Vaishali Radia

પુસ્તક પરિચય “અકૂપાર”

પુસ્તકનું નામ: અકૂપાર

લેખક: ધ્રુવ ભટ્ટ

વિષય : પ્રકૃતિ અને માનવીના અનોખા સંબંધોની કથા.

વિશેષતા : કુદરતની સમીપ હોવાની અનુભૂતિ.

પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય  

પુસ્તકની કિંમત: ૨૫૦ રૂ.

*******

અકૂપારપુસ્તક પૂર્ણ કર્યા સમયે એ જ પળે મનમાં ઉઠેલા ભાવોને મળેલી વાચા……. 

ખમ્મા લેખકડાને…..

શું બોલવું???……

જેમણે જેમણે ધ્રુવદાદાનું આ પુસ્તક વાંચ્યું હશે એમને કદાચ આ જ ભાવ આવ્યો હશે! ઘણું મનમાં છે છતાં કેમ વ્યકત કરવું એ મૂંઝવણ મોટી છે.

વર્ષોથી એવું થયું કે ‘અકૂપાર’ હાથમાં લઉં ને કોઈ કારણથી અધૂરું રહી જાય. અન્ય લોકોને વાચવાં આપ્યું, ભેટ આપ્યું ને મારે જ અધૂરું રહી જાય! જુલાઇ 2018 માં વડોદરામાં ધ્રુવદાદાને જોયા, સાંભળ્યા, મળી ને અધૂરી વાર્તાનો છેડો મળ્યો. અંતે  મે-2019 માં ત્રીજીવાર પુસ્તક ફરી શરૂ કર્યું ને પૂરું પણ કર્યું. ક્યાંક હસાઈ જાય, ક્યાંક રડાય જાય ને ક્યાંક શૂન્યાવકાશ છવાઈ જાય કે પૃથ્વી પર મારા અવતરણનો પણ કાંઈ અર્થ હશે ને?

ક્યારેક વર્ષોથી મનમાં ને મનમાં ઘૂંટેલી ઇચ્છાઓ વળ ખાઈને માથું ઉંચકે કે મારે પણ આમ પ્રકૃતિમાં ખોવાઈને પ્રકૃતિ તત્ત્વમાં વિલિન થવું છે, જીવનનો આખરી સમય તો ગીર કે પછી મા નર્મદામૈયાને ખોળે જ મળે એ અદમ્ય ઝંખનાને દબાવીને રાખી હતી. પણ એ કુદરતી તત્વ એની ઇચ્છાથી જ કદાચ એની હદમાં પ્રવેશવા દેતું હશે. આવા મનોમંથનની પળે અચાનક ‘અકૂપાર’ મળે અને તેના સર્જક ધ્રુવદાદા સાથે બે ઘડી સંવાદ કરવા મળે એ કુદરતનું ક્યું વહેણ હશે?

મને શબ્દોને પીવા ને પામવા બહુ જ ગમે છે. વાંચવુ તેમજ અમુક પળે અંદરથી ફૂટતા શબ્દોને બહાર ફેલાવવા ગમે છે. પણ સાથે દરેક મોટા નામધારી લેખકોના કોઈ ખોટા પ્રભાવમાં આવી જવું એ આકર્ષણ નથી થતું. અમુક વ્યક્તિ જ એવા હોય છે કે એમને જોઈને હૃદયથી સન્માન વહે. ખાસ તો એમના શબ્દોને હૃદયમાં સ્થાન આપીએ છીએ ત્યારે એમની અંદર રહેલી માણસાઈ આપણને સ્પર્શી જાય છે.

આવું જ એક ખૂબ સરળ વ્યક્તિત્વ, સરળ જીવન, સરળ પણ ઉંડે સુધી સ્થાન કરી લેતા શબ્દો એટલે ધ્રુવદાદા!

‘અકૂપાર’ વાચતી વખતે હું જ લેખક હતી, હું જ સાંસાઈ, લાજો, રમજાના કે પછી અહમદ, વિક્રમ, આઈમા, રાણી, સેવાભાવી રવિભા કે વિદેશી ડોરોથી અને તેની સાથે ગાઇડ બની ફરતો  ધાનુ….. કે પછી એ ગીર… બધું હું જ હું…. હુંએક અહમ્ છે, પણ પૃથ્વી સાથે જોડાવા ને આ વાત કહેવા હું‘  શબ્દપ્રયોગ સિવાય કોઈ શબ્દ સૂઝે પણ નહીં કેમકે, અત્યારે મારી મનોદશાની સાક્ષી એકમાત્ર હુંજ છું! 

વર્ષોથી જે ઝંખેલું, મનમાં જીવેલું એ જ તત્વ જાણે સામે આવીને અંદર અંદર ખેંચતું ગયું. ગીર પ્રત્યેનું આકર્ષણ ઓર વધતું ગયું. ને એક વાત નક્કી કે ગીર કે નર્મદા મારા સમયે મને બોલાવશે જરૂર! ભૂતકાળમાં ઘણીવાર એવું થયું છે કે જે સ્થળે જવા મન ઝંખતું હોય એ સ્થળે અચાનક કુદરતી સંજોગો ઉભા થાય છે અને કુદરત મને સાદ દેતી હોય એવો અહેસાસ થયો છે! પણ એ બધામાં સાથેસાથે ફરવાનો એક ભાવ પણ રહ્યો હોય છે. જ્યારે ‘અકૂપાર’ માં ડૂબ્યા પછી એ નિર્ધાર પાક્કો થયો કે કુદરત ‘મને ઇચ્છતી હશે તો’ શેષ જીવન જરૂર કુદરતના ખોળે મને સમાવશે. પછી એ ગીર હોય, મા નર્મદા હોય, કચ્છનું રણ હોય કે પછી કોઈ અફાટ દરિયો હોય! આ પુસ્તક વાંચ્યા પછી એક વાત એ પણ નક્કી કે ગીરના રસ્તે એકવાર ધ્રુવદાદા અને દિવ્યામાના ‘અતિથિ’ થઈને એ આંગણે પગને કુદરત જ લઈ જશે, એ દિવસ પણ આવશે. મારી કુદરત પરની મને શ્રદ્ધા છે!

વાત માંડી હતી પુસ્તક અકૂપારવિશે ને શબ્દો વહેતા ગયા અંતરદશાવિશે! પણ એ તો અકૂપારવાંચ્યે જ સમજાય કે અમુક કાર્ય આપણે કરતાં નથી એ કુદરત કરાવે છે બસ!

એવું શું છે આ ‘અકૂપાર’ પુસ્તકમાં? પ્રકૃતિ સાથે રહેનારો માનવી પ્રકૃતિ સાથે એટલી હદે જોડાઈ શકે છે કે એને મન માનવી અને કુદરત વચ્ચેની ભેદરેખા જ ભૂંસાઈ જાય છે. એને મન કુદરત વચ્ચે રહેનારા તમામ જીવો પછી એ ગીરના સાવજ હોય કે ગીરની કોઈ પણ પ્રાણીજાત કે પછી વનસ્પતિ બધા ગીરના સમાન સંતાનો છે. એ અનોખું ભાવજગત સાંકળીને જીવતી એ ગીરની પ્રજાની ખુમારી, ખાનદાની અને તેજ પાસે શહેરીજીવનના તમામ સંબંધો ખોખલા લાગે! આજના ભૌતિકવાદમાં ઉપરછલ્લાં સુખના દેખાડામાં જીવનાર મોટાભાગના માનવીઓ ગીરની આ ડણક પાસે નમાલા બની જાય એ આ માટીની સુગંધ છે!

કોઈ ગમતા પુસ્તકનો પરિચય આપવો એ કદાચ સહેલું હોઈ શકે પણ ગમતી જિંદગીઓને, ગમતાં પાત્રોને ફક્ત સામાન્ય મનુષ્ય સમજી કુદરતથી અલગ કરીને કોઈ પાનાં પર ચીતરવા એ જરા પણ સહેલું નથી. એ માટે એ પાનાં પર ખુલ્લા પગે, ખુલ્લા દિમાગે, ખુલ્લા દિલે આપણા ‘હું’ પણાના અહમની કાંચળી ઉતારી એની હદમાં પ્રવેશવું પડે. બાકી ત્યાં રહેનારા પ્રાણીઓ પણ એની હદમાં આવકાર ન આપે અને એક આગવા મિજાજથી આપણી સરહદ બતાવી પાર કરી દે! 

‘અકૂપાર’ શીર્ષક કેમ? આ વાંચનારને એ સવાલ થશે અને થવો જ જોઈએ. તો એ પાછળની કથા હું નહીં કહું, ધ્રુવદાદાના આ પુસ્તકમાં જ એ કથા વાંચવાની મોજ હોય. વાચકનો એ આનંદ લૂંટવાનો મને કોઈ અધિકાર નથી. જો આપણામાં હજુ ક્યાંક માનવીય તત્વ સળવળતું હોય તો હું માત્ર એટલું જ કહીશ કે, ‘નીકળી પડો કુદરત સાથે એક અનોખી સંવાદયાત્રા પર. જો પાછાં ફરતાં રસ્તે ભૂલા પડો ને અસ્તિત્વ વેરવિખેર થઈને અંદરથી ઝંઝોળી નાખે તો સમજી જજો કે, સાચા રસ્તે જ છો!’

આ પુસ્તક વાંચે એ જ સમજી શકે આ દશા, એ નવી દિશા. કદાચ કોઈને પૃથ્વી પરના સ્વના અવતરણનો અર્થ મળી જાય કે પછી ‘હું કોણ છું?’ એ સવાલના જવાબમાં કોઈ પડઘો પણ સંભળાય જાય! એ અનુભવ માનવે માનવે ભિન્ન હોવાનો, એને શબ્દોમાં મૂલવવું એ મારું ગજું નથી.

વૈશાલી રાડિયા

 

Categories: Vaishali Radia

Tagged as: , ,

1 reply »

  1. હું વધુ કશું કહેવા માંગતી નથી. ‘અકૂપાર’ પુસ્તક જ ઘણું કહેશે. 🙏

Leave a Reply