Dr. Vishnu M. Prajapati

તુલસીક્યારો

તુલસીક્યારો

‘જાન્વીબેનનું ઘર ક્યાં છે?’ મધુવન નર્સરીના ડિલીવરી બોયે સોસાયટીના ગેટ પરના ચોકીદારને પૂછ્યું.

જો કે કોઇપણ કુરિયરવાળો આવે કે અજાણ્યું આવે એટલે બધા એમ જ કહેતા બીજી લાઇનમાં જે ઘરમાં તમને ખૂબ જ ફૂલછોડ અને રંગબેરંગી ફૂલો જોવા મળે તે ઘર…! જાન્વીનું ઘર તેમના ઘરનંબરથી નહી પણ તેના ઘરની બહાર રહેલા અનેક ફૂલોની સજાવટથી ઓળખાતુ.

ચોકીદારે પણ તે રીતે જ પેલા કુરિયર બોયને રસ્તો બતાવ્યો.

જાન્વીને ફુલછોડનો ભારે શોખ…! ઘરની બહાર ફૂલોની સજાવટ અને વિદેશના અનેક ફૂલોથી તેનું ઘર શોભી ઉઠતું હતુ. દરેક ફૂલછોડ અને તેની તમામ માહિતી જાન્વી પાસે હોય જ..! અંગ્રેજી અને તેના લેટીન નામો પણ કડકડાટ આવડે…! સિઝનેબલ અને બ્યુટીના દરેક રંગો જાન્વીના ઘરે ફૂલ બની શોભતા હતા. કોઇને પણ ઇર્ષ્યા થાય તેવી તેની માવજત પણ ખરી..!

સવારે જ તેના ઘરે તેની ફેવરીટ નર્સરીમાંથી કોઇ નવી વિદેશી જાતનો નવો ફૂલછોડ મંગાવ્યો હતો. તેના ફેવરીટ ફૂલછોડની હોમ ડિલીવરી થતાં જ જાન્વી ખુશીથી ઝુમી ઉઠી.

ફૂલછોડ ખૂબ જ મોંઘો હતો એટલે તેને યોગ્ય કુંડામાં શિફ્ટ કરવો જરૂરી હતો. હવે સમસ્યા એ હતી કે ઘરમાં આ નવા મહેમાન માટે કોઇ જગ્યા બચી જ નહોતી. જાન્વી ઘરઆંગણના તમામ ખૂણે તેને લાયક જગ્યા શોધવા ફરી ચુકી હતી પણ આખાય ઘરમાં હાઉસફૂલના પાટીયા લાગેલા હતા.. આ નવા ફૂલ માટે હાઉસમાં જગ્યા જ નહોતી.

આખરે જાન્વીની નજર ઘરના ગેટ પાસે રહેલા તુલસીક્યારા પર પડી. આ તુલસી કેટલાય સમયથી કરમાઇને સહેજ વિલાઇ ગયા હતા એટલે જાન્વીનું મન થોડીવાર તેના પર સ્થિર થઇ ગયું. જાન્વીનું મન વિચારે ચઢ્યુ, ‘આ તુલસીક્યારો એક વર્ષથી લાવી છું. તુલસીનો કોઇ ઉપયોગ પણ નથી અને તેને કોઇ સુંદર ફૂલ પણ તેને ક્યારેય આવશે નહી. આ તો મમ્મીનું મન રાખવા તુલસી વાવેલી..! પણ હવે મમ્મી અહીં ક્યાં છે? અને ઘણા લોકો મારો સજાવેલો ગાર્ડન જોવા આવે છે આ બધા રંગેબેરંગી ફૂલો વચ્ચે કોઇ ક્યારેય તુલસી સામે જોતા પણ નથી… અને જો ને આ તુલસી પણ કેવા વિલાઇ ગયા છે..? ’ આખરે જાન્વીએ મનોમન કોઇ નિર્ણય કરી લીધો.

તુલસીક્યારામાંથી તુલસીને દૂર કરી તેના સ્થાને નવો વિદેશી ફૂલછોડ લગાવી દીધો. તુલસીના આ વિલાયેલા છોડને ક્યાં ફેંકવો તે વિચારી રહી હતી ત્યાં જ સામે રહેતા સાધનાબેન સામેથી પસાર થયા.

જો કે સાધનાબેન અને જાન્વીની વચ્ચે ઉંમરનું ઘણું છેટુ હતુ અને બન્નેને બગીચાનો શોખ હતો. સાધનાબેનના ઘરના બગીચા કરતા જાન્વીના ઘરનો બગીચો અનેકગણો સારો હતો. સાધનાબેન ફૂલછોડની જગ્યાએ ઔષધછોડ રોપતા હતા.

સાધનાબેનને જોઇને જાન્વીએ કહ્યું, ‘સાધનાબેન, તમારે આ તુલસીનો છોડ જોઇએ ? મારે કોઇ કામનો નથી.’

સાધનાબેન તો આ જોઇને ઉભા જ રહી ગયા અને બોલ્યા, ‘જાન્વી, તુલસી એ કોઇ છોડ નથી એ તો માતા છે એ તો ઘરમાં જોઇએ જ..!’

જો કે જાન્વીને તેમની ફિલોસોફીમાં કોઇ રસ નહોતો એટલે બોલી, ‘મારા આ નવા મોંઘા ફૂલછોડ માટે જગ્યા નથી એટલે હવે મારે આ તુલસીક્યારો ખાલી કરવો પડે તેમ છે…! જો તમારે જોઇએ તો લેજો નહિતર…!’ જાન્વીના કહેવા પર તો લાગતુ હતુ કે તે તુલસીના છોડને ફેંકી જ દેશે એટલે સાધનાબેને આખરે તે છોડ લઇ લીધો.

સાધનાબેને જતા જતા બોલ્યા, ‘મારા ઘરે તો તુલસીનું વન છે… તેમાં એક વધારે…!’ સાધનાબેનને ફૂલછોડ કરતા તુલસી, અરડૂસી, ફુદિનો જેવા છોડ વાવવાનો વધારે શોખ હતો.

‘પણ તમારા ઘરના વનમાં કોઇને સુંદર ફૂલ આવતું નથી હોં…!’ જાન્વીએ પોતાના ફૂલોનો થોડો ઘમંડ પણ હતો.

ત્યાં જ જાન્વીનો દિકરો માધવ સ્કૂલેથી તેના પપ્પા સાથે અચાનક જ સ્કૂલના સમય પહેલા ઘરે આવ્યો. માધવ અને સાધનાબેનનો દિકરો મલય સાતમા ધોરણમાં સાથે ભણતા હતા. માધવને ત્રણ દિવસથી ભયંકર શરદી થઇ ગઇ હતી અને અત્યારે ખૂબ જ તાવ વધી ગયો હતો. કોરોનાના ભયને કારણે સ્કૂલમાંથી ફોન કરીને તેને ઘરે લઇ જવા કહી દીધુ હતુ.

માધવની તબીયત સારી ન હતી એટલે તેને તાત્કાલિક દવાખાને લઇ ગયા. મહામારીના ભયને કારણે જાન્વી વધુ ચિંતિત બની ગઇ. ડોક્ટરે તપાસ કરી અને ચિંતા ન કરવા જણાવ્યું અને કેટલીક દવાઓ લખી આપી.

મોબાઇલ પર વધી રહેલા કોરોના વાયરસના વાયરલ મેસેજ હવે જાન્વીને વધુ પરેશાન કરી રહ્યા હતા. કફના અને વાયરસના રોગમાં તુલસી, હળદળ અને લિંડીપીપરનો ઉકાળો પીવાનું કોઇએ સૂચવ્યું..

જાન્વીના આખાય બગીચામાં એકપણ છોડ એવો નહોતો કે તે કોઇ ઔષધીય ઉપયોગમાં આવે. તુલસીનો બચેલો એકમાત્ર છોડ પણ સવારે જ સાધનાબેનને આપી દીધો હતો. હાલ વાયરસના વાયરમાં એકપણ વિદેશી છોડ દવાના કામમાં આવે તેમ નહોતો.

જાન્વી આખરે સાધનાબેનના ઘરે પહોંચી તેમના એકપણ ફૂલ વગરના બગીચાની સાચી ઉપયોગીતા તેને અત્યારે સમજાઇ રહી હતી. તેને સાધનાબેનને તેમના ઘરે રહેલ તુલસી, અરડુસી અને લિંડીપીપર માંગ્યા. સાધનાબેન પરિસ્થિતિ સમજી ગયા હતા. તેમને જાન્વીને જરુરિયાત મુજબ તુલસી, અરડુસીના પત્તા અને લિંડીપીપર આપ્યા અને કહ્યું, ‘મારા ઘરના વનમાં એકેય ફૂલ ભલે ન આવતું પણ જરૂર પડે ત્યારે કામ જરૂર આવે છે….!’

જાન્વી તેમના કહેવાનો મર્મ સમજી ચુકી હતી. જાન્વીએ જોયું કે સવારે આપેલો તુલસીનો છોડ સાધનાબેને એક સરસ સજગ્યાએ રોપી દીધો હતો અને તે એક દિવસમાં જાણે તરોતાજા બની ગયો હોય તેમ ઝુલી રહ્યો હતો. જાન્વી તે તુલસીમાતાની પાસે ગઇ અને બોલી, ‘સાધનાબેન આ તુલસીમાતા મને પરત આપશો? હું ભૂલી ગઇ હતી કે મોંઘા વિદેશી ફૂલછોડ કરતા આપણા સ્વદેશી છોડમાં અનેક ગણા ચઢિયાતા છે.’

સાધનાબેન તેના બદલાયેલા સ્વરને સમજી ગયા અને જાન્વીએ આપેલા તુલસીમાતાને પરત કર્યા અને કહ્યું, ‘આંગણામાં તુલસી માતા અને ઘરની અંદર આપણી માતા બન્ને આપણી સંસ્કૃતિ છે… તેને ક્યારેય તરછોડાય નહી…!’ આ શબ્દોથી જાન્વી સાવ ચૂપ થઇ ગઇ. જો કે સવારે જ સાધનાબેનને મારેલું શબ્દબાણ તેને પાછું મળ્યું હતુ એટલે તે ચુપચાપ ઘરે આવી ગઇ.

જાન્વીએ તુલસીમાતાને ફરી તેના તુલસીક્યારામાં રોપી અને મોંઘા ફૂલછોડને દૂર ખૂણે મુકી દીધો.

અને માધવના પપ્પાને કહ્યું, ‘મમ્મીને ફોન કરોને કેટલાય દિવસ થયા આપણે ઘેર નથી આવ્યા… તેમના વિના આ ઘર તુલસીમાતા વિનાના દેખાવ પુરતા સુંદર બગીચા જેવુ લાગી રહ્યું છે….!’

જાન્વીના કેટલાય વર્ષો પછી આ બદલાયેલા સ્વરૂપને જોઇને માધવના પપ્પાએ ફોન લગાવ્યો.. ઘરની બહાર રહેલા તુલસીમાતાને પણ તે સાંભળી ઝુમી ઉઠ્યા.

લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

 

Leave a Reply