Dr. Vishnu M. Prajapati

લૉકડાઉન

લૉકડાઉન

ડો. પ્રતિકે સોસાયટીમાં પગ મુકતા જ કેટલીક તીક્ષ્ણ નજરો તેમને જાણે રોકવા આડી ધરી દીધી હોય તેમ જોઇ રહી હતી. સોસાયટીના ગ્રુપમાં એક સભ્યએ મેસેજ પણ કરી દીધો હતો કે અત્યારે દવાખાને જતા ડોક્ટર્સ પણ સૌથી ખતરનાક વાહક ગણાય છે અને બસ ત્યારથી જ કોઇકના મનમાં એ શંકાનો કિડો સળવળી ઉઠતો હતો.

‘સાહેબ… અમને તમારા માટે માન છે પણ આમ તમે આવનજાવન કરો તો વાયરસનો ફેલાવો વધે કે નહી? અને તમે સરકારી દાકતર છો એટલે ત્યાં એવા પણ કેસ આવતા હોય કે….!’ ગેટ પાસે જ વિનાયકભાઇએ આખરે તેમના વિચારોના કિડાને બહાર કાઢી નાખ્યો ખરો…

‘અરે… વિનાયકભાઇ એવું કાંઇ નથી, હજુ આપણાં શહેરમાં એકપણ સસ્પેક્ટેડ કેસ નથી તો વાયરસના ફેવાલાની તો કોઇ વાત જ નથી….કોઇ ચિંતા ન કરો અમે પણ બધા પુરતી તકેદારી રાખીએ છીએ..’ ડો. પ્રતિકે માસ્ક પહેરીને જરૂરી અંતર રાખીને જ વાત કરી.

‘પણ તોય તમારા મોઢે કોઇ ન કહે, અમને એમ થાય છે કે…!’ પછીના અધ્યાર શબ્દો ડો. પ્રતિક સમજી શકે તેમ હતા.

કોઇ વાત વિના ડો. પ્રતિક તેમના બંગલે પહોંચી ગયા અને સોસાયટીના ગેટ પર વિનાયકભાઇથી દૂર ઉભેલા ગિજુભાઇ લગોલગ આવ્યા અને બોલ્યા, ‘મને પાકો મેસેજ મળ્યો છે કે એક કેસ પોઝિટીવ છે અને તે પહેલા આમને જ મળ્યો હતો. જો એ અહીં રહેશે તો ક્યાંક આપણસૌ ને ચેપ લગાડશે…!’ મોબાઇલ વાયરલ સમાચારની ખોટી અફવાનો એક મેસેજ ગિજુભાઇએ વિનાયકભાઇને બતાવ્યો પણ ખરો.

રાત્રે ફરી એક નાની મીટીંગ અને ગુસરપુસર ચાલુ….! કોમનપ્લોટના ખૂણે છાનામાના મળીને પોતપોતાની રીતે સૌ ડોક્ટર સાહેબ વિશે અભિપ્રાય આપી રહ્યા હતા ત્યાં જ ડો. પ્રતિક તેમની નજીક આવ્યા.

‘અરે… તમે આમ ભેગા ન થશો અને પોતાના ઘરમાં જ રહો, આપણે આ ક્રિટીકલ ફેઝને જાળવવો પડશે. હું બહાર ન નીકળું પણ તમને જોઇને કહેવાનું મન થઇ ગયું કે આપણે હાલની પરિસ્થિતિને ગંભીરતાથી લેવી પડશે.’ ડો. પ્રતિક સૌને સમજણ આપી રહ્યા હતા પણ બધાની કતરાતી નજરોમાં જુદી જ તસ્વીર નિર્માણ પામી રહી હતી.

‘સાહેબ, વાતને ગંભીરતાથી તો તમારે લેવી પડે… આમ દવાખાને જઇને આવો અને પછી અમારી વચ્ચે રહો એટલે અમારે પણ તમારાથી સાચવવું પડે’ને…?’ દૂર ખૂણે ઉભેલા માસ્કથી આખા ચહેરાને ઢાંકીને ઉભેલા સુધીરભાઇ બોલી ઉઠ્યા. તેમના ઢંકાયેલા ચહેરાના એ શબ્દો માસ્કના પાતળા પડમાંથી ભલે ગળાઇને આવ્યા હોય છતાં પણ તેની તીક્ષ્ણતા ઓછી થઈ નહોતી.

‘એ તો અમારી ડ્યુટી છે, અને આ કામ તો અમારે કરવું જ પડે, સુધીરભાઇ…! અને અમારો વિશ્વાસ રાખો કે અમારાથી સહેજ પણ ગફલત નહી થાય… ભૂલ કોઇ ડોક્ટર નહી પણ ગાફેલ દર્દીઓ કે મોજમસ્તી માટે અહીંતહીં ભટકતા લોકો કરી રહ્યા છે અને તેમની સામે અમારે લડવું પડે છે…!’ ડો. પ્રતિકે દરેકને સમજાવતા કહ્યું.

‘જો સાહેબ તમે ખોટુ ન લગાડશો… તમે ફેફસાના રોગના નિષ્ણાત છો અને હાલ આવા બધા કેસ તમારી પાસે આવે છે એવુ અમે જાણ્યું છે.., અહીં કોઇ સભ્ય તમને કહી શકતો નથી પણ હું કહું છુ કે તમે જો થોડા દિવસ આ સોસાયટીમાં ન આવો’તો ….?’ આખરે સુધીરભાઇના ચહેરાની સાથે શબ્દોની તીક્ષ્ણતા વધી અને બીજા સભ્યો પણ જાણે મૂકસંમતિ આપીને ઉભા હતા.

ડો. પ્રતિકને તેમનો કહેવાનો મર્મ સમજાઇ ગયો અને તે થોડીવાર સાવ ચૂપ થઇ ગયા અને પોતાના કેટલાક કદમ પાછા કરી બોલ્યા, ‘થોડા દિવસ પહેલા સોસાયટીના ઘરે ઘરેથી વાગેલી થાળીઓ કે તાળીઓથીથી મારા જેવા અનેક ડોક્ટર્સને લાગેલું કે તમે સૌ અમારી હિંમત છો. અમે દરરોજ મોતના મુખમાં જઇને આવીએ છીએ… અમારો ખુદનો ડર અનેકગણો હોય છે પણ તમારા સૌના સ્વાસ્થ્યની ચિંતા જ અમારી હિંમત છે. અમારો પરિવાર પણ દરરોજ અમારી સાથે બેસતા પહેલા અનેક ચિંતા કરે છે… તમે બધા જો આમ અમારી હિંમત તોડી દેશો’તો…?’ જો કે ડો. પ્રતિકના શબ્દોની કોઇ ઝાઝી અસર દેખાઇ નહોતી એટલે તે થોડીવાર ચૂપ રહ્યા.

બધા ચૂપ હતા એટલે આખરે ડો. પ્રતિકે કોઇ નિર્ણય કરી લીધો હોય તેમ વધુ દૂર જઇને ફરી કહ્યું, ‘જો તમને એમ લાગતું હોય કે મારાથી અહીં કોઇ તકલીફ ઉભી થાય તો હું મારા પરિવારને લઇને થોડા દિવસો દૂર ચાલ્યો જઇશ.’ અને ડો. પ્રતિક પોતાના ઘર તરફ ચાલ્યા ગયા.

સોસાયટીના ઘરે ઘરે વાત ફેલાઇ ગઇ કે કોમનપ્લોટમાં આ વાત બની છે. કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો. ત્યાં જ વિનાયકભાઇની દિકરી સ્નેહા દોડતી કોમનપ્લોટમાં આવી અને તેના પપ્પા તરફ જોઇને કહ્યું, ‘પપ્પા, ડોકટર સર તો આપણી સોસાયટીના ફેમીલી મેમ્બર છે…! મને થોડા દિવસ પહેલા શરદીને ગળામાં તકલીફ થઇ તો તેમને જ મારી ટ્રીટમેન્ટ કરી હતી… તે આપણા માટે લડી રહ્યા છે અને અહીં આપણે સૌ તેમની સાથે લડીશું તો કેમ ચાલશે…? પ્લીઝ તેમની સાથે આવું ન કરો…!’

‘તુ ઘરમા જા સ્નેહા… તને ખબર ન પડે…!’ વિનાયકભાઇ કંઇ બોલે તે પહેલા સુધીરભાઇએ સ્નેહાને કહ્યું.

ત્યાં જ વિનાયકભાઇ બોલ્યા, ‘હા, બેટા… હું થોડીવાર માટે ખરેખર ભૂલી ગયો હતો કે હું શું કરી રહ્યો છું… થેંક્સ સ્નેહા… મારી મોટી ભૂલ થઇ છે.’

તેમની વાત આગળ વધે ત્યાં જ ડો. પ્રતિક તેમની ફેમિલી સાથે બેગ બહાર નીકળ્યાં અને પોતાની કાર તરફ ચાલ્યા. ત્યાં જ વિનાયકભાઇ તેમની નજીક ગયા, ‘સોરી, ડોક્ટરસાહેબ…! તમે ન જશો પ્લીઝ…!’

ડો. પ્રતિક ખૂબ જ સહજરીતે બોલ્યા, ‘ અરે વિનાયકભાઇ તમે સહેજ પણ ચિંતા ન કરો મને સહેજ પણ ખોટું લાગ્યું નથી. મેં મારા પરિવાર સાથે મિટિંગ કરી લીધી છે અને સૌ વાતને સમજે છે. તમારી સેફ્ટી એ જ અમારો ઉદ્દેશ છે.’

ત્યાં દૂર ઉભેલી સ્નેહાને જોઇ ડો. પ્રતિકે કહ્યું, ‘કેમ છે સ્નેહા…? તું તબીયત સાચવ અને કોઇ બિનજરૂરી બહાર ન નીકળશો.’ અને ડોક્ટર સાહેબ કાર તરફ આગળ વધ્યા.

સ્નેહાએ તરત જ કંઇક વિચાર્યુ અને તે સોસાયટીના તેના બીજા ફ્રેન્ડના ઘરે ઘરે પહોંચીને વાત કરી.

ડોક્ટર સાહેબ કાર લઇને ગેટ પાસે પહોંચ્યા ત્યાં ગેટની આગળ સ્નેહાના બધા ફ્રેન્ડ હાથમાં થાળી અને ઘંટડી લઇને ઉભા રહ્યા અને વગાડવા લાગ્યા. ડોક્ટર પ્રતિક સમજી ગયા હતા કે સ્નેહા અને તેમના બધા ફ્રેન્ડસ થેન્ક્યુ કહેવા માંગે છે અને રોકવા માંગે છે પણ ડોકટર પ્રતિક અને તેમના પત્નિ કારમાંથી ઉતરીને દરેકના હાથમાં એક એક સેનેટાઇઝર આપીને બોલ્યા, ‘દિકરાઓ, તમે અમને થેંક્યુ નહી કહો તો ચાલશે, પણ પ્લીઝ સેફ્ટીના નિયમો જાળવો, બિનજરૂરી ઘરથી બહાર ન નીકળો અને સોશિયલ ડિસટન્સ કે લૉકડાઉનને ફોલો કરો.’

ડો. પ્રતિકની વાત સાંભળી બધા એકબીજાથી દૂર ખસી ગયા અને ભીની આંખે તેમને જવાની જગ્યા કરી આપી…! ડોક્ટર સાહેબ ફરી કારનું સ્ટીયરીંગ સંભાળે ત્યાં જ સુધીરભાઇની પત્ની દોડતી આવી અને બોલી, ‘કહુ છું સાંભળો છો, બાને શ્વાસ ચઢ્યો છે, તાત્કાલિક દવાખાને લઇ જવા પડ્શે…!’

સુધીરભાઇ સાંભળે તે પહેલા ડો. પ્રતિકે તે સાંભળી લીધું અને પોતાનો સ્ટેથોસ્કોપ અને કારમાં રહેતી ઇમરજન્સી કીટ લઇને તેમના ઘર તરફ દોડ્યા. થોડીવારની સારવાર બાદ તેમના મમ્મીને સારુ હતુ એટલે ડોક્ટર પરત ફર્યા અને કારને સ્ટાર્ટ કરી દીધી.

આ વખતે ડોક્ટર સાહેબને ગેટની વચ્ચે રોકવા ખુદ સુધીરભાઇ હાથમાં ઘંટડી વગાડતા ઉભા હતા અને પોતાની પાસે રહી ગયેલી ડો. પ્રતિકની ઇમરજન્સી બેગ ઉંચી કરીને બતાવી.

ડો. પ્રતિક તેમની પાસે પહોંચ્યા અને બેગ લીધી અને કહ્યું, ‘સુધીરભાઇ તમે પણ આ સેનેટાઇઝરથી હાથ સાફ કરી લો… કદાચ, આ કીટ પણ ક્યાંક વાયરસથી ઇન્ફેકટેડ હોય…!’ ડો. પ્રતિકે તેમને પણ સેનેટાઇઝર આપ્યું.

‘સોરી સાહેબ, વાયરસ તો થોડીવાર માટે અમારા મગજમાં આવી ગયો હતો… કહેશો તો થોડું સેનેટાઇઝર માથા પર પણ લગાવી દઇશું … પણ પ્લીઝ અમને માફ કરો…!! પાછા વળો…!’ સુધીરભાઇના શબ્દોમાં ભીનાશ આવી ગઇ હતી.

ડો. પ્રતિક તેમની વાતને સમજી ચુક્યા હતા અને તેમને કહ્યું, ‘હું પરત ફરીશ ખરો પણ એક શરત…! સોસાયટીમાં વિના કારણે કોઇએ ભેગું થવું નહી એન્ડ ફોલો ધ લૉકડાઉન સ્ટ્રીકલી… રુલ્સ ઇઝ રુલ્સ..!’

અને ત્યાં જ સુધીરભાઇ બોલ્યા, ‘હા, જરૂર સર, પણ અત્યારે તો અમે તમને સોસાયટીની અંદર જ લૉકડાઉન કરીએ છીએ…! રુલ્સ ઇઝ રુલ્સ..!’ સુધીરભાઇની વાત સાંભળી ડો. પ્રતિકે કારને રીવર્સ ગીયરમાં નાખી દીધી.

સ્ટેટસ
વિચારો પોઝીટીવ સારા…
અને રિપોર્ટ્સ નેગેટીવ સારા…!!

લેખક: ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

Leave a Reply