Dr. Vishnu M. Prajapati

લૉકડાઉન વખતે લૉક કરી રાખવા જેવા ૨૧ નિયમો

લૉકડાઉન વખતે લૉક કરી રાખવા જેવા ૨૧ નિયમો.

ખૂબ જ વ્યસ્ત અને એક એક મિનિટ માટે ભાગદોડ કરતી આપની જિંદગી એકાએક સાવ થંભી ગઇ છે. ‘સમય જ નથી મળતો’ એવું કહેનારા લોકો હવે ‘સમય જ નથી નિકળતો’ કહેતા થઇ ગયા છે. જેમ ‘ઘૂમના જરૂરી હૈ ‘ એવું કહીને જ્યાં ત્યાં ફરતા લોકો સમજી ગયા છે કે હવે ‘ઘરમે રહના ઉસસે ભી જ્યાદા જરૂરી હૈ’.

૨૧ દિવસોનું લૉકડાઉન સૌ સમજી ગયા જ છીએ ત્યારે તેને સમાંતર કેટલીક વાતો પણ કહેવી જરૂરી છે. તેના અગત્યના ૨૧ મુદ્દાઓ આપ અવશ્ય ધ્યાનમાં રાખશો.

1. જે પરિવાર દરરોજ ભાગદોડ કરતો તે એકાએક થંભી જતા પરિવારમાં વિકટ પરિસ્થિતિ નિર્માણ પામી શકે છે. પણ “ This Time Also Will Pass” મુજબ આ સમય પણ હેમખેમ પસાર થઇ જશે તેવો વિશ્વાસ રાખો.

2. વધારે પડતી ટીવી, મોબાઇલ કે વેબસિરીઝનો ઉપયોગ બંધ કરી દો. જ્યારે ફરી રૂટીન જિંદગી આવશે ત્યારે આ આદત નુક્સાન કરશે. વાયરસના વાયરલ થતા અનેક અવિશ્વાસપાત્ર વિડિયો કે ન્યુઝથી દૂર રહો.

3. સેનેટાઇઝેશન, સોશિયલ ડિસટન્સ અને સરકારશ્રીનાના નિયમોને જ્યાં સુધી આફત ટળે નહી ત્યાં સુધી વળગી રહો.

4. આપની સોસાયટીના સભ્યો વચ્ચે ઉપલબ્ધ સારા પુસ્તકોનું લીસ્ટ વ્હોટસએપ ગ્રુપમાં બનાવી લો અને તેમાં બાળવિભાગ, મહિલાવિભાગ, વૃધ્ધવિભાગ, ગદ્ય, પદ્ય વગેરેને તારવી પોતાની રૂચિ પ્રમાણે સરક્યુલર કરતા રહો.

5. ઘણા લોકો નિયમિત કસરત, વૉકિંગ કે સાયકલિંગ કરતા હશે તેમનું એકાએક રૂટીન બંધ થયુ હશે. તેઓએ ઘરમાં હળવી કસરતની વ્યવસ્થા ગોઠવી લેવી.

6. બ્લડપ્રેસર, ડાયાબિટીસના દર્દીઓએ ખાસ ખરીને ખોરાક પ્રત્યે અને કસરત પ્રત્યે વધુ ધ્યાન રાખવું.

7. ખાસ અગત્યની વાત, ઘરમાં બેસી રહીને વારંવાર નાસ્તો કરવાની કે ખાવાની આદતથી દૂર રહો.

8. એકધારુ બેસી રહેવાથી અપચો, ગેસ, કબજિયાત, કોલેસ્ટેરોલ, સુગર વધશે માટે તેની તકેદારી રાખો.

9. મિતાહારી અને હિતાહારી એટલે કે ઓછુ ભોજન અને સાદુ ભોજનને જીવનનો નિત્યક્રમ બનાવો.

10. હાલની સ્થિતિ જોતા કોઇપણ પ્રકારની માંદગી ઘર સુધી પહોંચે નહી તેનો ખ્યાલ રાખો.

11. ઘરના રસોડાના કેટલાક ઔષધોને જાણો અને તેનો ઉપયોગ કરો.

12. વાયુ કે અપચા માટે અજમો, ઘીમા સેકેલી હિંગ, દિવેલ, મેથી ઉત્તમ છે.

13. કફ માટે આદુ, સૂંઠ, મરી, તુલસીપત્ર, મધ, હળદર સર્વોત્તમ છે.

14. પિત્ત માટે ખડી સાકર, સુકી દ્રાક્ષ, લવિંગ, જીરૂ, ઇસબગુલ, કોકમ, એલચી, દાડમ હિતકર છે.

15. બપોરે સુવાનું ટાળો અને મેદસ્વી લોકો માટે આ લૉકડાઉન સમય વધુ ચરબીની ભેટ ધરે નહી તેનું ધ્યાન રાખો.

16. આગામી ૨૧ દિવસ માટે પોતાનો કોઇ ટાસ્ક રાખો, જેમાં વાંચન, કોઇ સ્કિલ, મ્યુઝિક, ઓનલાઇન કોઇને મનોરંજન કે જ્ઞાન પીરસવું, વજન સંતુલિત કરવું, ચોક્કસ આહારથી બ્લડસુગર અને બ્લડપ્રેસર સંતુલિત કરવું વગેરે…

17. ખાસ વૃધ્ધ વ્યક્તિઓ, વડીલો પરિવારમાં વધુ પડતી સલાહો આપવાથી કે વિશેષ આગ્રહોથી દૂર રહો.

18. બાળકોને અણગમતો દબાવ ન આપો અને તેમને સમય આપો.

19. રાત્રે મોડે સુધી સૂઇ રહેવાની અને સવારે મોડે ઉઠવાની આદત આગળ જતા આપને નુક્શાન કરશે તેનો ખ્યાલ રાખો.

20. પરિવારના સભ્યો સાથે દલીલો કે ટકરાવની દરેક સ્થિતિને ટાળી દો અત્યારે સમય એકબીજાને હૂંફ આપવાનો અને વિશ્વાસ વધારવાનો છે.

21. અને છેલ્લી વાત કે જો આ લૉકડાઉનથી તમે નિર્વ્યસની બની ગયા છો તો તે વ્યસનથી જીવનભર દૂર રહો.

અત્યારે આટલું જ….,

આપણી સાવચેતી એ જ સૌની સલામતી…

-ડૉ. વિષ્ણુ પ્રજાપતિ

Leave a Reply