Asim Bakshi

ગજરો

ટૂંકી વાર્તા : “ગજરો”

રૂપેશ અને પુષ્પા અઠવાડિયામાં ત્રણ ચાર વખત રાત્રે જ્યુસ પીવા નીકળે અને ચોપાટીના સિગ્નલ પાસે ગંગામાસી મોગરા જુહી ચમેલી ના ગજરા વેંચે, પુષ્પા તેની પાસે થી અચૂક એક ગજરો ખરીદે. હવે તો ગંગા માસી પણ બંનેને ઓળખતા થઇ ગયા અને સિગ્નલ ચાલુ થાય ત્યાં સુધી વાતો કરે. પુષ્પા પણ પોતાના જૂની સાડી કપડાં ગંગા માસીને આપતી.

એક દિવસ પુષ્પા ની તબિયત ખરાબ થઇ અને ખુબ ગંભીર રીતે માંદી પડી ગઈ. રૂપેશે એને હોસ્પિટલ દાખલ કરી પણ તબિયત સુધારવાનું નામ નહિ લેતી હતી. એક રાત્રે રૂપેશ જ્યુસ લઈને હોસ્પિટલ જતો હતો ત્યાં સિગ્નલ પર ગાડી ઉભી રહી અને ગંગા માસી ગજરો લઇને આવ્યા અને પૂછ્યું “બેન કેમ દેખાતા નથી?”

રૂપેશ એ જણાવ્યું કે એને હોસ્પિટલ માં દાખલ કરી છે. ગંગા માસીએ હોસ્પિટલ નું એડ્રેસ લઇ લીધું. બીજા દિવસે સાંજે ગંગા માસી મોગરાનો ગજરો લઈને હોસ્પટલ પોહોંચી ગયા. રૂપેશ ત્યાંજ બેઠો હતો, એને ધીરે થી પુષ્પા ના કાનમાં કહ્યું “જો કોણ આવ્યું છે?”

પુષ્પાએ ધીરે થી આંખો ખોલીને જોયું અને આછું મલકાઈ. ગંગા માસી પુષ્પા પાસે ગયા અને મૃદુતાથી માથા પર હાથ ફેરવીને કહ્યું: “દીકરી તું જલ્દી થી સાજી થઇ જશે, તને મારી ઉમર લાગે.” પછી પુષ્પાને ગજરો આપીને નીકળી ગયા. પુષ્પા ની આંખ માં આંસુ આવી ગયા.

બેચાર દિવસ સુધી ચોકીદાર ગજરો આપી ગયો. પુષ્પાની તબિયતમાં પણ સુધારો આવી ગયો અને દસ દિવસમાં તો બિલકૂલ સાજી સમી થઇ ગઈ અને હોસ્પિટલ માંથી રજા મળી ગઈ. એક સાંજે રૂપેશ પુષ્પા જ્યુસ પીને ચોપાટી ના સિગ્નલ પાસે ઉભા હતા, તેમની આંખો ગંગા માસી ને શોધતી હતી પણ માસી ક્યાંયે દેખાય નહિ.

બેચાર વખત આવું થયું એટલે રૂપેશે પુષ્પાએ તપાસ શરુ કરી અને નજીક માં આવેલી ફૂલવાડી વસાહતમાં પોહોંચી ગયા ત્યાં જઈને પાનવાળા ને ગંગામાસીનું વર્ણન આપ્યું અને ઘર નું ઠેકાણું પૂછ્યું. પાનવાળાએ આંગળી ચીંધીને કહ્યું આ લેનમાં છેલ્લું ઝૂંપડું એમનું છે.

રૂપેશ પુષ્પાએ ઝૂંપડી પાસે જઈને બારણું ખટખટાવ્યું; એક બહેને બારણું ખોલીને પૂછ્યું “કોનું કામ છે?”

રૂપેશે પૂછ્યું “ગંગા માસી અહિંયા રહે છે?”

પેલી બહેને કહ્યું “જી હા અહિંયા રહેતા હતા પણ થોડા દિવસ અગાઉજ ગુજરી ગયા છે; હું એમની પુત્રવધુ નિશા છું.”

રૂપેશ પુષ્પા અવાચક થઇ ગયા. નિશાએ કહ્યું “અંદર આવો.”

બંને અંદર ગયા તો ગંગામાસી નો ફોટો ભીંતે ઝૂલતો હતો અને એની ઉપર મોગરાનો હાર લટકતો હતો. પુષ્પાને ગંગામાસી નું વાક્ય યાદ આવ્યું “મારી ઉમર તને લાગે”; ઓરડા માં મોગરા ની મહેક પ્રસરી ગયી !!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply