BOOK REVIEW

પુસ્તક પરિચય: ટ્રેન ટેલ્સ

गाडी बुला रही है, सीटी बजा रही है…

રોજબરોજના આ જીવનની ઘટમાળમાં આપણી આસપાસ કેટલીએ વાર્તાઓ અપડાઉન કરતી હોય છે. ટ્રેનની મુસાફરી અને એ પણ લોકલ ટ્રેનની મુસાફરી હોય તો તો…રોજ કેટલાયે અનુભવો અને વ્યક્તિએ વ્યક્તિએ વાર્તાઓનું વન જાણે.

પુસ્તકમાં લેખકે તેના અપડાઉનના અનુભવોની વાર્તા કરી છે. મારા મુસાફરી વખતે આમતો ટ્રેનમાં કાકી કંઇ એકલા જ નહીં પણ એના જેવા બીજા ઇડલી સંભારવાળી, ખમણ વાળો ભૈયો, સિંગ-ચણાવાળો, અને ‘એય કાકડીઇઇઇય..’, ‘મસાલાવારી ચ્યયયાઇઇ…બોલો’ આવા તો કેટલાયે લોકો ટ્રેનના અભિન્ન અંગ હોય જ છે. પણ આ કાકીની વાત કંઇક જુદી હતી ‘ચાલો નાસ્તો કહિહ્…..’ આવું કંઇક બોલે શરૂઆતમાં તો એટલું જ સમજાતું પણ ધ્યાનથી સાંભળ્યું એટલે ખબર પડી કે કાકી ‘ચાલો નાસ્તો આપુઉઉ કોઇને ભાઇ?’ એવુ બોલે છે.

છએક મહિનાથી આ કાકીને જોતો. એકવાર એમના જ જીવનસંઘર્ષ પરની એક સ્ટોરી કરવાનો વિચાર થયો આમ તો ચંદા કોચર, ઇન્દ્રા નુયી જેવી સ્ત્રીઓ પણ પડકારોનો સામનો તો કરે જ છે પણ એ સામનો એ.સી. માં બેસીને કરવાનો હોય છે. આ તો આમ રોજ આટલી ભીડમાં આટલા વજન સાથે લઇ ફરવુ, લાખો જણની નજરોનો સામનો કરી રોજે રોજનું દનૈયું રળી ગુજરાન ચલાવવું એ વધુ પડકાર જનક છે. આથી એકવાર કાકીને પુછ્યું કે ‘તમારો ઈન્ટરવ્યૂ કરવો છે’.

એમને તો ઈન્ટરવ્યૂ એટલે શું એ પણ સમજાવ્યુ કે તમારી વાત છાપામાં છાપવી છે. અને એને કમને મને થોડી વાતો કરી. વાત કરતા કરતા પણ એની પેલી પેટન્ટ બૂમ તો પાડવી જ પડે ‘ચાલો નાસ્તોઓઓ…..’ મારા લીધે એના ધંધાને નુકશાન જાય તો ખાય શું?

કાકી સાથેની વાત પરથી ખબર પડી કે નવસારી પાસેના જલાલપોરમાં રહેતાં અકસ્માતમાં એમના પતિના બંન્ને પગ કપાઇ ગયેલા અને ગુજરાન ચલાવવા આ ધંધો ચાલુ કર્યો. કાકી માલ વેચતા જાય અને દાવો કરતા જાય કે ‘બે રૂપિયા વધારે લેવાના પણ તેલ તો સારૂ જ વાપરવાનું’ કાકીએ છુટા પડતી વખતે એક આજીજી કરી કે જો આ ‘ની છપાય તો ની ચાલે?

આ પ્રશ્નનો જવાબ તો પુસ્તકની વાર્તામા છે જ પણ સાથે આ પેટ કેટકેટલી વેઠ કરાવે!, પ્રેક્ટિકલ વાત અને પોઝીટીવ વાત આ બેઉના તફાવત પણ તમને આ ટ્રેન એટલે કે પુસ્તક માંથી મળી રહે. તો દાંત વગરના દાદી સાથેની તસ્વીર, આપણે જ્યારે કોઇ પુસ્તક કે અખબાર વાંચતા હોય ત્યારે ટ્રેનમા અનેક વખત બાજુવાળાની એમા સર્જીકલ સ્ટ્રાઇક થતી જ હોય છે. જેવા અનુભવ પણ મળે છે.

આવી કેટલીએ વાર્તાઓના સ્ટેશન આ પુસ્તકમાં યાત્રીઓ એટલે કે વાંચકોને સફર કરાવે છે. ગામે ગામના લોકોની બોલી લહેકાઓથી આમ વાર્તા પણ જાણે તમારી સાથે જ વાત કરતી હોય અને તમે જ અપડાઉન કરતાં હોય. એવો અનુભવ દરેક વાર્તામાં થાય. આ પુસ્તકની મોટાભાગની વાર્તાઓ ટ્રેનમાં જ આકાર પામી છે અને ટ્રેનમાં જ લખાઇ છે.

લેખક અંકિત દેસાઇએ આ વાર્તાઓને ફેસબુક પર અપલોડ કરીને વાંચકોના ત્વરિત પ્રતિભાવો પણ મેળવ્યા છે. અને ત્યારબાદ આ વાર્તાઓને પુસ્તક સ્વરૂપે “ટ્રેન ટેલ્સ” ના નામે મુકી છે. આમ તો આપણા બધાના દરેક દિવસ એક નવી વાર્તા જ તો છે. આ દિવાળીની સફાઇ સમયે તમને પણ ક્યાંક આવી કોઇક એકાદ વાર્તા જડી જ હશે…

-રંગોલી તન્ના.

Email: rangolitanna@gmail.com

Categories: BOOK REVIEW, Rangoli Tanna

Tagged as:

Leave a Reply