Asim Bakshi

પ્રમાણિક

વાર્તા : “પ્રમાણિક”

કેશવ વજીફદાર, ખુબ સાદગી પસંદ, હોશિયાર, પ્રામાણિક માણસ. રાષ્ટ્રીયકૃત બેન્કમાં મેનેજર હતા અને એમની કુનેહ માટે એમને હંમેશા લૉન ડિપાર્ટમેન્ટ માં સ્ક્રૂટિની ઓફિસર તરીકે રહેતા. કેશવ ની બદલી મુંબઈ ખાતે વાલ્કેશ્વર જેવા નીઓ રિચ એરિયામાં થઇ અને ત્યાં પણ લોન ડિપાર્ટમેન્ટ માં થઇ. એ બ્રાન્ચ માં મોટા મોટા બિલ્ડર્સ, ઝવેરીઓ અને બિઝનેસમેનના ખાતા હતા. કેશવ ખુબ ચીવટાઈ થી કામ કરે અને લગભગ બધાનેજ ખબર કે આ માણસ જુદી માટીનો છે અને કોઈ દિવસ લાંચ રુશ્વત નહિ લેશે.

સખારામ કેશવ સાહેબનો પ્યુન હતો, એ પણ ખુબ પ્રામાણિક અને કોઈ દિવસ લાલચ કરે નહિ . કેશવને પણ સખારામ જોડે ખુબ ફાવે અને અવારનવાર સખારામના ટિફિનનું જમી પણ લે. બેન્કના અન્ય સટાફને આ બધું બહુ ખૂંચે.

એક દિવસ જનરલ મેનેજર સાહેબે કેશવને બોલાવ્યા અને કહ્યું કે “કાલે તમારા ટેબલ પર A star ડાયમન્ડ કંપની ની ફાઈલ આવશે, ૧૫૦ કરોડની લોન પ્રપોઝલ છે.”

કેશવ “જી સાહેબ” કહીને કેબીન ની બહાર નીકળી ગયા .

બીજા દિવસે ફાઈલ ચેક કરી તો એમને ઘણી બધી ક્ષતિઓ દેખાઈ અને એમને નોટિંગ મૂકીને સખારામ ને કહ્યું કે “ફાઈલ ઉપર સાહેબને પરત કરી દો.”

બે દિવસ થયા એટલે પ્યુને આવીની કહ્યું કે “પેલી લોન વળી કંપનીના સી.એ. સાહેબ મળવા આવ્યા છે.”

કેશવે એમને બેસાડ્યા, સી.એ. સાહેબે કેશવને બહુ સમજાવ્યા પણ કેશવે વિનમ્રતા થી ના કહી અને કહ્યું “આ ફાઈલ પર હું સહી નહિ કરું.”

સી.એ. સાહેબે ધીરેથી કહ્યું “સાહેબ તમારું કામ પણ થઇ જશે; બોલો કેટલા મોકલું?”

કેશવે ચશ્માં ઉતારીને કહ્યું “ભાઈ મને કોઈ લાલચ નથી, તમે મહેરબાની કરીને ચાલ્યા જાવ.”

સી.એ. સાહેબે ધમકી ભર્યા સ્વરે કહ્યું “સાહેબ અમારા શેઠ શ્રી નિકુંજ ઝવેરીને ઓળખતા નથી, તમને મુશ્કેલીમાં મૂકી દેશે.”

કેશવે કહ્યું “ભાઈ હું ભગવાન સિવાય કોઈનાથી ડરતો નથી.”

સી.એ. સાહેબ ધૂઆં પૂઆં થઈને બહાર નીકળી ગયા. કેશવને ખબર પડી કે મોટા સાહેબે તથા અન્ય સ્ટાફે ખુબ રૂપિયા લઇ લીધા છે. કેશવ પર ખુબ દબાણ થવા લાગ્યું પણ કેશવ ટસ ના મસ ના થયા. આખરે કેશવ ને અંજાર કચ્છ ખાતે બદલી કરી નાખવા માં આવ્યા.

બે વર્ષ થયા હશે એ વાતને, એક દિવસ એક પોલીસ વાળો એક ભાઈને લઈને બેન્ક પર આવ્યા અને કહ્યું “આ CBI ના સાહેબ છે અને તમને મળવા માંગે છે.”

કેશવે એમને આવકાર્યા અને બેસાડ્યા. પેલા ભાઈએ કહ્યું “હું CBI ઇન્સ્પેક્ટર શર્મા છું અને તમારું સમન્સ છે, તમારે A star કંપની ના લોન કૌભાંડમાં મારી સાથે મુંબઈ આવવું પડશે.”

કેશવે કહ્યું “ઠીક છે સાહેબ હું આજેજ તમારી સાથે આવું છું.”

શર્મા સાહેબ કેશવની ધીરજ અને શાંતિ જોઈને અચંબા માં પડી ગયા અને કહ્યું “ભાઈ તમને સહેજ પણ ડર કે બીક નથી લાગતી?”

કેશવે કહ્યું “હું ફક્ત ભગવાનનો ડર રાખું છું, ચાલો જઈએ.”

શર્મા સાહેબ ચુપચાપ કેશવને લઈને મુંબઈ રવાના થયા. મુંબઈમાં કેશવ ને CBI ના જોઈન્ટ ડિરેક્ટર સામે પેશ કરવામાં આવ્યા. સાહેબે કેશવને પૂછ્યું “કેટલા રૂપિયા લીધા હતા લોન પાસ કરવા માટે?”

સહેજ પણ વિચલિત થયા વિના કેશવે કહ્યું “સાહેબ લોન પાસ ની ફાઈલમાં મારી સહી બતાવો.”

સાહેબે ફાઈલ કાઢી અને સહી વાળું પાનું ખોલ્યું અને કેશવને બતાવ્યું. કેશવે જોયું કે કોઈએ એની બનાવટી સહી કરી છે. કેશવ સહેજ ધ્રુજી ઉઠ્યા અને સાહેબને કહ્યું “સાહેબ આ મારી ફોર્જ્ડ સહી છે, સાહેબ ખરેખર મને ફસાવી દેવા માં આવ્યો છે.”

મોટા સાહેબે કહ્યું “બધાજ ગુનેગારો આવી વાતો કરતા હોય છે, થોડી વાર બાજુ પર બેસો એમ કહીને ઇન્સ્પેકટર ને કહ્યું કે “પેલા પ્યુન ને બોલાવો.”

બારણું ખુલ્યું અને સખારામ દાખલ થયો એની નજર કેશવ પર પડી અને તરતજ મોટા સાહેબ ને કહ્યું “સાહેબ કેશવ સર બિલકૂલ નિર્દોષ છે.”

સાહેબે પૂછ્યું “તને શું ખબર છે? સખારામે ધીરેથી પોતાના થેલામાંથી એક ફાઈલ અને એક pen drive કાઢીને મોટા સાહેબના ટેબલ પર મૂકી દીધી અને કહ્યું “સાહેબ આ અસલ ફાઈલની ઝેરોક્સ છે જેમાં કેશવ સરનો નેગેટિવ રિપોર્ટ છે અને આ pendrive માં ક્લોસ સર્કિટ કેમેરા ની કલીપ છે જેમાં કેશવ સર ની બનાવટી સહી કરતી વેળાની તસવીરો છે જે કેશવ સર ની ટ્રાન્સફર થઇ ગયા પછીની તારીખ દર્શાવે છે; સાહેબ મને હતુજ કે નિકુંજ શેઠ અને અમારા બેન્કના માણસો મળીને કેશવ સાહેબને ફસાવશેજ એટલે આટલી તકેદારી રાખીને આ પુરાવાઓ સાચવીને રાખ્યા હતા.”

મોટા સાહેબે બધા પેપર્સ ચેક કર્યા અને pendrive જોઈને મૂછ માં હસીને બોલ્યા ” યુ આર રાઈટ મિસ્ટર કેશવ; આ તમારા ઉપરી અને નિકુંજ શેઠની મિલી ભગત છે. યુ કેન ગો નાઉ.”

કેશવે હળવો શ્વાસ લીધો, ભીની આંખે સખારામને ગળે લાગ્યા અને કેબીનની બહાર નીકળી ગયા. કેબીનની બહાર બ્રાન્ચ મેનેજર, નિકુંજ શેઠ એમનો સી.એ. અને બેન્કના બીજા ચાર પાંચ લોકો બેન્ચ પર બેઠા હતા. કેશવે પેહલી આંગળી ઊંચી કરીને કહ્યું “ભગવાન હંમેશા સત્ય અને પ્રામાણિક માણસ સાથે હોય છે, હવે ખોટું કરેલું ભોગવજો !!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply