Vicky Trivedi

દરવાજો…..

યામીનું શૂટિંગ ચાલતું હતું. કોઈ સોન્ગના દ્રશ્યો લેવાતા હતા. રોમાન્ટિક સોન્ગના દ્રશ્યોમાં યામી અને તેનો સાથી કલાકાર માનવ બંને કોઈ નદી કિનારે દેખાતા હતા. કેમેરા ફોક્સ થતા હતા. ડાયરેકટર અને ટિમ અવનવા એંગલથી કેમેરા ગોઠવીને શુટિંગ કરતા હતા. દ્રશ્યમાં પ્રજાને ગમે એ પ્રકારના બોલ્ડ સીન્સ લેવાતા હતા. સોન્ગના અંતમાં રાતનો સીન હતો.

લાકડા બાળીને આગ પેટાવાઈ. નદીની રેતમાં ટૂંકા કપડામાં યામી અને તેનો સાથી કલાકાર માનવ આગની બાજુમાં બેઠા હતા. ડાયરેક્ટરે કેમેરામેનને સૂચનાઓ આપી પછી યામી અને માનવને કહ્યું કિસનો સીન છે. થોડો ઉન્માદ લાગવો જોઈએ. માનવે ડોકું ધુણાવ્યું. અને એ છેલ્લો સીન ભજવાઈ ગયો….. પણ યામીને તે કાલ્પનિક સીન વાસ્તવિક ભૂતકાળમાં લઈ ગયો. તેને અનાથ આશ્રમની ઓફીસમાં ઉભેલો નંદુ યાદ આવ્યો. નંદુએ પકડેલો હાથ યાદ આવ્યો. તેણે કરેલું ચુંબન યાદ આવ્યું. અને પછી તેના શબ્દો કાનમાં પડ્યા , “યામી તું ચિંતા ન કરતી તારા ભાઈને તારી જેમ નહિ જીવવું પડે. હું જરૂર કઈક કરીશ…..”

વર્ષો જુના એ શબ્દોમાં ડાયરેકટરના અવાજો ભળી ગયા. તે કંઈક ઉદાસ મને ઉભી થઈ અને તેના ટેન્ટમાં ચાલી ગઈ કપડાં બદલી તેના ડ્રાઈવરને સૂચના આપી અને તે તેની ગાડીમાં રવાના થઈ. ઘર આગળ જતાં ડ્રાઈવરે ગેટ ખોલ્યો અને ગાડી અંદર લીધી.

દરવાજે જઈને તેણીએ પાછા ફરીને જોયું. બંધ થઈ ગયેલા અનાથ આશ્રમના તૂટેલા દરવાજા આગળ કૂતરા ઊંઘયા હતા. તે અંદર ચાલી ગઈ. તેની મા સુઈ ગઈ હતી. તે કિચનમાં ગઈ સેન્ડવીચ બનાવી અને ખાવા બેઠી પણ ખાઈ ન શકી. તે ઉભી થઈને તેની મા સૂતી હતી એ રૂમમાં ગઈ. તેની માને બરાબર ઓઢાડીને તે બહાર આવી અને ઉપરના માળે ગઈ. ઉપરના માળની બાલ્કનીમાં તે કાયમી એક આરામ ચેર રાખતી જ્યાંથી આશ્રમનો ગેટ દેખાતો. ઘડિયાળમાં તેણીએ ટાઈમ જોયો. મોડું થઈ ગયું હતું એટલે ભાઈને ફોન કરવાનો વિચાર માંડી વાળ્યો. એ બિચારો સુઈ ગયો હશે. જયુંને ભણવા તેણીએ બહાર મોકલ્યો હતો. તે રોજ લગભગ તેને એકવાર ફોન તો કરતી જ પણ આજે મોડું થયું.

તેણીએ ગેટ તરફ ફરી નજર કરી. સિગારેટ કાઢી અને સળગાવી. ધુમાડાની આરપાર આશ્રમનો દરવાજો કાટ ખાઈ ગયેલો દરવાજો દેખાતો હતો.

મોડલિંગનું તેનું આ દશમુ વર્ષ હતું. નવ વર્ષમાં તે ખૂબ કમાઈ હતી. ચાલીના મકાન તૂટી પડ્યા હતા એ આખી ચાલી ખરીદી લીધી હતી. ચાલીમાં એક બંગલો ઉભો કર્યો હતો. વિશાળ ગાર્ડન – ગાર્ડનમાં પાર્કિંગ – બેઠકો બધું જ હતું.

પણ કશુંક ન હતું. જીવનમાં ભૂખમરો – શોષણ – ગરીબી – માનસિક ત્રાસ – એ બધા ભયાનક દિવસો ગયા હતાં. પોતે ખુદ ઘણાની નોકર હતી એને બદલે આજે તેના ઘરે પાંચ નોકર હતા. નવીન શેઠની મોટરમાં પહેલીવાર બેઠી ત્યારે તેને જાણે એમ લાગ્યું હતું કે પોતે હવામાં ઉડે છે. જાણે તે પતંગિયું છે અને હમણાં જ કોસેટોમાંથી નીકળ્યું છે. જાણે તેને પાંખો આવી છે અને તે ઉડે છે. એવી એના કરતાં પણ મોંઘી અને આરામદાયક છેલ્લી ઢબની ત્રણ ગાડીઓ તેની પાસે આજે હતી. પણ તે ઉડી શકતી નહિ. તે જાણે ઢસડાતી હતી. તેના અંગો છોલાતા હતા.

છેક છેડા સુધી સિગરેટ આવી ગઈ ત્યારે અચાનક તે સ્વપ્નમાંથી બહાર આવી. ફરી બીજી સિગરેટ સળગાવી. ફરી એ જ દરવાજા સામે તાકી રહી. ત્યાં જાણે નંદુ ઉભો હતો. સુઘડ સરળ સીધો સાદો નંદુ. ગેટના ઓટલા ઉપર પુસ્તક લઈને બેઠો નંદુ – હસતો નંદુ તેને દેખાયો. અને અચાનક ઉદાસ નંદુ તેની આંખમાં આવ્યો. છેલ્લે તેને જ્યારે જોયો હતો ત્યારે તેના હસમુખ ચહેરા પરથી સ્મિત ઉડી ગયેલું હતું. તેની આંખમાં કશુંક પ્રશ્નો હતા. પૂછ્યા વગરના રહી ગયેલા પ્રશ્નો જોકે આજે હવે યામીને સમજાતા હતા. તે હસતો ઉદાસ નંદુ તેને ત્યાં તૂટેલા ઓટલા ઉપર બેઠેલો દેખાયો. નંદુ ત્યાં જ બેસતો. સાંજના પોણા છથી સવા છ કે છને વીસ સુધી તે ત્યાં બેસી રહેતો.

આ રોજની ઘટના હતી. ચાલીની પાસે મ્યુઝીક ડાયરેકટર નવીનનું મોટું મકાન હતું. યામી તેના ઘરનું કામ કરીને આવતી. બરાબર છ સવા છ થયા હોય ત્યારે તે પાછી આવતી. નંદુ પણ તેની નોકરીથી સાડા પાંચે આવતો. હાથ મો ધોઈને પાછો અનાથ આશ્રમના દરવાજે આવીને પોણા છ વાગ્યે બેસી જતો. હાથમાં કશુંક ચોપડી રાખતો પણ નજર સામે દેખાતા ચાલીના હરોળમાં ઉભેલા ઓરડાઓ તરફ રહેતી. છ કે છ ને પાંચ થાય એટલે યામી ચાલીમાં પાછી ફરતી. રસ્તાના વળાંકે આંબાનું ઝાડ હતું એની ડાળીએ ઝૂલતા એક પાનને તોડવા તે કુદતી અને નંદુ તે જોતો. પાન હાથમાં રાખી તે ઘર સુધી જતી અને નંદુ તેને જોઈ રહેતો. ઘરના બારણે જઈને તે પાછું ફરીને આશ્રમના દરવાજે જોઈને હસતી. સામે નંદુનો હસમુખો ચહેરો પણ હસતો દેખાતો.

પણ ઘરમાં જતા જ તેનું સ્મિત ઓગળી જતું. તેની વિધવા મા ખાટલામાં સૂતી હોય. બીમાર અશક્ત મા અંધારીયા ઓરડામાં જાણે મોતની રાહ જોતી હોય. ના સમજ જયું અંદર તેના ઢીંગલા ઢીંગલીથી રમતો હોય.

“યામી આવી…..” યામીને જોતા તે બોલતો , “ભૂખ લાગી છે મને……”

“લે તું ચોકલેટ ખા……” કહીને તે નાના ભાઈને ચોકલેટ આપતી, “એટલામાં હું ચા બનાવું……”

“બેટા આવી……” એટલી વારમાં અશક્ત મા ખાટલામાં બેઠી થતી, “આ છોકરો ક્યારનો ખાવું ખાવું કરે છે…..”

“બસ મા બે મિનિટમાં બનાવી દઉં…….”

પણ બનાવવાનું શું હોય. કોઈ દિવસ ખીચડી. કોઈ દિવસ સવારની ખીચડીને વધારવાની. કોઈ દિવસ ટોસને ચા…..

એક તરફ નવીન શેઠની મોટર તેલ બાળતી ત્યારે અહીં યામીના ઘરે ચૂલામાં નાખવા કેરોસીન નતું. તે લાકડા નાખીને આગ કરતી. ભૂગળીથી ફૂંક મારતી. ધુમાડો આંખમાં જતો અને આંખ બળતી. બીજી તરફ ભૂખ્યા ભાઈનું પેટ ભૂખથી બળતું. ત્રીજી તરફ આશ્રમની બાજુના મંદિરે ભગવાનની મૂર્તિ આગળ દિવાઓમાં ઘી બળતું.

તે ઉદાસ થતી. રાતે જયું અને મા સુઈ જતા પછી પણ તે જાગતી. તે નંદુની વાત યાદ કરતી. નંદુ કહેતો મને નોકરી તો મળી ગઈ છે હવે બસ એક બે વર્ષમાં પગાર વધશે. તું ચિંતા કરતી નહિ. અને નંદુ માત્ર બોલતો જ નહોતો. તેની માની ટીબીની દવા કરવામાં જે ખર્ચ થતો એ નંદુ જ આપતો. તે કહેતો આપણે તારા ભાઈને ભણાવીશું.

“કેટલું ભણે એને નોકરી મળે નંદુ ?” તે પૂછતી.

“એ તને નહિ સમજાય…..” યામી ચાર ભણીને કામે લાગી હતી એટલે તેને આ બધું સમજાતું નહિ પણ નંદુ છતાંય કહેતો , “મારાથી પણ વધારે ભણાવીશું એને મોટો ઓફિસર બનાવીશું…..”

“નવીન શેઠ જેવો મોટો ?” તે પૂછતી. કારણ તે નવીન શેઠને ભણેલો ગણેલો ઓફિસર સમજતી. તેને એ ખબર નહોતી કે નવીન શેઠ સાત પેઢીથી શેઠ હતો તેને કે તેના ખાનદાનમાં કોઈને ભણવાની છૂટ નહોતી.

થોડીવાર નંદુ હસી જતો , “અરે ગાંડી એ નવીન શેઠ ભણેલો નથી….. એ તો ખાલી મ્યુઝીક ડાયરેકટર છે….. પૈસા છે એની પાસે……” પછી તે આનંદમાં જ તેને નજીક ખેંચીને કહેતો , “તું ખૂબ ભોળી છો……”

ને યામી ખરેખર ભોળી હતી. તે માથું ઓળતી ફુટેલા કાચમાં જોતી પણ તે માત્ર ચોટલો બનાવવા તેને ખબર નહોતી કે તે રૂપાળી છે. તેને ખબર નહોતી કે તેના શરીરમાં ફેરફાર થાય છે. તેને બસ સવારથી સાંજ ત્રણ વિચાર આવતા. નંદુને જોવાનું. મા ને દવાઓ આપવાનું અને જયુંને જમાડવાનું. તે ખુશ હતી. તેને આ બધાનું દુઃખ નહોતું એવું ન’તું પણ આ જ તેની કિસ્મત છે એવું તે માનતી. અને નંદુ ઉપર તેને ભરોસો હતો. નંદુએ જ જયુંને નિશાળે બેસાડ્યો હતો. નંદુએ જ તેને જરૂરી વસ્તુઓ લાવી આપી હતી.

પણ દિવસો હજુ વધારે ખરાબ લખેલા હતા….. તેની મા સાજી થતી નહોતી. જયું હવે ખીચડી ખાઈને થાક્યો હતો. તે ઘણીવાર ખાધા વગર સુઈ જતો.

એવામાં નંદુ પણ મહિના માટે બહાર ગયો હતો. તે જ્યાં નોકરી કરતો એ શેઠના કામે તેને બહાર જવાનું થયું હતું. નંદુ વગર તેને હમણાં કોઈ હિંમત આપવાવાળું નહોતું. તે વિચારોમાં ખોવાતી.

એક દિવસ તે નવીન શેઠના ઘરે કામે ગઈ હતી. તે કામ કરતી હતી અને નવીન શેઠની નજર તેના ઉપર પડી. તે અહીં વર્ષોથી કામ કરતી. પણ હવે તે મોટી થઈ હતી. અચાનક જ નવીન શેઠની આંખમાં તેના અંગો દેખાયા.

તે કામ કરીને નવીન શેઠ પાસે પૈસા માંગતી હતી ત્યારે નવીને કહ્યું , “તારે પૈસા કમાવા છે ઘણા બધા ?”

“એટલે શેઠ ?”

“એટલે તારે હિરોઇન બનવું છે ?” નવીન શેઠ તેના શરીરને જોતા જોતા બોલ્યો હતો.

“હિરોઈન ટીવીમાં આવે એવી ? હું ?” તે કૈક નવાઈથી બોલી હતી.

“હા એવી…..”

ને બસ એ દિવસથી તેનું જીવન પેલો ભૂખમરો પેલી માનસિક ત્રસ્ત અવસ્થા બધું વિખેરાવા લાગ્યું….. નવીન શેઠ તેને પૈસા આપવા લાગ્યો. તેના ભાઈને ભણાવવાની વાતો તેની ચાલીનું મકાન બદલવાની વાતો. તેને સારા કપડાં આપવાની વાતો. તેની માની દવાઓની વાતોમાં….. ને એ બધાને બદલે યામી સાથે શેઠ મસ્તી કરતો. ધીમે ધીમે તેના શરીર સુધી…..

******

ચાલીનું મકાન બદલાયું હતું. તેની મા થોડી ઠીક થઈ હતી. ભાઈની થાળીમાં ખીચડીને બદલે શાક રોટલી પડવા લાગી હતી. બીજા ઘણા બદલાવ આવ્યા હતા….. અને એમાં સૌથી મોટો ફેરફાર એ હતો કે પરણ્યા વગર પણ યામી હવે કુંવારી નહોતી……

એક દિવસ નંદુ પાછો આવ્યો. નંદુના સમાચાર સાંભળતા જ યામી તેને મળી હતી. નવા સુંદર કપડામાં યામીને જોઈને નંદુ હેબતાઈ ગયો હતો. તે સુંદર લાગતી હતી એટલા માટે નહીં પણ તે જાણે એ યામી હોય જ નહીં. તેના ચપ્પલ પણ નવા હતા. નંદુ સમજદાર હતો. દુનિયા તેણે જોઈ હતી. તેને ખબર હતી યામી જાતે આટલું કમાઈ ન શકે. અને દુનિયામાં કોઈ માનવ એટલો દયાળુ તેણે હજુ સુધી જોયો ન હતો જે આવી દયા કોઈ ઉપર વગર મતલબે કરે.

“તું આ કપડાં ક્યાંથી લાવી ?” તેણે પૂછ્યું હતું.

“અરે આ કપડાં જ નહીં નંદુ ચાલીનું મકાન પણ બદલ્યું છે. હવે તો સારા ઘરમાં રહીએ છીએ…..” તે હસીને બોલતી ગઈ. ઘણું બધું બોલતી ગઈ. મહિનામાં શું શું થયું એ બધું જ. સિવાય કે નવીન શેઠના ઓરડામાં થયેલા કામ. તે સિવાયનું બધું જ યામી બોલતી ગઈ.

“પણ આ બધું…..?” નંદુ નવાઈથી બોલ્યો પણ તે વાક્ય પૂરું કરે તે પહેલાં જ યામી બોલી , “પેલા નવીન શેઠ ખરાને……”

બસ પછી નંદુને કઈ સાંભળવાનું રહેતું નહોતું. નવીન શેઠને તે બરાબર ઓળખતો હતો. તે આવી રૂપાળી છોકરીઓને મોડેલ બનાવતો અને તેના બિસ્તર ગરમ રાખતો… એ બધું નંદુ જાણતો હતો…

નંદુનો ચહેરો પડી ગયો. તે કશું બોલ્યા વગર ઉભો રહ્યો.

“શું થયું અચાનક આમ કેમ આજે ઉદાસ છે નંદુ ?”

“ના બસ હું થાક્યો છું એટલે……” તેણે વાત ટાળી હતી…..

ત્રણેક અઠવાડિયા નંદુ વિચારોમાં રહ્યો હતો. યામીએ કામ કરવાનું બંધ કર્યું હતું. તેના નવા મકાને નવીન શેઠની મોટર તેને લેવા મુકવા આવતી એ તે જોતો….

ને એક દિવસ તેણે તેના કપડાં અને સામાન પેક કર્યો. વહેલી સવારની બસમાં તે શહેર છોડીને રવાના થયો…..

******

યામી બસ એ જ યાદો તાજી કરતી ખુરશીમાં બેઠી હતી. જીવનના ઘણા દરવાજા ખોલવામાં એક મુખ્ય દરવાજો કાયમ માટે બંધ થઈ ગયો…..

તેણીએ ચોથી સિગરેટ સળગાવી. થાકીને હારીને ફરી માથું ખુરશીમાં ટેકવ્યું. તેના ચહેરા આગળ ઉડતા સિગરેટના ધુમાડામાં તેનો ભૂતકાળ જાણે રડતો રડતો ઉડતો હતો….. આ ભયાનક દુનિયાના ભયાનક ચહેરાઓ વચ્ચે તે હવે સુખી જીવતી હતી પણ એ બધા ચહેરાઓથી તેને હવે સુગ ચડતી હતી….. ને એટલે જ એક ચહેરો તેને કાયમ પેલા દરવાજા આગળ દેખાતો….. નંદુ…… પણ નંદુનો એ ચહેરો હવે હસમુખ નહોતો……

******

લેખક : વિકી ત્રિવેદી

Categories: Vicky Trivedi

Leave a Reply