પાત્રતા પુરવાર હોવી જોઇએ
હર દશા સ્વીકાર હોવી જોઇએ
ચાલશે કેવળ ઈશારો હા વિષે
ના, ખુલાસાવાર હોવી જોઇએ
સોંસરો ઉતરી શકે ઊંડે સુધી
શબ્દને પણ ધાર હોવી જોઇએ
અર્થ અવળો થઇ શકે છે મૌનનો
વાત વિગતવાર હોવી જોઇએ
ઝાંઝવા ખળખળ નથી વહેતાં કદી
જાત મૂશળધાર હોવી જોઇએ !
હસ્તગત કંઇ હોય કે ના હોય,પણ
લાગણી ચિક્કાર હોવી જોઇએ
મૃત્યુને પણ મારવી અઘરી પડે
જિંદગી ખુંખાર હોવી જોઇએ !
Categories: Poems / कविताए