Vaishali Radia

પુસ્તક પરિચય “તોત્તો ચાન”

પુસ્તકનું નામ: તોત્તો-ચાન

મૂળ જાપાની લેખિકા: તેત્સુકો કુરોયાનાગી

ગુજરાતી અનુવાદક: રમણ સોની

વિષય : શિક્ષણ (સમાજ ઉપયોગી)

વિશેષતા : જાપાનની એક શાળાની સત્યવાર્તા

પ્રકાશક: નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા

પુસ્તકની કિંમત: ૮૫ રૂ.

 

શાળામાં ભણવા બેસતાં પહેલાં જ મારા મા-બાપુએ મને પુસ્તકોના ઢગલા વચ્ચે મૂકી દીધી હતી. ત્યાર પછી તો વણથંભી રફતાર જેમ ચાલતી પુસ્તક યાત્રામાં પંદર વર્ષ પહેલાં એક સંબંધીએ એક પુસ્તક વાચવા આપ્યું ‘તોત્તો-ચાન’. જેનો અર્થ થાય છે, ‘બારીએ ઊભેલી બાલિકા’.

રેલવેના ડબ્બામાંથી બનાવેલ તોમોએ સ્કુલ, સોસાકુ કોબાયાશી જેવા આચાર્ય, શૈક્ષણિક પ્રયોગો પણ કેવા? જંગલમાં પિકનિકસ, રાતે શાળામાં જ ટેન્ટ બાંધી આકાશ દર્શન, દિવ્યાંગ બાળકો જ જીતી શકે એવી હરીફાઈઓ યોજવી, છોકરા-છોકરીના કોઈ ભેદભાવ વિના એક સાથે નાના બાળકોને સ્વિમિંગ દ્વારા જ શરીરનું વિજ્ઞાન સમજાવી દેવું, ‘કાંઈક સમુદ્રમાંથી કાંઈક પહાડમાંથી’ એવા રમૂજી મંત્ર સાથે બાળકોને લંચમાં પૌષ્ટિક આહાર મળે એનું ધ્યાન રાખતા આચાર્ય, દરેક બાળકને ગમતાં વિષયના ડબ્બામાં (વર્ગમાં) પહેલાં બેસી શિક્ષણમાં રસ લેતા કરવાના કેટલાં નુસખા! બાળક જ કેન્દ્ર! સ્કુલના મેદાનમાં દરેક બાળકને સોંપેલા અલગ-અલગ વૃક્ષ, જેની જવાબદારી તેમજ એ વૃક્ષની અંગત માલિકી એ બાળકની કહેવાતી!

તોત્તો-ચાન નામની એક તોફાની, જિજ્ઞાસુ, ચંચળ છોકરી બધાથી કાંઇક અલગ હોય એવી એના માટેની શિક્ષકોની માનસિકતા. જયારે ગામની કોઈ પણ સ્કુલ એવી અલગ એ બાળકીને રાખવા તૈયાર નહોતી, ત્યારે તોમોએ સ્કુલમાં આચાર્ય કોબાયાશીએ તેને એડમિશન આપ્યું! પાકી માવજત અને દોરવણીથી અલગઅલગ પ્રકારની માનસિકતા ધરાવતા તેમજ દરેક બાળક કોઈ વિશિષ્ટ આવડત ધરાવે છે એ અહેસાસથી તેમને સ્કુલમાં માનપૂર્વક પ્રોત્સાહિત કરી શિક્ષણ પ્રત્યે હકારાત્મક અભિગમ અને ઉષ્મા આપનાર એ આચાર્યને નમન થઇ જાય! મન થાય એમ મુક્ત રીતે ભણવાનું અને છતાં બધું જ ફરજીયાત શીખવાનું પણ ખરા! પાંચ વખત આ પુસ્તક વાચ્યું અને હજુ મગજમાંથી ખસવાનું નામ નથી લેતું!  

તોમોએ સ્કુલ તો જાપાનના બોમ્બ બ્લાસ્ટ વખતે પડી ગઈ, ત્યાર પછી પણ કોબાયાશીનો ઉત્સાહ એમજ રહ્યો કે ફરી બીજી સ્કુલ ઉભી કરીશું! આટલો ઉત્સાહ! એ વખતની યુદ્ધની  સ્થિતિમાં! આજે આવી સ્કુલો અને આવા આચાર્ય એક ટકા ભાગના પણ ક્યાંય મળે તો જગતમાં ચારે બાજુ વ્યાપેલી હિંસાવૃત્તિ અને શાળામાં બાળકોના અધવચ્ચે ઉઠી જવાના ડ્રોપ આઉટ રેશિયોમાં ચોક્કસ ફરક પડી શકે છે!

આજે તોત્તો-ચાન જાપાનની એક વિખ્યાત ટી.વી.કલાકાર છે. સાથે કોબાયાશીએ પ્રોત્સાહિત કરેલા અન્ય બાળકો પણ આજે કોઈ ને કોઈ ઉચ્ચ હોદા પર છે, જે એવા બાળકો છે જેને અન્ય શાળામાંથી જાકારો મળેલ કે, ‘આ સામાન્ય બાળકો નથી એવી માનસિકતાથી!’ ખરેખર તે બાળકોને શ્રી કોબાયાશી ‘અસામાન્ય’ બનાવીને જ રહ્યા! એ નિષ્ઠા, એ સમર્પણ, દરેકના દિલને બાળક જેમ સ્પર્શી જાય અને બાળક જેવા બની જવાનું મન થઇ જાય એ તમામ વાતો આ પુસ્તકમાં છે. મારા મતે હાલ આપણા દેશ અને રાજ્યમાં શિક્ષણની વર્તમાન સમયમાં કથળતી પરિસ્થિતિમાંથી ભૂલકાઓને ઉગારવા તમામ શિક્ષણવિદો તેમજ ખાસ તો પુસ્તકોના છાસવારે અભ્યાસક્રમ બદલતા મહાનુભાવો જો આ પુસ્તકનો અભ્યાસ કરી શકે તો નવી પેઢીના બાળકોને એમનું બચપણ પાછું મળી શકે! એના ફળરૂપે સમાજમાં કોઈ ‘મશીન’ના બદલે માણસ બહાર પડે એવી સ્કુલો અને એવો અભ્યાસક્રમ બનાવી શકાય એવી દૃષ્ટી મળે તો હાલ ચાલી રહેલા શિક્ષણના પ્રશ્નોને નવી દિશાસુઝ મળી રહે.

કોઈ પણ ઉંમરના, કોઈ પણ વિષયના વ્યક્તિ માટે આ પુસ્તક ‘અસામાન્ય’ ઉર્જારૂપ છે. એકવાર પુસ્તક હાથમાં લીધું પછી જમવું, બહાર જવું, સૂવું, કશું જ ના ગમે અને જીવ તો પુસ્તકની તોત્તો-ચાન બનીને બધે ફર્યા કરે એક બાળકી જેમ! એ ગેરંટી સાચી ના પડે તો આ લખનારને આ રિવ્યુ વાચનાર તરફથી કોઈ પણ સજા દેવાની છૂટ.

આ પુસ્તક જોતાં જ મને હંમેશા મોઢામાં પાણી છૂટે છે અને હું તેંતાલીસ વર્ષની સ્ત્રી અને ‘૨૫ વર્ષની એક શિક્ષિકા’ હોવા છતાં પણ ફરીફરી મારા હૃદયમાંથી પહેલા ધોરણની એક તોફાની બાળકી જીવંત થાય છે કે…

ફરી એક બચપણ મળે,

મને કોઈ કોબાયાશી મળે,

યાસુકી ચાન અને તોત્તો-ચાન જેવા સાથી મળે,

તોમોએની ‘ડબ્બા’ જેવી સ્કુલ મળે!

 

~ વૈશાલી રાડિયા

Categories: Vaishali Radia

Tagged as: ,

2 replies »

  1. વૈશાલી બેન ની કલમ થી લખાયેલ રિવ્યૂ એ મને આ પુસ્તક વાંચવા અને વંચાવવા ની પ્રેરણા આપી છે . આભાર વૈશાલી બેન . છેલ્લે લખેલ ચાર પંક્તિ વાંચ્યા બાદ મારુ મન મારા બચપણ માં ફરી જવા જીદે ચઢ્યું છે .

Leave a Reply