ટૂંકી વાર્તા : “હૃદય”
અક્ષય દેસાઈ જાણીતા હ્રદય નિષ્ણાંત હતા. આજે કન્સલ્ટિંગ માં ખુબ ગીર્દી હતી; એક પછી એક દર્દી ને તપાસી ને એને સલાહ સૂચનો આપતા. નર્સે કેબીન નું બારણું ખોલી ને બૂમ પાડી “પલ્લવી વાસુદેવ આવી જાઓ.” ડો. ની નજર ઊંચી થઇને બે ધબકારા ચુકી ગયા. બારમા ધોરણ સુધી સાથે ભણતી પલ્લવી સામે આવી ને બેસી ગયી .
“ઓળખાણ પડી ડો સાહેબ?” પલ્લવી એ મૃદુ અવાજમાં પૂછ્યું.
ડો. એ ધીમેથી હા કહી ને કહ્યું ‘બેસો શું થયું છે?”
પલ્લવી એ કહ્યું: “હું અમેરિકા થી અહિંયા વેકેશન માં આવી હતી પણ બે ત્રણ દિવસથી હાર્ટ માં દુખે છે, ચેક કરાવવા આવી છું.”
ડો. એ એમને થોડા રિપોર્ટ કરાવવાનું કહ્યું અને ECG કર્યું. ડો. એ કહ્યું કે “રિપોર્ટ બરાબર નથી કાલે પાછા આવીને સંપૂર્ણ તપાસ કરાવી જજો.” પલ્લવીએ રજા લીધી અને નીકળી ગઈ.
રાત્રે ડો. અક્ષય પોતાની આરામ ખુરશી પર બેઠા બેઠા વિચારતા હતા કે “આ એજ પલ્લવી છે કે જે બારમા ધોરણ સુધી સાથે હતી. બંને એકબીજા ને ગમતા હતા. એક દિવસ રીસેસ માં પલ્લવી અક્ષય પાસે આવી અને હથેળી ખુલ્લી ધરી દીધી જેની ઉપર સહી થી “અક્ષય” લખેલું હતું.
અક્ષયે કહ્યું “બસ આટલુંજ.”
હસીને પલ્લવી એ કહ્યુંકે “દિલ પર પણ તારુંજ નામ લખેલું છે.”
પછી તો અક્ષય મેડિકલ કોલેજ માં ચાલ્યો ગયો અને પલ્લવી પણ બીજી કોલેજ માં ચાલી ગયી અને મુલાકાતો બંધ થઇ ગઈ. અક્ષય ડો બની ગયો; અક્ષયે પલ્લવી અંગે તપાસ કરી પણ જાણવા મળ્યું કે એના લગ્ન પરદેશ થઇ ગયા છે.
આજે પચીસ વરસ પછી પાછી પલ્લવીને જોઈ. બીજા દિવસે પલ્લવીને તપાસી અને કહ્યુંકે “તારા હાર્ટનું ઓપરેશન અનિવાર્ય છે, તારા હસબન્ડ ને સાથે લઇને આવજે એમને સાથે હું ચર્ચા કરી લઈશ.”
પલ્લવીએ કહ્યું “મારા હસબન્ડ અમેરિકામાં જોબ કરે છે અને મારી સાથે મારો દીકરો છે એ બધું મેનેજ કરી લેશે.”
ઓપરેશનની તારીખ નક્કી થઇ અને પલ્લવીને ઓપરેશન રૂમમાં લઇ જવામાં આવી. ડો.અક્ષય પણ રૂમમાં પોહોંચી ગયા. પલ્લવીએ ડો. ને નજીક બોલાવ્યા અને ધીરે થી કહ્યું “અક્ષય આજે તું મારુ હૃદય ખોલશે તો તારું નામ વાંચી લેજે; યાદ છે મેં હથેળી પર લખેલું તારું નામ દિલ પર પણ લખેલું હતું . !!!”
લેખક:- આસીમ બક્ષી
Categories: Asim Bakshi