BOOK REVIEW

પુસ્તક પરિચય: ગિરનાર

સોરઠ શૂરો ન સરજિયો,
ન ચડ્યો ગઢ ગિરનાર;
નાયો નૈ દામો- ગોમતી,
એનો એળે ગિયો અવતાર.

એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાને શ્રાપમુક્તિ માટે ગિરનારની પરિક્રમ્મા કરી હતી. ચોમાસા પછી અદ્ભૂત લીલાછમ્મ જંગલોની વચ્ચેથી ગિરનારની પરિક્રમ્મા થતી હોવાથી આ પ્રદક્ષિણાને લીલી પરિક્રમ્મા કહેવામાં આવે છે.

મહાભારતમાં ત્રણ ઉત્સવોનો ઉલ્લેખ છે. બ્રહ્મ ઉત્સવ જે અત્યારે પુષ્કરનાં મેળા તરિકે ઓળખાય છે. ઉપરીચરવસુ રાજે દ્વારા ચેદી દેશમાં ઉજવાતો ઉત્સવ જે હાલમાં ગુડીપડવા તરિકે ઉજવાય છે. અને સૌરાષ્ટ્રમાં ગિરનારની પરિક્રમ્મા. આમ પરિક્રમ્માનો ઈતિહાસ પણ ગિરનારની જેમ પુરાણો છે. ગુણવંત શાહ આ ગિરનાર વિશે એમ કહે કે જો ગિરનાર હિમાલયને પત્ર લખે તો ‘ચિરંજીવ હિમાલય’ એમ કહે, અને જો હિમાલય પત્ર લખે તો એ એમ સંબોધે અને લખે કે ‘પૂજ્ય દાદાજી’.

પરિક્રમ્માની શરૂઆત ભવનાથ તળેટીથી ઝીણાબાવાની મઢી,સરકડીયા હનુમાન, સૂરજકુંડ, પાટનાથ, માળવેલા, શ્રવણવડ, વાસંતીનાગ, હેમજળિયા કુંડ અને બોરદેવીથી ભવનાથ આમ પરિક્રમ્મા પુરી થાય છે. મધ્યયુગમાં અનેક આક્રમણોના લીધે લાંબાસમય સુધી પરિક્રમ્મા બંધ પણ રહી હતી. ગિરનાર એ માત્ર પર્વત નથી,એ તો સનાતન સંસ્કૃતિ કેન્દ્ર છે.

ગિરનાર માટે પુરાણોમાં ઉજ્જયન્ત, ઉજ્જન્ત નામ થી ઓળખવામાં પણ આવે છે. શિલાલેખમાં ઉર્જયત્ જેવું નામ પણ જાણવા મળે છે. જ્યારે વિષ્ણુપુરાણમાં આ ક્ષેત્રમાં રૈવત, કુમુદ, અને ઉજ્જવંત આમ ત્રણ પર્વતોનો ઉલ્લેખ જોવા મળે છે.

આચાર્ય વિજયરત્નસુરિ તેમનાં એક પુસ્તક રેવંતગિરિરાસુમાં એમ કહે છે કે જેમ જેમ તમે ગિરનારની ટૂક ચઢતા જાઓ અને ઢોળાઓ ચઢતા જાઓ તેમ તેમ સંસારની અનેક ભ્રમણાઓ માંથી મુક્ત થતાં જાઓ છો.

પુસ્તકમાં સમાવિષ્ટ આવા ક્વોટ્સથી લેખકનાં ઉંડા અભ્યાસનો પરિચય મળે છે. કહેવાય છે કે ગિરનાર પર નવ નાથ અને ચોર્યાસી સિધ્ધોનું બેસણુ છે. મહાન યોગી લક્કડભારથી, જ્ઞાનસાગરજી, મેકરણજી, પ્યારેરામજી, ઝીણાબાવા, કન્નીરામજી, રૂખડજી, જેવા સિધ્ધ યોગીઓ, તપસ્વીઓની અને તેની સિધ્ધીઓની તો અનેક વાતો જાણીતી છે.

ભર્તૃહરિ, અશ્વત્થામા, માર્કડેય ઋષિ જેવા સિધ્ધ પુરૂષો અશરીર રૂપે ત્યાં વસે છે. જૈન મહાત્માઓ એમ માને છે કે અહીં યક્ષો વસે છે, મુસ્લિમો પણ માને છે કે ત્યાં અહીં જીન્નાત રહે છે. આમ હિન્દુ, જૈન, મુસ્લિમ, બૌધ્ધ ધર્મનો નાતો ગિરનાર સાથે અનેક રીતે છે.

ગુજરાતના તો કદાચ કોઇપણ લેખક, કવિ કે સાહિત્યકાર એવા નહીં હોય કે જેમને ગિરનારે આકર્ષ્યા નહીં હોય. તો સ્વામી વિવેકાનંદ, એની બેસન્ટ, મહર્ષિ અરવિંદ જેવા મહાનુભવો એ પણ ગિરનારની આ યાત્રા કરી છે.

લેખક સંજય ચૌધરી આમતો કૉમ્પ્યુટર સાયન્સ વિષયનાં પ્રૉફેસર છે. પરંતુ સાહિત્ય સાથેનો તેનો નાતો શા માટે છે તે તો એમનો પુરો પરિચય મેળવતા જ ખ્યાલ આવી જાય. સાથે લેખકનો પ્રકૃતિ પ્રેમ પણ આ પુસ્તકમાં ઉભરી આવે છે. એમની પ્રથમ ગિરનારની પરિક્રમ્મા બાદ તેમના અનુભવોને અને અન્યના અનુભવો અને અભિપ્રાયો, ગિરનારની જીઓગ્રાફિકલ માહિતી, આસપાસના વિસ્તારોની માહિતી, એમ ગિરનારની ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, વન્યસૃષ્ટિ, નકશા, ફોટોગ્રાફ્સ, અને આમ ગિરનારની તેમજ જુનાગઢની અતથી ઇતિ સુધીની તમામ માહિતી લેખકે જુદા જુદા વિભાગોમાં વિગતે આ ‘ગિરનાર’ પુસ્તકમાં આપી છે. 272 પાનાંનું આ પુસ્તક વાચકોને થાકવગરની લીલી પરિક્રમ્મા કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. પુસ્તક હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ છે.

‘ગિરનાર’ પુસ્તકમાં લેખકે તમામ સંદર્ભો અને સંશોધનોને સવિસ્તારથી સમાવવામાં આવેલ છે. એટલે જો ગિરનાર અને જૂનાગઢ વિશે વધુ જાણવાની ઇચ્છા હોય તો ‘સૌરાષ્ટ્રનો ઈતિહાસ’, ‘ઉજ્જયંત પર્વત અને ગિરિનગર’, ‘ગિરનાર નાં તિર્થસ્થળો’, ‘ગરવો ગિરનાર’ ,‘ જૂનાગઢ અને ગિરનાર’, અને ‘હુહુ’ નવલકથા જેવા શ્રેષ્ડ પુસ્તકોની સંશોધનોની લાં..બી સુચિ મળે. પણ જો તમે આટલાં બધાં પુસ્તકો, સંશેધનોને એક સાથે જોઇ ન શકો તો તમારાં માટે આ પુસ્તક તો છે જ કે જેને તમે ગિરનાર અને જુનાગઢનો ભોમિયો પણ કહી શકો. ગિરનાર પ્રેમી અને પ્રકૃતિ પ્રેમીએ પુસ્તક સાથેની પરિક્રમ્માનો આ અદ્ભૂત લ્હાવો અચૂક લેવા જેવો છે. ‘જય ગિરનારી’.

-રંગોલી તન્ના.

Email: rangolitanna@gmail.com

Categories: BOOK REVIEW, Rangoli Tanna

Leave a Reply