BOOK REVIEW

પુસ્તક પરિચય: મલાલા

નારીનાં અધિકારોની નિર્ભિક યોધ્ધા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા : મલાલા

આ પુસ્તક જ્યારે હાથમાં આવ્યું અને વાંચવાનું શરૂ કર્યુ ત્યારે આપણે કેટલી શાંતિમય અને સલામતભરી જીંદગી જીવી રહ્યાં છીએ એનો હાશકારો થયો અને સાથે પ્રશ્ર્ન પણ થયો કે દુનિયાના આવા કેટલાયે દેશો છે કે જ્યાં લોકોને પોતાના જ માનવીય અધિકારો મેળવવા માટે જીવ પણ ગુમાવવો પડે છે!!

આ પુસ્તક આપને અનેક રીતે પ્રેરણાની સાથે-સાથે અનેક પ્રશ્નો પણ આપીને જાય છે. સૌથી નાની વયની નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર પાકિસ્તાનના મિંગોરા પ્રાંતની 11 વર્ષની એવી એક સાહસી બાળકી છે જેને છોકરીઓને શિક્ષા મેળવવાના અધિકાર માટે તાલિબાની આતંકીવાદીઓ સામે અવાજ ઉઠાવ્યો અને એના પરીણામ સ્વરૂપે માત્ર 14 વર્ષની બાળકીને તાલિબાની ગોળીનો શિકાર પણ થવું પડ્યું. આ શાંતિદૂત બાળકી એટલે મલાલા યુસુફજઈ, જિઆઉદ્દીન યુસુફજઈ અને તોર પેકઈની આ સાહસી દિકરી ભણી ગણીને એક ડૉક્ટર બનવા ઈચ્છતી હતી.

પરંતુ આતંકવાદીઓના ફતવાના લીધે છોકરીઓને શાળાએ જવાની મનાઈ ફરમાવી દેવામા આવી અને છોકરીઓની સેંકડો સ્કૂલોને બરબાદ કરી દેવામાં આવી, મલાલાને તેના શિક્ષણ ન મળવાની વ્યથા ને તેને પહેલીવાર પોતાની ડાયરીમાં લખી અને તેને બી.બી.સી ઉર્દુ દ્વારા લોકો સામે મુકવામા આવી, મલાલાએ તેની આ ડાયરીમાં અનેક સુખદ અને દુ:ખદ પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે. જેને કોઇપણ ફેરફાર વગર જ આ પુસ્તકમાં સમાવવા આવેલ છે. ‘હું ભયભીત છું’, ‘રંગીન કપડાં પહેરવા પર પાબંદી’, ‘ગોળીના અવાજથી આતંકિત રાત’, ‘કબર બનાવવાનો ખેલ’, ‘ સ્કુલ ખુલી રહી છે?’

આ પ્રસંગો વાંચીને ત્યાંના લોકોની સ્થિતી અને ખાસકરીને મહિલાઓની અને શાળાએ જતી છોકરીઓની સ્થિતીનો ખ્યાલ આવે છે. પોતાની સાચી ઓળખ આ ડાયરી થકી જો છતી થઇ જાય તો તેના જીવનું જોખમ વધી શકે તેમ હતું આથી તેને ‘ગુલ મકઈના છદમ’ નામથી લખી.

એક ગોઝારા દિવસે મલાલા જ્યારે શાળાએ થી પોતાની સ્કૂલવાનમાં પરત ફરી રહી હતી ત્યારે આતંકવાદીઓ દ્વારા મલાલાને રસ્તામાં જ ત્રણ ગોળીઓ ધરબી દેવામાં આવી. અનેક મેડિકલ ટ્રીટમેન્ટ અને દુનિયાભરનાં લોકોની દુઆથી મલાલા મોતને પણ માત આપીને પાછી ફરી, અને મલાલા એના જેવી દુનિયાની દરેક છોકરીઓ માટે નવી રાહ લઈને આવી.

આજે મલાલા દુનિયાની સૌથી પ્રતિભાશાળી વ્યક્તિઓમાની એક છે. તે ઘણી મુલાકાતોમાં કહી ચુકી છે કે તેને ભણીને ડૉક્ટર થવું હતુ પરંતુ તે હવે મોટી થઇને તેના પ્રદેશના રાજકારણમાં જશે અને ત્યાંની ભયની સ્થિતીને દૂર કરશે.

દુનિયાની લગભગ 66 મિલીયન છોકરીઓ શિક્ષા મેળવવાના અધિકારથી વંચિત છે આજે મલાલા આવી છોકરીઓની વ્હારે છે અને તેનો નોબેલ પુરસ્કાર દુનિયાના એ બધા બાળકોને અર્પણ કરે છે જેને શિક્ષા મેળવવાનો અધિકાર મળવો જોઈએ.

મલાલા યુસુફજઈને નોબેલ પ્રાઈઝ ઉપરાંત ‘ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ પીસ પ્રાઈઝ’, પાકિસ્તાન દ્વારા ‘રાષ્ટ્રીય યુવા પુરસ્કાર’, ‘ઍની ફ્રેંક ઍવોર્ડ’, ‘સિતારા-એ-શુજાત’, ‘મધર ટેરેસા મેમોરીયલ પુરસ્કાર’, ‘રોમ પુરસ્કાર’, ‘સિમોન ધિ બિવોર પુરસ્કાર’, ‘ફ્રેડ એન્ડ ઍની જાર્વિસ ઍવોર્ડ’, ‘વાઇટલ વાઈસસ ગ્લોબલ લીડરશિપ ઍવોર્ડ’, ‘એમ્બેસેડર ઑફ કન્સાઇંસ ઍવોર્ડ’, ‘ઍના પોલિતકોવક્યા ઍવોર્ડ’,જેવા કેટલાએ ઍવોર્ડ્સ માનદ્ ડિગ્રીઓ અને વૈશ્ર્વિક અખબારો અને મેગેઝીનો એ પણ મલાલા ને પોતાના ફ્રંટ પર સ્થાન આપેલ છે.

મલાલા યુસુફજઈ પાકિસ્તાનની તેમજ દુનિયાની તમામ દિકરીઓ માટે રોલમોડલ છે. અને દુનિયાના તમામ દેશો મલાલા અને તેના પિતા પોતાની સંસ્થા દ્વારા દરેક બાળકને શિક્ષા મેળવવાનો અધિકાર મળે તે માટે કાર્ય કરે છે અને તેના આ કાર્યમાં સામાન્યથી સેલિબ્રીટી સુધીના તમામ લોકો આજે મલાલાની સાથે છે.

-રંગોલી તન્ના.

Email: rangolitanna@gmail.com

Categories: BOOK REVIEW, Rangoli Tanna

Leave a Reply