Asim Bakshi

કદર

ટૂંકી વાર્તા : “કદર”

સંદીપ ડાઇનિંગ ટેબલ પર બેસીને ચાહ નો આનંદ માણી રહ્યો હતો. રવિવાર હતો એટલે આરામ હતો. “આજે દૂધી ચણાની દાળ બનાવજે.” સંદીપે એની પત્ની મીના ને કહ્યું.

મીનાએ તરતજ છણકો કરતા કહ્યું “એક કપ ચાહ નથી બનાવતા અને રોજ રોજ ઓર્ડર કરીને નવી નવી વાનગીઓ ની ફરમાઈશ કર્યા કરો છો; આજે રવિવાર છે આજે તો બહાર ફરવા જમવા લઇ જાઓ.”

સંદીપે કહ્યું “સાંજે જઈશું, હમણાં તો જમવાનું બનાવી લે.”

સંદીપ ધીરેથી ઉઠીને બાલ્કનીમાં હિંચકા ઉપર ગોઠવાઈ ગયો. સાંજે બહાર જમ્યા સન્ડે પૂરો થયો. બીજા દિવસે સંદીપ એની ઓફિસ માં બેઠો હતો ત્યાંજ મીના નો ફોન આવ્યો, કણસતા અવાજે બોલી “જલ્દી આવો મારો એક્સિડન્ટ થયો છે.”

સંદીપ ગભરાઈને તરતજ ભાગ્યો અને જોયું તો મીના ના એક્ટીવાનો એક્સિડન્ટ થયો હતો અને મીનાને ડોક્ટરને ત્યાં લઇ જવામાં આવી હતી. ડોકટરે કહ્યું કે “મીના ના જમણા પગમાં અને ડાબા હાથે ફ્રેક્ચર છે તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરી દો.”

મીના ને ૨૦ દિવસનો બેડરેસ્ટ કરવાનું કહ્યું. ઘરમાં ફક્ત મીના સંદીપ અને એમનો દીકરો મનીષ હતા. મીના ઘરે આવી અને પલંગ પર સુતા સુતા કેહવા લાગી “હવે ઘર કોણ સંભાળશે? દીકરાની સ્કૂલ, રસોઈ, કપડાં વિગેરેનું ધ્યાન કોણ રાખશે?”

સંદીપે કહ્યું “ફિકર ના કર મેં ૧ મહિના ની રજા લીધી છે. તું આરામ કર.”

મીના કટાક્ષમાં હસી અને આંખ બંધ કરીને સુઈ ગઈ. બીજા દિવસથી સંદીપે ઘરનો કારોબાર ઉઠાવી લીધો. સવારે મનીષને તૈય્યાર કરીને નાશ્તાના ડબ્બા સાથે સ્કૂલ મોકલીને મીના માટે વેજીટેબલ સૂપ બનાવી આપ્યો અને બે શાક દાળ અને ભાત બનાવી નાખ્યા. મીના સુતા સુતા બધું જોતી હતી અને સંદીપની કુનેહ અને આવડત જોઈને દંગ રહી ગયી. જમવાનું પણ ખુબ સ્વાદિષ્ટ હતું.

૧૫ દિવસમાં તો મીના માનતી થઇ ગઈ કે એના કરતા સારી રીતે સંદીપ ઘર ચલાવતો હતો. એકદિવસ સંદીપે એના હાથેથી મીનાને જમાડી; ભીની આંખે મીનાએ પૂછ્યું “આટલું સરસ જમવાનું કેવી રીતે તું બનાવી લે છે?”

સંદીપે કહ્યું કે “પપ્પા ની ટ્રાન્સફરેબલ જોબ હતી અને એક વખતે મમ્મીની તબિયત ખુબ બગડી હતી ત્યારે પપ્પાએ રજા મૂકીને ઘરનો કારોબાર ચલાવ્યો હતો અને મેં પપ્પાને ખુબ મદદ કરી હતી તે આજે કામે લાગી. મમ્મી ના શબ્દો હજુ કાનમાં ગુંજે છે “જે પત્ની પોતાના વર ની “કદર” કરે એ ખરેખર ખુબ નસીબદાર હોય છે!” મીનાનો દુખાવો ધીરે ધીરે દૂર થવા લાગ્યો !!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply