Asim Bakshi

સારવાર

ટૂંકી વાર્તા : “સારવાર”

૧૦ વર્ષ નો ચિન્ટુ રમતો રમતો ઘર માં પ્રવેશ્યો, એને જોઈને એના પપ્પા મમ્મી, નિલેશ અને અનુપમા એક નિસાસો નાખી ગયા. ચિન્ટુ એના રૂમ માં ગયો એની પાછળ એના મમ્મી પપ્પા પણ ગયા.

ચિન્ટુ ચોપડી વાંચવા માં મગ્ન હતો ત્યાં એના પપ્પાએ કહ્યું “બેટા તને શું થાય છે, કેમ તું આવું વર્તન કરે છે, કાલે તારા મિત્રો પણ તારી ફરિયાદ કરતા હતા , તને કોઈ તકલીફ હોય તો અમને જણાવ અમે તને બધી મદદ કરીશું.”

ચિન્ટુએ નજર ઊંચી કરી અને પાછો વાંચવામાં મશગૂલ થઇ ગયો. મમ્મી-પપ્પા એનો રૂમ છોડી ને જતા હતા ત્યાંજ ચિન્ટુ ના દાદા ચિન્ટુના રૂમ માં ગયા અને રૂમ બંધ કરી દીધો. નિલેશ અને અનુપમાએ નક્કી કર્યું કે ચિન્ટુ ને કોઈ મનોચિકિત્સક ને બતાવીએ. દાદાએ બહુ સમજાવ્યા કે એવી કોઈ જરૂર નથી પણ બીજા દિવસે નિલેશ અને અનુપમા ચિન્ટુને લઇ ને ડોક્ટર પાસે ગયા.

ડોક્ટર અજય ખુબજ ખ્યાતનામ હતા એમને ત્રણેય સામે બેસાડી ને નિલેશ અને અનુપમાને પૂછ્યું “શું થાય છે તમારા દીકરાને?

નીલેશે કહ્યું “ડોક્ટર સાહેબ એ આખો દિવસ મોહોલ્લામાં રમ્યા કરે છે અને ઘરે આવીને ચોપડીઓ વાંચે છે, મોબાઈલ કે ઈન્ટરનેટ કે વિડિઓ ગેમ્સ બિલકૂલ અડકતો નથી અને મોબાઈલ લેવાની પણ ના પાડે છે, એના મિત્રો એની ફરિયાદ કરે છે. જોકે ભણવામાં ચિન્ટુ હોશિયાર છે.”

ડોક્ટરે ચિન્ટુ સામે જોયું, ચિન્ટુ પગ ઝુલાવતો ટેબલ પર પડેલું મેગેઝીન વાંચતો હતો. ડોક્ટર પૂછે એ પેહલા ચિન્ટુએ કહ્યું “ડોક્ટર સાહેબ હું ૧૫ વર્ષનો થઈશ પછીજ મોબાઈલ લઈશ.”

ડોક્ટરે હસીને કહ્યું “ઓકે બેટા તારી મરજી.” પછી નિલેશને પૂછ્યું કે “ઘરે બીજું કોણ છે?”

નીલેશે કહ્યું “એના દાદા જોડે એને બહુ ફાવે છે પણ દાદા એને કઈ કેહતા નથી.”

ડોક્ટરે કહ્યું “ચિન્ટુ બહાર જઈને ચોપડીઓ વાંચ, હમણાંજ તારા પપ્પા મમ્મીને મોકલું છું.”

ચિન્ટુ બહાર ગયો એટલે ડોક્ટરે કહ્યું “મિસ્ટર નિલેશ, ચિન્ટુને કોઈ સારવાર ની જરૂર નથી બલ્કે તમે અને તમારી પત્નીએ ઈલાજ કરાવવા જેવો છે; ચિન્ટુ ઇસ અબ્સોલ્યૂટલી નોર્મલ અને એને એના દાદા સાથેજ વધારે સમય વિતાવવા દો. અને તમે લોકોની વાતોમાં આવ્યા વગર ઘરના વડીલની વાતોને ધ્યાન થી સાંભળો.”

નિલેશ અને અનુપમા ઘરે પાછા ફર્યા, ચિન્ટુ દોડી ને દાદાના રૂમ માં ઘુસી ગયો અને બારણું બંધ કરી દીધું. બંધ રૂમ માં થી ખડખડાટ હસવાના અવાજ આવવા લાગ્યા !!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply