Asim Bakshi

ચિત્ર -વિચિત્ર

ટૂંકી વાર્તા : ” ચિત્ર -વિચિત્ર “

લોનાવલાના આલીશાન બંગલા માં મી એન્ડ મિસિસ બ્રેગેન્ઝા નિવૃત જીવન ગાળતા હતા. બંગલાની સાથે આઉટ હાઉસ હતું જે ભાડેથી આપીને બ્રેગેન્ઝા આવક રળી લેતા. ડો. જય ની લોનાવલા ની સરકારી હોસ્પિટલ માં બદલી થઇ હતી અને એક મહિના માટે રહેઠાણ ની વ્યવસ્થા કરવાની હતી.

ડો. જય ને કોઈએ બ્રેગેન્ઝા નું એડ્રેસ આપ્યું. ડો. જય ત્યાં પોહોંચી ગયા અને બ્રેગેન્ઝા એ એમને આઉટ હાઉસ બતાવી દીધું; ડો. જય ને જગ્યા ખુબ જ પસંદ પડી ગઈ અને તાત્કાલિક ડીલ પતાવી દીધી. સાંજે ડો. આઉટ હાઉસ માં ગોઠવાઈ ગયા.

એક રવિવારની રાત્રે ડો. જય વરંડા માં બેસી ને ગીતો સાંભળતા હતા– લતા નું ગીત -લગ જા ગલે – વાગી રહ્યું હતું. આઉટ હાઉસનો નાનો ગેટ ખોલીને એક મેડમ આવ્યા અને હસી ને કહ્યું: “હું શેરેલ છું, બ્રેગેન્ઝા ની ડોટર.”

ડો. જય એ ખુરશી આપી. શેરેલ ત્યાં ગોઠવાઈ ગઈ અને કહ્યું કે “આઉટ હાઉસ ની અંદર જેટલા પણ પેઈન્ટિંગ્સ છે એ મે પેઇન્ટ કર્યા છે; આવો તમને બતાવું.”

ડો. જય એની સાથે અંદર ગયા અને ડ્રોઈંગ રૂમના તથા બેડરૂમના પેઈન્ટિંગ્સ જોયા; ખરેખર બધા પેઈંટીંગ્સ ખુબજ સુંદર હતા; ખાસ કરીને ખુલ્લા વાળ વાળી દરિયા કિનારે ઉભેલી એક સ્ત્રી નું ચિત્ર અદભુત હતું. શેરેલએ કહ્યું “તમને ગમતું ચિત્ર ખરીદવું હોય તો મારા ડેડી ને વાત કરજો.”

શેરેલ ચાલી ગઈ અને ડો. જય પેઈંટીંગ્સને નીરખતા સુઈ ગયા. પછી કોઈ દિવસ શેરેલ દેખાઈ નહિ. મહિનો પૂરો થયો એટલે ડો. જય મી બ્રેગેન્ઝાને મળવા ગયા અને ભાડા નો હિસાબ કર્યો. અચાનક ડો. જય ને યાદ આવ્યું કે પેલું પેન્ટિંગ જે એને ગમી ગયું હતું તેની કિંમત તો પૂછી લઉં; ડો. જય એ ધીરે થી પૂછ્યું: “અંકલ તમારી દીકરી શેરેલ એક દિવસ આવીને મને પેન્ટીંગ્સ બતાવી ગઈ હતી; મારે બેડરૂમ વાળું પેન્ટિંગ ખરીદવું છે, શું કિંમત હશે?”

અંકલ એ બે સેકન્ડ આંખો બંધ કરી અને કહ્યું: “૧૦,૦૦૦ રૂપિયા.”

ડો. જય એ તરતજ રૂપિયા આપી ને પેન્ટિંગ ખરીદી લીધું અને અંકલને થેન્ક્સ કહી ને નીકળી ગયા. બ્રેગાન્ઝાએ એની પત્નીને રૂપિયા આપતા કહ્યું: “શેરેલ ને ગુજરવાને આજે ૨૦ વર્ષ થયા પણ એ આજે પણ આપણું કેટલું ધ્યાન રાખે છે !!”

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply