Rita Mekwan

લગ્ન – એક પવિત્ર બંધન

લગ્ન – એક પવિત્ર બંધન.

રસોડામાં કામ કરતી વિદિતાને મયંકે બૂમ પાડી”એય વિદિતા. અહીં આવ..”

નોકરને રસોડું સોંપી વિદિતા મયંક પાસે આવી કે તરત મયંકે એક તમાચો વિદિતા ને માર્યો ને બરાડ્યો “મારે ઓફિસ જવાનું મોડુ થાય છે ને તેં હજી મારા બૂટ પોલિશ નથી કર્યા…. ???”

વિદિતા હેબતાઈ ગઇ. ચૂપચાપ બૂટ પોલિશ કર્યા ને આંખમાંથી આંસુની ધારા વહી રહી. હજુ લગ્નને ચાર જ મહિના થયા હતા. પ્રથમ રાત્રિએ જ મયંકનું હિંસક રૂપ ઓળખી ગઈ હતી. માબાપની મરજી વિરુદ્ધ મયંક સાથે લગ્ન કર્યા હતા. ગરીબી ને લાચારી સ્ત્રીને મજબૂર બનાવી દે છે. ગરીબ માબાપ પાસે પાછું જવાય એમ નહોતું, એટલે વેઠવું જ પડે.

મયંકે ગરીબ પણ રૂપાળી, નમણી વિદિતાને ફસાવી લગ્ન કર્યા ને ગુલામ જેવી સ્થિતિ કરી નાખી . માતા પિતાના મૃત્યુ પછી મયંક આવારા ને લંપટ બની ગયો હતો. અઢળક પૈસો ને નોકર ચાકર હોવા છતાં મયંક પોતાના બધા કામ વિદિતા પાસે જ કરાવતો. વિદિતાં ગરીબ હતી પણ ખૂબ હોંશિયાર હતી. સ્કોલરશીપ મેળવી બી. કોમ. કરી મયંકની ઓફીસમાં જોબ કરતી હતી. ત્યાં જ પૈસાદાર, હેન્ડસમ ને કંપનીના માલિક મયંકના ચક્કરમાં ફસાઈને ભાગીને પ્રેમ લગ્ન કર્યા. ને મયંકે લગ્ન કરી ઘરમાં રાખી ગુલામ બનાવી દીધી. મયંકના બધા લફરાની વાતો ઓફીસના સ્ટાફ દ્વારા કાને અથડાતી હતી, પણ હવે પસ્તાવા સિવાય કૈંક કરી શકતી ન હતી.

એક દિવસ મયંક ઓફીસ ની ક્લાર્ક રોમા ને ફસાવી ને ઘરે લઈ આવ્યો, ને વિદીતા ને બૂમ પાડી,” એય વિદિતા ..દારૂના ત્રણ પેગ બનાવી ઉપર બેડરૂમમાં આવ..” અને રોમા ને લઈ ઉપર જવા લાગ્યો.

વિદિતા લાચાર અને નિઃસહાય બની પેગ તૈયાર કરવા લાગી. એટલામાં રોમા મયંકને બેડરૂમમાં મુકી નીચે આવી ને વિદિતા ને કહ્યું, “બેન, આજે આ નરાધમ મને ફસાવી ને લાવ્યો છે. વિદિતા બેન ક્યાં સુધી સહન કરશો?હું તમારી સાથે છું. આપણે સાથે મળીને આજે એને પાઠ ભણાવીશું.” કહીને ઉપર મયંક પાસે ગઇ. થોડીવારમાં વિદિતા ત્રણ પેગ લઈને ઉપર આવી.

મયંકે રોમાને બાજુમાં બેસાડી પોતે વચ્ચે બેઠો ને વિદિતાને ખેંચીને બાજુમાં બેસાડવા ગયો. વિદિતાનાં હાથમાંનો ગ્લાસ મયંક પર પડ્યો, મયંક ઉભો થયો ને વિદિતાનો ચોટલો પકડી મારવા હાથ ઉગામ્યોને વિદિતાએ મયંકને ધક્કો મારી દૂર હડસેલી દીધો. પછી ખાલી થયેલા ગ્લાસને ટેબલ પર પછાડીને તોડીને સાક્ષાત રણચંડી બની બોલી..” આવ મયંક .. માર મને.. આવ..” કહી ને તૂટેલો ગ્લાસ લઈ મયંક તરફ ધસી, અને બોલી …”આજે હું લાચાર નહિ બનું. આજે હું તારી સાથે લીધેલા લગ્ન ના, સપ્તપદીના પવિત્ર બંધન તોડું છું.” આટલું બોલી મયંકના હાથમાં ગ્લાસથી લસરકો પાડયોને લોહીની ધારા વહેવા લાગી.

મયંક અસહ્ય વેદનાથી ચીસ પાડી ઊઠયો, ને બરાડ્યો, “નીચ..હલકટ..તારા પર દયા કરી લગ્ન કરી ઘરમાં લાવ્યો ને તું….?? આજે તારું આવી બન્યું.” કહીને પોલીસને ફોન કર્યો.

દૂરથી રોમા બધો તમાશો જોતી હતી. થોડીવારમાં પોલીસ આવી. બધી પૂછપરછ કરવા લાગી.. ત્યારે સૌથી પહેલાં રોમા બોલી “સર, સૌથી પહેલા મારું બયાન લો.. ” તેણે પોલીસ ને કહ્યું, ” હું મયંકની ઓફીસ માં કામ કરું છું. આજે આ નરાધમ અમને બંને સ્ત્રીઓને સાથે ભોગવવા માંગતો હતો…એટલે અમે અમારા સ્વબચાવ માટે એની સામે થયાતો ઝપાઝપી થતા મયંકના હાથમાંથી ગ્લાસ પડ્યો ને એ પણ પડ્યો ને એના હાથમાં વાગ્યું. અને એની મેલી મુરાદ પૂરી ન થતાં એણે જાતે જ તમને ફોન કર્યો.”

વિદીતાએ કહ્યું “હા..સર આ વાત સાચી છે..હું મયંક ની પત્ની છું.” મયંક સ્તબ્ધ થઈ ગયો. પોતાનો બચાવ ન કરી શક્યો, ને પોલીસ એને પકડી ને લઈ ગયી..

રોમા વિદિતાની પાસે આવી તેને ગળે લગાવી ને કહ્યુ ,”નારી તું નારાયણી..નારી તું કદી ના હારી.. તારી અસ્મિતાની રક્ષા કાજે ખેલ રક્તરંજિત હોળી..પાપી નરાધમો ને ચઢાવ તું શૂળી…”

-રીટા મેકવાન “પલ”

Categories: Rita Mekwan

Leave a Reply