Dr. Vishnu M. Prajapati

હોલિકા દહન

હોલિકા દહન – વિશ્વ કલ્યાણનો સંકલ્પ

વૈદ્યરાજ અને તેમના મિત્ર શ્રીધરજી આરોગ્ય વિશેની સુખરૂપ સંભાષા કરી રહ્યા હતા. શ્રીધરજીએ આયુર્વેદ વિશે જાણવાની ઉત્સુકતાથી પ્રશ્ન કર્યો, ‘વૈદ્યરાજ, અત્યારે કોરોના વાયરસ કે અન્ય મહામારીઓના વધી રહેલા જુદા જુદા વાયરસ વિશે આયુર્વેદ શું વિચારે છે?’

‘તમે તો જાણો છો કે આયુર્વેદ ફક્ત રોગવિજ્ઞાન નથી. તે જીવન વિજ્ઞાન છે. તે ઔષધ કરતા આહાર પર અને રોગ કરતા આરોગ્ય પર વિશેષ ભાર મુકે છે.’ વૈદ્યરાજે શાંતચિત્તે પ્રત્યુત્તર આપ્યો.

શ્રીધરજીએ ફરી એજ પ્રશ્ન કર્યો, ‘હા વૈદ્યરાજ તમારી વાત સાચી પણ… આજે મહામારી અને વારંવાર માથુ ઉંચકતા જુદાજુદા રોગો સામે આયુર્વેદમાં તો વર્ણન હશે’ને ?’

વૈદ્યરાજે એક ઉકાળો તેમને પીવા આપ્યો અને કહ્યું, ‘આયુર્વેદના ગ્રંથોમાં રસાયન વિજ્ઞાન, જનપદોધ્વંસ અને પ્રજ્ઞાપરાધના જુદા જુદા વર્ણનોમાં આ તમામ મહામારીઓના વર્ણન આવી જાય છે.’

‘મને હતુ કે આયુર્વેદમાં તેનું વર્ણન અને કોઇ ઉપાય જરૂર હશે જ…!’ શ્રીધરજીને યોગ્ય જવાબ મળતા તે ઉત્સુક બની વચ્ચે જ બોલી ઉઠ્યા.

‘હા, ઉપાયો તો ઘણા છે પણ ઘણીવાર આપણે તેને પ્રમાદવશ કે પ્રજ્ઞાપરાધથી નજર અંદાજ કરતા હોઇએ છીએ. જુઓને અત્યારે ફાગણ અને ચૈત્ર માસની ઋતુસંધિ આપણે ત્યાં ચાલી રહી છે અને દરેક ઋતુસંધિ એ રોગોનો આક્રમણ કાળ હોય છે. દરેક દેશમાં પણ આ પ્રમાણે ઋતુકાળ જુદો જુદો હોય છે. જો કે આપણી પરંપરાઓ અન્ય દેશો કરતા અલૌકિક અને અદભૂત છે જેને આપણે ભૂલી રહ્યા છીએ. હિન્દુ સંસ્કૃતિ એટલે ‘सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः’ એટલે કે દરેક સુખી થાવ અને બધા રોગમુક્ત બનો તેવી વૈશ્વિક વિચારધારાની અમૂલ્ય સંસ્કૃતિ…! ભારતીય દરેક તહેવારો કે પ્રસંગોની સાથે સામાજિક અને શારીરિક સ્વાસ્થ્યનું રહસ્ય હંમેશા રહેલું છે.’ વૈદ્યરાજ અત્યારે ખૂબ ઉંડાણપૂર્વક વાત કરી રહ્યા હતા તે સમયે શ્રીધરજીએ તેમને આપેલ ઉકાળો સુખસ્વરૂપ પૂર્ણ કરી અને ફરી વૈદ્યરાજની વાતોમાં ખોવાઇ ગયા.

વૈદ્યરાજે આગળ જણાવતા કહ્યું, ‘થોડાં દિવસોમાં હોળીનો તહેવાર આવશે.. ઠેર ઠેર હોલિકા દહન થશે.. આપણી સંસ્કૃતિ વિરોધી કેટલાક તત્વો ગ્લોબલ વોર્મિંગ અને હોળીની તુચ્છ વાતો પણ કરશે…! જો કે અત્યારે કોરોના વાયરસના વિશ્વવ્યાપી ભય સામે દરેક ભારતીય એક ખૂબ મોટું કાર્ય કરીને વિશ્વને વાયરસના ભયથી મુક્ત કરાવી શકે છે..!’

‘ઓહ..! ખરેખર ? એવુ કેવી રીતે બને?’ શ્રીધરજીએ ઉત્સુકતાથી પૂછ્યુ.

‘મને હતુ જ કે તમને થશે કે, આવું કેવી રીતે બને..? એક વ્યક્તિથી શું થાય…? તો યાદ રાખો કે આપણાં પ્રાચીન ઋષિમુનિઓએ જનસમુદાયના આરોગ્ય રક્ષણ માટે વ્યવસ્થાના ભાગ રૂપે સાંઘિક તહેવારો ગોઠવ્યા છે. ફાગણ માસ પૂર્ણ થશે અને ચૈત્રમાસના પ્રારંભે ઋતુસંધિ યોગ થાય છે… આ ઋતુસંધિ એટલે સર્વાધિક દોષો અને રોગો પેદા થવાનો સમય…! ઠંડી ધીરે ધીરે જાય અને ગરમીનું આગમન થવા લાગે.. આ સમયે શરીરનો કફદોષ તથા અલ્પ વાયુ દોષ બગડેલો હોય છે અને આ દૂષિત કફ એટલે કે દૂષિત રસ ધાતુ, જેને આધુનિક સમયમાં વાયુ-રસ કે વાયરસના નામે પણ ઓળખી શકાય…! આ સમયે સમગ્ર જનસમુદાયને સંક્રમિત કરતા વાયરસને નેસ્તનાબુદ કરવા જ હોલિકા દહન એક સર્વાધિક અસરકારક ઉપાય છે.’

‘અરે હોલિકા દહન તો થઇ પૌરાણિક વાત…! તેનાથી શું ફર્ક પડે?’ શ્રીધરજીએ પૂછ્યું.

શ્રીધરજીની વધતી ઉત્સુકતાને સંતૃપ્ત કરવા વૈદ્યરાજે જણાવ્યું, ‘સમગ્ર વાતાવરણને શુદ્ધ કરવા વૈદિક પરંપરામાં યજ્ઞનું પ્રયોજન છે.. અને વૈજ્ઞાનિક રીતે પણ યજ્ઞના પરિણામોના સફળ પ્રયોગો થઇ ચુક્યા છે… ઘરમાં થતો એક નાનો ઘીનો દિવો પણ અનેક વિષાણુઓને દૂર રાખે છે તો મહાયજ્ઞથી તો વાતાવરણના વિશાળ ભાગને શુધ્ધ કરી શકાય એ સમજી શકાય તેવી વાત છે. જો કે મહામારી કે ઋતુસંધિ વખતે એકસાથે યજ્ઞ કરવું શક્ય ન હોવાથી હોલિકા દહન જેવા મહાયજ્ઞનું આયોજન પણ એક આરોગ્યલક્ષી મહાયજ્ઞની જ વ્યવસ્થા છે. આ મહાન સંકલ્પના ફક્ત ભારતીય વૈદિક પરંપરામાં જ છે. બીજા શબ્દોમાં કહુ તો ભારતીય તહેવારો એટલે મોજમસ્તી જ નહિ પણ માનવ કલ્યાણનો વિચાર છે. અત્યારે આપણે જ્યારે કોરોના વાયરસનો ખૂબ ખોફ ભોગવી રહયા છીએ ત્યારે આ વખતે હોલિકા દહન વખતે એક ભારતીય તરીકે વિશેષ ભૂમિકા અદા કરીએ તો ખરેખર એક ઉપકારાત્મક કાર્ય થશે.’

‘પણ કેવી રીતે ? અને તેમાં શું કરવું જોઇએ ?’ શ્રુતધર બની ચુકેલા શ્રીધરજીએ વચ્ચે પ્રશ્ન કરી લીધો.

વૈદ્યરાજે પોતાની જ્ઞાનગંગા ફરી આગળ વહાવી, ‘આયુર્વેદના મહાન ગ્રંથ સુશ્રુત સંહિતામાં કહ્યું છે કે,
ततो गुग्गुल्वगुरुसर्जरसवचागौरसर्षप
चूर्णैर्लवणनिम्बपत्रविमिश्रैराज्ययुक्तैर्धूपयेत् |
आज्यशेषेण चास्य प्राणान् समालभेत ||१८||
उदकुम्भाच्चापो गृहीत्वा प्रोक्षयन् रक्षाकर्म कुर्यात्; तद्वक्ष्यामः- ||१९||
(સુશ્રુત સંહિતા)

અર્થાત ગુગળ, અગુરૂ, રાળ, ઘોડાવજ, સરસવ, સિંધાલૂણ, કડવા લીમડાના પાન અને શુધ્ધ ગાય નું ઘી સરખા ભાગે મિક્સ કરીને હોળી માં હોમવાથી મહામારીના વાયરસ સામે રક્ષણ મળે છે… આપણે સૌ હોલિકા દહન વખતે ઉપરોક્ત વસ્તુઓની આહુતિ અવશ્ય આપીએ તો વિશ્વ કલ્યાણમાં ભાગીદાર બની શકીએ તેમ છીએ.. સાથે સાથે હોલિકા દહનમાં કપૂરની આહુતિથી પણ વાતાવરણ શુધ્ધ બનશે.’

વૈદ્યરાજ પાસેથી સમ્યકજ્ઞાન લીધા પછી શ્રીધરે વિશ્વાસપૂર્વક કહ્યું, ‘હું તો અત્યારે જ સંકલ્પ કરુ છું કે આ વખતે હોલિકા દહનમાં આપના કહ્યા મુજબ જ આહુતિઓ આપીને વિશ્વ કલ્યાણનું કાર્ય કરીશ. તમે સાચુ જ કહ્યું હતુ એમ જ એક એક વ્યક્તિ આ રીતે વિચારશે તો સામુહિક શ્રેષ્ઠ કાર્ય થશે.’ શ્રીધરજીને તો જાણે જ્ઞાનનો ભંડાર મળી ગયો હોય તેમ તરોતાજા બની ગયા હતા.

‘વૈદ્યરાજજી, મને એમ કહેશો કે વાયરસ માટે માસ્કનું આયુર્વેદમાં કોઇ વર્ણન છે?’ શ્રીધરજી આજે અનેક સવાલ કરી રહ્યા હતા.

શ્રીધરજીની વાત સાંભળતા જ વૈદ્યરાજ હસી પડ્યા અને બોલ્યા, ‘આ તમને અત્યારે જે ઉકાળો પીવરાવ્યો તેનાથી ફક્ત તમારા મોં પરનું નહી પણ આખા શરીરનું સુરક્ષાકવચ બની જશે એટલે તમે કો-રોનાનું રોવાનું છોડીને નિશ્ચિંત બની જાવ…!’ વૈદ્યરાજની વાત પૂર્ણ થતાં જ બન્ને એકસાથે ખડખડાટ હસી પડ્યા.

*******

લેખક : વૈદ્યરાજ વિષ્ણુ એમ.પ્રજાપતિ
આયુર્વેદાચાર્ય, કામદાર રાજ્ય વિમા યોજના, કડી

Leave a Reply