Asim Bakshi

જાત્રા

ટૂંકી વાર્તા : “જાત્રા”

સુશીલ અને નીલિમા બંને નું લગ્ન જીવન ખુબ સુખી. બે બાળકો, બંને હોશિયાર, અને સંસ્કારી. દાદા દાદી પણ સાથે જ રહે, એક હર્યું ભર્યું ઘર હતું એમનું. રાત્રે બધા સાથે જમવા બેઠા ત્યારે સુશીલે કહ્યું “આ વખતે વેકેશનમાં વૈષ્ણવ દેવી ની જાત્રા કરવા જવાનું નક્કી કરું છું, આ વખતે આપણે બધાજ સાથે જવાનું છે.”

જમવાના ટેબલ ઉપર ખુશી નું મોજું ફરી વળ્યું. સુશીલે કહ્યું કે “આશરે એક લાખ રૂપિયા નો ખર્ચ થશે પણ મારા બચતના પૈસાથી આરામથી જવાશે.” બધાજ વેકેશન ક્યારે આવે તેની રાહ જોવા લાગ્યા.

સુશીલના એપાર્ટમેન્ટમાં શાકભાજી વેચવા માટે યુનુસ ચાચા આવતા હતા અને એમની સાથે એમનો ૫ / ૬ વર્ષ નો પૌત્ર પણ આવતો હતો; આખા એપાર્ટમેન્ટ વાળા સાથે યુનુસ ચાચાને ખુબ ફાવતું અને હંમેશા એ બધા ની ખબર અંતર પૂછતા રહેતા; અને ખાસ કરીને નીલિમા અને દાદા દાદી સાથે ખુબ લગાવ હતો.

છેલ્લા ચાર પાંચ દિવસ થી યુનુસ ચાચા દેખાય નહિ એટલે નીલિમાએ સુશીલને કહ્યું “સહેજ યુનુસ ચાચા ના ખબર લઇ આવોને, થોડી ફિકર થાય છે.”

સુશીલે કહ્યું “કાલે રવિવાર છે, હું સવારે એમના ઘરે જઈ આવીશ.”

બીજા દિવસે સુશીલ યુનુસ ચાચાના ઘરે ગયો તો યુનુસ ચાચા હાથમાં થેલી લઇને બહાર નીકળતા હતા, સુશીલ ને જોઈને કહ્યું “આવ બેટા અંદર આવ.”

સુશીલ અંદર ગયો તો ચાચા નો પૌત્ર પલંગ પર સૂતો હતો અને એના અબ્બા એના માથા પાર ઠંડા પાણીના પોતા મુકતા હતા. સુશીલનો હાથ પકડીને યુનુસ ચાચા બહાર લઇ આવ્યા અને કહ્યું “બેટા મારા પૌત્ર ને હૃદયમાં કાણું ડિટેકટ થયું છે અને એનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ છે પરંતુ એનો ખર્ચ આશરે ૩ લાખ રૂપિયા છે તે પૈકી ૨ લાખ સરકારી સહાય દ્વારા મળી જાય તેમ છે પણ બાકીનો એક દોઢ લાખ ક્યાંથી લાઉં તેની વ્યવસ્થા માં પડ્યો છું. ઘરે બધાને સલામ કહેજે.” કહીને ચાચા દવા લેવા ચાલ્યા ગયા. સુશીલ પાછો અંદર ગયો અને છોકરા ના માથા પાર હાથ મૂકીને એક લાગણી ભરી નજર દોડાવી.

રાત્રે બધા જમવા બેઠા તો સુશીલે યુનુસ ચાચાના પૌત્ર વિષે વાત કરી. બધા ગમગીન થઇ ગયા. બીજા દિવસે દાદાએ સુશીલ અને નીલિમા ને બોલાવીને કહ્યું “જો તમને યોગ્ય લાગતું હોય તો એક વાત કહું, સુશીલ તે જમા કરેલ રૂપિયા યુનુસ ચાચાને આપી આવીયે; આપણે બે ત્રણ વરસ પછી જાત્રાએ જાશું.”

નીલિમાની આંખોમાં પાણી આવી ગયા અને કહ્યું “ગઈ કાલે રાત્રેજ અમે તો નક્કી કરી લીધું હતું કે જાત્રાના રૂપિયા ચાચાને આપી દઈએ.”

સુશીલ બીજાજ દિવસે યુનુસ ચાચા ના ઘરે પોહોંચી ગયો અને જોયું તો ચાચા નમાઝ પઢીને ઉભા થયા હતા તેમના હાથમાં સવા લાખ ની રકમ આપી દીધી અને કહ્યું કે “તમારા પૌત્રનું તાત્કાલિક ઓપરેશન કરાવી દો.”

યુનુસ ચાચા ગદ્દગદ્દ થઇ ગયા અને સુશીલને ભેટી પડ્યા અને ભીના અવાજે દુઆ આપી કે “તમારા જેવા સજ્જનોને ઉપરવાળાએ ફરિશ્તાના રૂપમાં અમારા ત્યાં મોકલ્યા છે, તમારું અને તમારા ખાનદાન નું ખુબ ભલું થાય એવી દુઆ કરું છું.”

સુશીલ ઘરે ગયો તો નીલિમા હાથમાં પરબિડીયું લઈને ઉભી હતી. સુશીલે પરબીડિયું ખોલ્યું એમાં લખ્યું હતું કે “આ વર્ષે ઓફિસના બેસ્ટ કર્મચારી નો ખિતાબ તમને આપવા માં આવે છે અને બે પગારની બોનસની રકમ રૂપિયા બે લાખનો ચેક તમને મોકલવામાં આવે છે.”

સુશીલ અને નીલિમા બંને એકબીજા ને ભેટી પડ્યા અને કહ્યું “ચાલો જાત્રા ની તૈય્યારી શરુ કરી દો.”

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply