BOOK REVIEW

પુસ્તક પરિચય: ઝેન કથાઓ

માર્મિક કોમ્પેક્ટ કથાઓ : ઝેન કથાઓ

જગતના તમામ ધર્મ,પંથ,સમુદાયો આખરે તો અજ્ઞાન રૂપી અંધકાર થી જ્ઞાન રૂપી પરમ તેજ તરફ જ દોરી જતાં હોય છે. આપણે સૌએ ઝેન કથાઓ ક્યાંકને ક્યાક સાંભળી જ હશે. ઝેન બોધકથાઓ એટલે ઝેન કથાઓ મુળ બૌધ્ધ ધર્મનો જ એક પંથ કહી શકાય. જાપાન, ચીન, અમેરીકા, યુરોપ, પુર્વ એશિયા, ભારતમાં પણ ઝેન સાધકો જોવા મળે છે.

ઝેન માર્ગ વર્તમાનમાં જીવવાની વાત કરે છે. હિંદુ ધર્મમાં જેને સાક્ષીભાવ કહે છે. જીવનની પ્રત્યેક ક્ષણોનો આનંદ લેવો, અહંકાર, અહમ્ ને દૂર કરીને ધ્યાન દ્વારા આત્મખોજ કરવી અને અંતે સમાધિ તરફ પ્રયાણ કરવું. આથી જ ઝેન ધર્મમાં અ-મનની દશામાં જીવવું અને પૂર્ણ સમાધિમાં રહેવું એવું સમજવામાં આવે છે. ઝેન કથાઓ માં જાણીતાં માત્સે, હાકુન, તાનઝેન, રયોકાન, લીં-ચીં, સો ઝાન, હાકુજો, નાન-ઇન વગેરે જેવા ઝેન ગુરૂઓ ના કિસ્સાઓ ખુબ જાણીતા છે. તેમના શિષ્યો સાથેના સંવાદો જ મોટાભાગે બોધકથાઓ બની જતી હોય છે.

આવી જ 100 ઉપરાંત ઝેનકથાઓ નું સંપાદન ‘100 ઝેનકથાઓ’ માં નીલરત્ન દેસાઈ એ કરેલ છે. ખુબ સરસ ભેટમાં આપી શકાય, અને વસાવી શકાય તેવું આ પુસ્તક છે. જાપાનની ટૅક્નોલોજી જેટલી આગળ છે એવી જ રીતે ત્યાંનું સાહિત્ય પણ ઘણું આગળ છે. એ પછી હાઇકુ હોય, આ પ્રકારની ઝેનકથાઓ હોય કે પછી અન્ય કોઇ સ્વરૂપનું સાહિત્ય હોય.

ઝેન ગુરૂ બન્કી પાસે એક વિદ્યાર્થી પોતાની સમસ્યા લઇને આવે છે. ’ગુરૂજી મને ગુસ્સો ખુબ આવે છે, અને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે કંઇ જ ભાન રહેતું નથી, યોગ્ય ઉપાય સુચવો’

બન્કી: લાવ બતાવ જોઉં ક્યાં ગુસ્સો આવે છે? ક્યાંથી આવે છે?’

વિદ્યાર્થી: ‘ અત્યારે હું ગુસ્સે નથી તેથી કેવી રીતે બતાવી શકું?’

બન્કી: ‘તો પછી ગુસ્સો ક્યારે બતાવીશ?’

વિદ્યાર્થી: ‘ક્યારેક જ ગુસ્સો આવે છે અને જ્યારે ગુસ્સો આવશે ત્યારે અહીં તમને બતાવવા આવીશ ત્યાં સુધીમાં તો ગુસ્સો જતો રહેશે.’

બન્કી: ‘ તો આ રીતે જોઈએ તો ગુસ્સો કરવો એ તારો મૂળ સ્વભાવ નથી જ આથી ગુસ્સો તારામાં બહારથી પ્રવેશે છે, અને બન્કીએ વિદ્યાર્થીને પોતાની લાકડી આપી અને કહ્યું કે જ્યારે ગુસ્સો આવે ત્યારે ગુસ્સાને આ લાકડીથી હાંકી કાઢવો.’ આ રીતે આમ સામાન્ય ચર્ચામાં જ કેટલીબધી અર્થસભર, માર્મીક વાતો કહી જાય છે.

ઓનામી નામનો એક કુસ્તીબાજ તેના અખાડામાં સૌને હરાવી દેતો. પરંતુ સમસ્યા એ હતી કે ઓનામી જાહેરમાં જ્યારે કુસ્તી હરીફાઇમાં ઉતરે ત્યારે તેનાથી નાના કુસ્તીબાજો સામે પણ હારી જતો. આથી ઝેન ગુરૂ હાકુજુ પાસે આ સમસ્યાનું સમાધાન માંગ્યું ઓનામીને એક રાત પોતાની પાસે રોકીને તેમણે ઓનામી સાથે વાત કરી અને સમસ્યા જાણતાં ની સાથે જ હાકુજુ બોલ્યા કે આ તો શક્ય જ નથી કે તું કોઇ સામે હારી જાય. કારણકે તારા જેટલું શક્તિશાળી અને ચપળ કોઇ છે જ નહીં અને તારાં નામનો અર્થ જ મહાન શક્તિશાળી મોજું એવો થાય છે. તું પોતે જ આટલો નિપુર્ણ છે.,આમ આ બધું સાંભળીને ઓનામી ધ્યાનસ્થ થઇ ગયો અને તેને તેની સુસુપ્ત શક્તિઓનો પરીચય થયો. અને ત્યારબાદ જાપાનનો સર્વોત્તમ કુસ્તીબાજ બની શક્યો.

ઝેન ગુરૂ સાધકોને ‘કોઆન’ આપે છે. ‘કોઆન’ એટલે જટીલ કોયડો. ખરેખર તો તેનો કોઇ ઉકેલ કે જવાબ હોતો જ નથી, આ ‘કોઆન’ થી, શબ્દથી પર જ્યારે થઇ જવાય અને વિચારોને શૂન્ય કરવા માં સફળતા મળે ત્યારે સાધકને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

કેટલાંક ‘કોઆન’:
-એક હાથની તાળીનો અવાજ કેવો હોય છે?
-તમારાં મૂળ સ્વભાવને ઓળખી શકશો?
– તમારો જન્મ પહેલાંનો ચહેરો કેવો હોય?

આમ, આ પુસ્તક ઝેનકથાઓની સાથે આવી કેટલીક ઝેન ધર્મની વાતોથી પણ તમને માહિતગાર કરે છે.

-રંગોલી તન્ના.

Email: rangolitanna@gmail.com

Categories: BOOK REVIEW, Rangoli Tanna

2 replies »

  1. ઝેન કથાઓ નો પુસ્તક પરિચય રસપ્રદ છે . પુસ્તક વાંચવા ની ઈચ્છા છે તો પ્રકાશક નું નામ આપવા વિનંતી .

Leave a Reply