BOOK REVIEW

પુસ્તક પરિચય: મારો ભાઇ મારી બહેન

ઈટ્ટા ને કિટ્ટા ની વાત અલ્યા છોડ,
ભાઈ બહેન કેરી ક્યાંય જોઇ આવી જોડ…

ભાઈ-બહેનના બાળપણમાં આવા કિટ્ટા અને બુચ્ચા ક્યારેક મોટા થયાં પછી પણ મીઠાં ઝઘડાં સ્વરૂપે પણ ચાલ્યા કરે છે. બહેન માતાનું લઘુરૂપ છે, બહેન અડધી મા છે, તેમ ભાઈ અડધો પિતા છે. ભારતીય સંસ્કૃતિમાં જુદા જુદા સંબંધોના પર્વ ઉજવાય છે. આવો જ એક સંબંધનો પર્વ એટલે રક્ષાબંધન.

આપણે સૌએ નાના હતાં ત્યારે આ તહેવારનો નિબંધ લખ્યો જ હશે. આ તહેવારનો ઈતિહાસ પણ લખ્યો જ હશે શા માટે ઉજવાય છે ? અને કેટલુંયે લગભગ બધા જ સંબંધો પર અનેક પુસ્તકો લખાયા છે. પણ ભાઈ- બહેનના સંબંધો પર ખુબ ઓછું લખાયું છે. આમ છતાં કોઇ વિષય પર પુસ્તક ન લખાયું હોય એવું તો ક્યાંથી બને?

એક જ ડાળના મઘમઘતા ફુલો એટલે ભાઈ-બહેન આ પવિત્ર સંબંધના ખાટા મીઠાં અનુભવો ને અહીં કાલિન્દીબેન પરીખે ‘મારો ભાઇ મારી બહેન’ નામનું સંપાદિત પુસ્તક ખુબ સરસ રીતે વાચકો સમક્ષ મુક્યું છે.

ભાઈ-બહેનના તહેવાર તરિકે આમતો બે પુનમ ઉજવાય છે, એક પોષ મહિનાની પોષી પુનમ અને બીજી નારીયેળ પુનમ બંને પુનમ ભાઈ-બહેનના નિસ્વાર્થ પ્રેમને અજવાળે છે.

આ પુસ્તકને જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ તમારી સ્મૃતિમાં પણ તમારાં આવાં જ કોઇક સ્નેહભર્યા અનુભવો ડોકીયાં કરશે જ અને ક્યારેક તો વગર ચોમાસે યાદોનું ધસમસતું પુર જાણે અનુભવાશે. સૌરાષ્ટ્રની ભૂમિ સંતસુરાની ભૂમિ છે, અહીં પાળિયા પણ હજારોની સંખ્યામાં છે. મોટાભાગના પાળિયા પતિ પાછળ પત્નિ સતિ થાય તેના છે. તો અમુક પાળિયા પુત્ર પાછળ માતાનાં પણ છે. પોરબંદર જિલ્લામાં ભાઈ પાછળ બહેન સતિ થઇ હોય અને ભાઈબહેનનાં પાળિયા પુજાતા હોય તેની સત્યઘટનાની માહિતી પણ સમાવવામાં આવી છે.

સાથે જાણીતા લેખક,ચિત્રકાર અને આપણને સૌને એમના પુસ્તકો દ્નારા નર્મદા પરિક્રમાની અનુભૂતિ કરાવનાર એવા અમૃતલાલ વેગડના બહેન મૃદુલાબહેન એમના જીવનસંભારણાં યાદ કરતાં કહે છે ‘ અમારાં માનું નામ ગંગા એટલે જાણે ગંગાએ પોતાનો દિકરો નર્મદાને દઈ દીધો’.

વિશ્વપ્રસિધ્ધ જાદુગર કે. લાલ જેમને કોઇ જ ઓળખાણની જરૂર નથી પરંતું આ કે. લાલ તરિકેની ઓળખ તેમને તેમના બહેન થકી મળેલી છે. પરિવારમાં જાદુના ખેલ એટલે મદારીના ખેલ એવો રૂઢીગત ખ્યાલ અને આ વિચારોની સામે જાદુને એક કલા સ્વરૂપે સમજીને સતત તેમના સહકારથી જ કે.લાલને આજે કોઈ ઓળખાણની જરૂર નથી જેમનો શ્રેય તેઓ તેમના બહેનને આપે છે.

પુસ્તકમાં ખુબ જાણીતા પુરાતત્વવિદ્ અને ઇતિહાસકાર એવા નરોત્તમ પલાણ, દર્શક, કવિ તુષાર શુક્લ, ગુજરાતનાં જાણીતા તસ્વીરકાર ભાટી એન., કાકા કાલેલકર, ઝવેરચંદ મેઘાણી, મલ્લિકા સારાભાઈ, શાહબુદ્દીન રાઠોડ, દિનકર જોષી, હિમાંશી શેલત, રતિલાલ બોરીસાગર, જેવા સાહિત્ય, સંગીત, રાજકારણ, ચિત્રકલા, વિજ્ઞાન, આધ્યાત્મ, જાદુગર આમ જુદા જુદા ક્ષેત્રનાં ભાઈઓ તેમનાં બહેન વિશે અને બહેનો તેમનાં ભાઈ વિશે એમના જ શબ્દોમાં બાળપણથી અત્યાર સુધીનાં એમના સ્મૃતિપટ પર સચવાયેલા એ દિવસોનાં હેતભર્યા અને સંવેદનાસભર સંભારણાં ખુબ નિખાલસ ભાવે વાગોળે છે, અને આપણી સાથે વહેંચે છે.

-રંગોલી તન્ના.

Email: rangolitanna@gmail.com

Categories: BOOK REVIEW, Rangoli Tanna

1 reply »

Leave a Reply