Asim Bakshi

વીરા

ટૂંકી વાર્તા : “વીરા”

જમ્મુ થી રાજૌરી જતી બસમાં સુધા બેઠી હતી, આ વખતે પેહલી વાર થયું કે એનો ભાઈ સુધીર રક્ષાબંધન કરવા વતન નહિ આવી શક્યો એટલે સુધાએ વિચાર્યું કે હું જ ભાઈ પાસે જઈ આવું. ભાઈ રાજૌરી માં શિક્ષક હતો. જમ્મુ થી ૧૨૦ કી.મી. દૂર આવેલું રાજૌરી અત્યંત સંવેદનશીલ જિલ્લો ગણાય, ત્યાં અવારનવાર આતંકી હુમલા થતા આવ્યા છે.

સુધા ભાઈને મળવાની ખુશીમાં ધીમા સુરે ગીત ગાતી હતી એટલી વારમાં બસ ચાલકે બ્રેક મારી અને જોતજોતામાં તો ત્રણ બુકાનીધારી આતંકીઓ બસમાં ઘુસી ગયા અને ત્રાડ પાડીને કહ્યું “અમે બસ હાઇજેક કરી છે; કોઈ પણ હાલ્યું ચાલ્યું તો શૂટ કરી દેશું.”

બધા યાત્રીઓ ડર ના માર્યા ફફડવા લાગ્યા; સુધા પણ ખુબ ડરી ગઈ અને ઈશ્વર ને પ્રાર્થના કરવા લાગી. એક આતંકીએ એ કહ્યું કે “સરકાર અમારા એક સાથીને છોડશે તોજ તમને બધાને છોડીશું નહીંતર એક એકને વીંધી નાખીશું.” બધાના મોબાઈલ પણ લઇ લેવામાં આવ્યા અને બસને એક ઝાડ પાસે ઉભી રાખીને બે આતંકીઓ ઉતરી ગયા અને બસની બહાર ગોઠવાઈ ગયા અને એક આતંકી બસમાં જ બેસી રહ્યો.

સાંજ પડી એટલે બધાના જીવ ઊંચા થયા કે હવે આપણું શું થશે? ત્યાંજ અચાનક બહારથી ગોળીબાર ના અવાજો આવવા લાગ્યા; બધા યાત્રીઓ સીટ નીચે ભરાઈ ગયા. બસ ની અંદરનો આતંકી બારણાં પાસે ઉભો રહીને ફાયરિંગ કરતો હતો; એની પીઠ સુધા તરફ હતી; સુધાએ જોયું કે બહારના બે આતંકીઓ ઠાર મરાયા છે એટલે એને હિમ્મત કરીને પેલા આતંકીને પીઠ પર જોરથી લાત મારી. પેલો આતંકી ઊંધા મોઢે જમીન પર પટકાયો અને એટલીજ વારમાં સૈન્ય ના જવાનોએ એને ઘેરી ને પકડી લીધો.

સુધા અને યાત્રીઓ બહાર આવ્યા, સુધાએ જોયું કે એક જવાન ના ખભાને ચીરી ને બુલેટ નીકળી ગઈ હતી અને ખભો લોહી લુહાણ હતો. સુધાએ તરત જ પોતાનો દુપટ્ટો કાઢીને પેલા જવાન ના ખભા ઉપર બાંધી દીધો . બધા યાત્રીઓએ સુધાની હિમ્મત બિરદાવી અને જવાનોને પણ બિરદાવ્યા.

સુધા ધીરેથી પેલા ઘાયલ જવાન પાસે બેસી ગઈ અને પોતાના પાકીટમાંથી રાખડી કાઢી ને જવાન ના કાંડા ઉપર બાંધી દીધી અને કહ્યું “મારા વીરા, તમારા જેવા બહાદૂર ભાઈઓ હોય પછી અમને શેની ચિંતા હોય!!”

પેલા ઘાયલ જવાને પણ પોતાના ખીસામાંથી ૧૦૦ રૂપિયા કાઢીને સુધાને આપ્યા અને કહ્યું “તારા જેવી બહાદૂર બેહનો હોય તો કોઈની મજાલ નથી કે આપણો વાળ પણ કોઈ વાંકો કરે.”

બધા યાત્રીઓ એ તાળીના ગડગડાટ થી સુધાને વધાવી લીધી. એટલી વારમાં સરકારી કુમક આવી પોહચી અને બધા યાત્રીઓને હેમખેમ પાછા બસમાં બેસાડીની આર્મીના પેટ્રોલિંગમાં રાજૌરી રવાના કર્યા. સુધા મનોમન બોલી ઉઠી “આ વર્ષ ની રક્ષાબંધન મને જિંદગીભર યાદ રહેશે !!”

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply