(ગાલગાગા × ગાલગાગા × ગાલગાગા ×ગાલગા)
ભેજ છે જે કાષ્ઠમાં એને જલાવી નહિં શકો,
કોતરાયું કાળજે એને છુપાવી નહિં શકો,
હાથ ઝાલીને હરિનો નાવ જે હંકારતા,
લાખ કોશિશો કરો એને ડુબાવી નહિં શકો,
ડંખ લાગ્યા જે કળીને બાગના ભમરા થકી,
કેટલું જળ સીંચશો એને સજાવી નહિં શકો,
આવતી આફત બધી કળ કે બળે ટાળો તમે,
કર્મમાં માંડેલ છે એને ફગાવી નહિ શકો,
સત્ય છે એ જીતશે માની ઉતર્યા હોડમાં,
ક્રિષ્નને તો કાળિયાથી પણ મરાવી નહિ શકો?
મોત લઇને મુઠ્ઠીમાં સરહદ ઉપર જે જાગતાં,
વીરને એ બોમ્બમારાથી ડરાવી નહિ શકો,
જે સ્વજનને જીતવા ગમતી કરે છે હાર ને,
છે ધરાના ઓલિયા એને હરાવી નહિ શકો.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat