચાનક ગબડી પડ્યા અને ત્યારથી કોમામાં છે એટલે અહીં દાખલ કર્યા છે.”

ડોક્ટર દોશીએ જમનામાસીને ચેક કર્યા અને ધીરેથી જમનામાસીના કાન પાસે જઈને કહ્યું “જમનામાસી એક જમરૂખ આપજો અને એની ૬ ચીરીઓ કરજો, હું ભરત છું, મોટી રીસેસ માં કાચી કેરીઓ લઇ જઈશ.”

સુભાષને કઈ સમજ નહિ પડી કે આટલા મોટા ડોક્ટર સાહેબે બા ના કાનમાં શું કહ્યું હશે? ડોક્ટર દોશીએ સુભાષ ને કહ્યું કે “તારી બા જલ્દી સાજી થઇ જશે, બધું નોર્મલ છે, સાંજે આવીને ફરીથી ચેક કરી જઈશ.”

ડોક્ટર ફરીથી પોતાના OPD માં ગોઠવાઈ ગયા પેશન્ટ ચેક કરવા લાગ્યા. આશરે બે કલાક પછી ઇન્ટરકોમ પર ફોન આવ્યો કે “ICU માં સુભાષ તાત્કાલિક બોલાવે છે.”

ડોક્ટર દોશી તરતજ ઉભા થઈને ICU તરફ ગયા ત્યાં જઈને જોયું તો સુભાષ જમનામાસી પાસે ઉભો હતો અને જમનામાસી કઈંક બબડતા હતા. ડોક્ટરને જોઈને સુભાષે કહ્યું “બા ભાનમાં આવ્યા હતા અને તમારું નામ બોલતા હતા.”

ડોક્ટર જમનામાસી પાસે ગયા અને માથે હાથ મુક્યો એટલે તરતજ જમનામાસીએ આંખો ઉઘાડી અને ડોક્ટરનો હાથ પકડીને ધીમા અવાજે કહ્યું “તું એજ ભરત છે ને જેને હું જમરૂખ ની ૬ ચીરીઓ કરીને આપતી હતી?”

ડોક્ટરે માથું હલાવીને હા કહી અને મનોમન બોલ્યા “વાહ ભગવાન; જૂની યાદો જેવી એકપણ દવા હજુ સુધી શોધાઈ નથી.”

બે દિવસ પછી જમનામાસીને રજા અપાઈ ગઈ અને ફાઈલ પર Special Noting માં મોટા અક્ષરે લખાયેલું હતું કે “તમામ બિલ ની માફી.”

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply