Asim Bakshi

વિરહ

ટૂંકી વાર્તા : “વિરહ”

સાહિલ અને હેમા બંનેનું એક રૂટિન હતું કે ડિનર લીધા પછી બંને બાલ્કની માં હિંચકે ઝૂલતા અને સ્લો અવાજે ગીત સાંભળતા . હેમા બે વર્ષ પેહલા એક લવબર્ડ ની જોડી લઇ આવી હતી અને બાલ્કની માં એમનું પીંજરું ઝૂલતું હતું. સાહિલ અને હેમા જયારે પણ ગીત સાંભળતા ત્યારે અચૂક લવબર્ડ ની જોડી એકબીજા ની બાજુમાં ગોઠવાઈ જતી. એમને જોઈને એવુજ લાગે કે મસ્તી થી ગીત માણી રહ્યા છે અને સુંદર મજાના નાના અવાજે સિસોટી વગાડી રહ્યાં છે. એક દિવસ સવારે હેમાએ સાહિલ ને બૂમ પાડી ને કહ્યું: “જુઓને આ લવ બર્ડ ને શું થયું છે ?”

સાહિલે જઈને જોયું તો એક બર્ડ પાંજરા માં ફસડાઈ પડ્યું હતું; સાહિલે ધીરેથી પાંજરું ખોલી ને બર્ડ ને બહાર કાઢ્યું અને કહ્યું : “આ ગુજરી ગયું છે.”

હેમા ની આંખો છલકાઈ ગઈ અને રડતા સ્વરે કહ્યું: “સાહિલ આ બીજા બર્ડ ને મુક્ત કરી દે એ એકલું નહિ જીવી શકશે.”

સાહિલે આહિસ્તા થી પાંજરું ખોલ્યું અને બર્ડ ને આઝાદ કરી દીધું. બેત્રણ દિવસ સુધી સાહિલ ને હેમા બાલ્કની માં બેઠા પણ ગીત વગાડવાની રુચિ નહિ થઇ. ચાર દિવસ પછી બંને બાલ્કની માં બેઠા હતા તો જોયું કે પેલું એકલવાયું પંખી પાંજરા ઉપર આવીને બેઠું હતું; સાહિલે ધીરે થી પાંજરું ખોલ્યું તો પેલું પંખી અંદર જઈ ને ગોઠવાઈ ગયું અને જાણે કેહ્તું હતું કે “પ્લીઝ ગીત વગાડો.”

હેમા એ ધીરે થી પ્લેયર ચાલુ કરીને ગીત વગાડવાનું શરુ કર્યું કે તરતજ પેલું પંખી સળિયા પર આમથી તેમ સરકવા લાગ્યું. સાહિલે હેમા ને કહ્યું “જો એના વિરહ ની વેદના કેવી છે.” રાત્રે પ્લેયર બંધ કરીને સાહિલ હેમા સુવા ચાલ્યા ગયા.

સવારે હેમા એ સાહિલ ને જગાડી ને કહ્યું : “પેલું એકલું પંખી પણ પરલોક સિધાવી ગયું ” !!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply