Dilip Ghaswala

ઝાંઝર

વાર્તા ઝાંઝર

રૂખી ગામની પાદરે ઝુંપડી બાંધીને એના ભાઈ જોડે રહે. એમના માબાપ કોણ છે એ પણ એમને ખબર નહિ. એ બંને બહુ નાના હતા ત્યારે એમનો બાપ દારૂ પી ને મરી ગયેલો, અને એની મા એ ગામના ઉતાર જેવા જોડે ગામતરું કરેલું. બંને છોકરાને નોંધારા મૂકીને ચાલી ગઈ હતી.

રૂખી ગામમાં ફરી ફરીને કચરો વીણી વીણી એમાંથી ખાવાનું શોધીને એના ભાઇ ને અને પોતે ખાતી હતી. રોજ વહેલી સવારે ભાઈ બહેન કોથળો ખભે ભેરવીને નીકળી પડતાં અને કચરો એકઠો કરીને એમાંથી પ્લાસ્ટિક લોખંડ છૂટું પાડીને ભંગારના વેપારીને ત્યાં જઈ વેચી આવતા હતાં.. અને એમાંથી જે પૈસા મળે તેમાં ગુજરાન ચલાવતાં હતાં.

એક દિવસ રૂખી આ રીતે જ કચરો વિણતી હતી અને એને કચરામાંથી એક ઝાંઝર મળ્યું, એ તો ખુશ થઈ ગઈ. રાજીની રેડ થઈ ને ઘરે આવીને ઝાંઝરને સાફ કર્યું તો એકદમ ચમકી ઉઠ્યું. પહેલીવાર ચાંદીની કોઈ વસ્તુ તેણે પોતાની જિંદગીમાં જોઈ. એણે આ ઝાંઝરને સુવાની ગોદડીની નીચે સંતાડી દીધું, ને પછી રોજ રાતે છાનીમાની એની સાથે રમી ને હરખાઈ લેતી હતી.

એનો ભાઈ કનુ રોજ એની આ હરકત જોઈ રહેતો હતો. એક સાંજે રૂખી ઘરે આવીને જોયુ તો ઝાંઝર ગાયબ થઈ ગયું હતું. અને એનો ભાઈ પણ રાત થવા આવી હોવા છતાં નહોતો આવ્યો. એને વહેમ પડ્યો કે ચોક્કસ એનો ભાઈ ચોરી ગયો હશે.

એ એના ભાઈને શોધવા નીકળી. ચાર રસ્તા પર ટોળું જામેલું હતું. એનો ભાઈ રડતો રડતો કહેતો હતો કે “સાહેબ મેં ચોરી નથી કરી, હું તો આ ઝાંઝર જેવું જ બીજું ઝાંઝર ખરીદવા આવ્યો હતો. હું દુકાનમાં હજુ તો પ્રવેશ્યો ત્યાં જ મને વોચમેને પકડીને બહાર કાઢ્યો. હું એને દાગીના ખરીદવા જેવો ગ્રાહક નહિ લાગ્યો. એણે મારા હાથમાં ઝાંઝર જોઈને મને ચોર સમજી મારવા લાગ્યો ને પોલીસને એટલે કે તમને બોલાવી લીધા.”

એટલામાં રૂખી ત્યાં પહોંચી ગઈ અને એણે કહ્યું કે “હા મારુ જ ઝાંઝર છે. ભાઈલા તું એ લઈને કેમ આવ્યો હતો?”

ભાઈએ કહ્યું કે “બહેન બે દિવસ પછી રક્ષા બંધન આવે છે તો હું તારા જેવું જ બીજુ ઝાંઝર ખરીદીને તને ભેટ આપવા નો હતો.” અને એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.

એટલામાં પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરી લીધા ને રુખીના ભાઈને નિર્દોષ છોડી દીધો. ભાઈ બહેનનો આવો નિઃસ્વાર્થ પ્રેમ જોઈ જવેલર્સ પણ પીગળી ગયો ને એણે એના ભાઈને નોકરીએ રાખી લીધો ને ઝાંઝરની જોડ પુરી કરી આપી રુખીને. રુખીનું દિલ ઝાંઝરના ઝણકાર થી ઝંકૃત થઈ ગયું.

-દિલીપ વી ઘાસવાળા

Categories: Dilip Ghaswala

Leave a Reply