(ગાલગાગા લગાલ ગાગાગા)
રાતભર એક નારી જાગે છે,
સાથ એને અટારી જાગે છે,
આવશે દ્વાર ચાલી ગઇ છે જે,
આશથી એક બારી જાગે છે,
સૂર્ય ના તાપથી તપી ઊઠી,
ચાંદને ચાહનારી જાગે છે,
એકલી એ જ ક્યાં છે સમજીને ,
ચાંદ સાથે બિચારી જાગે છે,
આવશે જાળમાં હરણ નક્કી,
એ વિચારી શિકારી જાગે છે,
જીતવાને બધું જે ગુમાવ્યું,
દાવ હાર્યો જુગારી જાગે છે,
શેર છેલ્લો લખી કલમ થાકી,
એ ગઝલને મઠારી જાગે છે.
– પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat