SELF / स्वयं

પુર્નલગ્ન

“અનુ , તને કંઈ સંભળાઈ છે?” રસિકભાઇએ સહેજ ચિંતાના સૂરમાં અને દબાતા અવાજે અનસુયાબેનને પૂછ્યું.

“હાં , પણ શું કરું? જયારે હું પણ મારા એકના એક દિકરા, મારા કાળજાના કટકાને ભૂલી ના સકતી હોઉં અને છાનું રડી લેતી હોઉં તો નિશા ને કેમ શાંત રાખું?” અનસુયાબેને ભીના અવાજે રસિક્ભાઈને કહ્યું.

રસિકભાઈ અંધારું હોવા છતાં પણ એની વાઇફના અવાજમાં રહેલા દુઃખ અને આંખોમાં આવેલ આંસૂને મહેસૂસ કરી શક્યા, સુખી દામ્પત્ય જીવનના ત્રણ દાયકામાં હવે એ બંને ના બોલાયેલા શબ્દો પણ સમજી જતાં હતા તો આ બોલાયેલા શબ્દો માં રહેલી વેદના ના સમજી શકે એવું કેમ બને!! પણ પુરુષે હંમેશા મજબૂત રહેવું પડે બાકી ઘરની સ્ત્રીઓ વધુ ભાંગી જાય એ વાત રસિકભાઈ સમજતા હતાં. જુવાનજોધ અને એકના એક દિકરા અગ્રીમને આમ અચાનક અકસ્માતમાં ગુમાવાનું દુઃખ એમને પણ એટલુંજ હતું જેટલું અનસુયાબેન અને નિશા ને હતું.

નિશા હજું એના લગ્નજીવનના શરૂઆતી પ્રેમભર્યા કેફ માથી બહાર આવે એ પહેલાજ અગ્રીમ આમ અચાનક એને એકલી મૂકીને જતો રહ્યો અને નિશાની જિંદગીમાં એના નામ મુજબ રાત્રી જેવું અંધારું પાથરતો ગયો. આખો દિવસ તો એ પિતાતુલ્ય સસરા અને મમતામય સાસુની સામે રડીને એમને વધુ દુઃખી કરવા માંગતી નહોતી એટલે એ કંટ્રોલ કરી લેતી, પણ રાત્રે એકાંતમાં એને અગ્રીમની સાથે ગાળેલા એક એક પળ યાદ આવતા, એની શરારતો યાદ આવતી, એણે કરેલો પ્રેમ યાદ આવતો અને એ રડી પડતી.આજે પણ એવુંજ થયું અને એના ડૂસકાંઓએ નીચેના રૂમમાં સુતેલા એમના સાસુ સસરાએ સાંભળ્યા.

“અનુ, તું જાતને સંભાળ અને આપણે જેને વહું તરીકે લઇ આવ્યાં હતા અને જેને દિકરી કરતાં પણ વધુ પ્રેમ આપ્યો એ અત્યારે રડતી હોય તો આપણી ફરજમાં આવે કે એને શાંત પાડીએ, હું તને વિનંતી કરું છું કે તું શાંત થા અને નિશા પાસે જા, એને એકલું લાગતું હશે. તું સાથે હોઈશ તો એને એકલું નહીં લાગે.”

“તમારી વાત સાચી છે, હવે તો નિશા જ આપણી જિંદગી અને એનું સુખ એજ આપણું ધ્યેય છે…” કહેતા કહેતા અનસુયાબેન આંખો લૂછીને નિશા પાસે જવા ઉભા થયા.

નિશા ઉદાસ ચહેરો અને આંસુથી ખરડાયેલા ગાલ સાથે જાગતી સૂતી હતી. અનસુયાબેને પ્રેમથી એની માથે હાથ ફેરવ્યો ત્યારે ઝબકીને નિશા બેઠી થઇ ગઈ અને પછી અનસુયાબેનને વળગીને ધ્રુસકે ચડી ગઈ. અનસુયાબેને એને રડવા દીધું અને નિશા ક્યારે સુઈ ગઈ એની જાણ ખુદ નિશા ને ના રહી. અનસુયાબેન પણ એની પાસે જ સુઈ ગયા.

*******

“નિર્માણ, તને નથી લાગતું કે હવે તારે લગન કરી લેવાં જોઈએ?” સરલાબેને એમના એકના એક દિકરા નિર્માણને આજીજીના સૂર માં પૂછ્યું.

“મમ્મી, થોડો સમય જવા દે.” નિર્માણે આજે પણ સરલાબેનની વાત ઉડાવતો જવાબ આપ્યો.

પણ આજે સરલાબેન વાતનો તંતુ મૂકે એવા મૂડમાં નહોંતા એટલે એણે દલીલો ચાલુ રાખી અને કહ્યું: “તારા પપ્પાનું બધુંજ દેણું ચૂકવી આપ્યું તે, નાની બહેનના પણ સારા ઘરમાં લગ્ન કરાવી આપ્યા, હવે મને વહું નામનું સુખ આપ તો સારું. હું ક્યાં સુધી સમાજનું સાંભળું? મને પણ ઓરતા હોય કે નહીં? અને મારા કીધે હવે કામ પણ નથી થતું.” સરલાબેને હવે એના ભાથા માં રહેલું છેલ્લું બાણ છોડ્યું.

“તો એના માટે કામવાળી રાખી લઈએ, હું તો ઘણાં સમયથી કહું છું કે તું હવે આરામ કર, પૂજાપાઠ કર. પણ તને હાયહોય જ ગમે તો હું શું કરું?” નિર્માણે ફરી એની મમ્મીની વાતને મજાક કરીને ઉડાવાની કોશિષ કરી.

“તું મારી વાતને હવે ગંભીરતા થી લે તો સારું, લગન કરીને આવી ત્યારથી મારી વાત કોઈએ માની નથી. તારા પપ્પા પણ મારી વાતને આમ મજાકથી જ લેતા અને….” સરલાબેન આટલું બોલીને રડવા લાગ્યા.

વિજયભાઈ એટલેકે સરલાબેન ના પતિ અને નિર્માણના પિતા. નામ પ્રમાણે એમને પરિવાર સિવાય બીજે ક્યાંય વિજય પ્રાપ્ત થયો નહીં. નવી બનેલી સોસાયટીમાં ઘરની સાથે દુકાન લઈને કરિયાણાનો ધંધો ચાલુ કર્યો હતો, ઘરે પ્રેમાળ પત્નિ સરલા અને બે બાળકો નિર્માણ મોટો અને નાની દિકરી અક્ષતા. જોઈને ઈર્ષા થાય એવી જિંદગી હતી, અને એવીજ કોઈકની ઈર્ષા કે બુરી નજર લાગી આ પરિવારને અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સુજી વિજયભાઈને અને એ શેરબજારમાં રોકાણ કરવાં લલચાયા.

2005-2007 નો સમય હતો એ, અને વિજયભાઈ જેવા હજારો લોકો આકર્ષિત થયા હતાં અને લોન લઈને, ઘર ગીરવે મૂકીને પણ લોકો શેરબજારમાં રોકાણ કરવાં લલચાય હતાં. જયારે 2008 ની શરૂઆતમાં તેજીનો ફુગ્ગો ફૂટ્યો અને લેહમેન બ્રધર્સ નું ઉઠમણું બહાર આવ્યું અને ભારતની એક દિગ્ગજ ગ્રુપની કંપનીના ઇસ્યુમાં લોકોએ પોતાની તમામ બચત ગુમાવી ત્યારે હજારો લોકોની સાથે વિજયભાઈ પણ પોતાની બધી બચત, ઘર, દુકાન અને આબરૂ ગુમાવીને પરાજય સહન ના કરી સકતા ટ્રેન નીચે ઝંપલાવીને છુટકારો પામી લીધો. અને નિર્માણ માથે અઢાર વર્ષની ઉંમરે તેજસ્વી કારકિર્દી ના સપના અને ભણતર છોડીને ઘરની જવાબદારી આવી પડી.

જવાબદારી નામની નાંવ માં અથાક મહેનતના હલેસા મારી મુસીબતોના મોજાં પર ઊંચકાતાં, પછડાતાં સુખ નામના કિનારા સુધી પહોંચવાની કોશિશે લાગી પડ્યો. અને આજે બાર વર્ષની મહેનતે એને સુખ નામનાં સરનામે પહોંચાડી દીધો હતો. એટલા વર્ષોની મહેનતે એ એના પિતાનું બધુજ કરઝ ચૂકવી શક્યો, ઘર અને દુકાન મુક્ત કરાવી શક્યો અને સહુંથી મોટી સફળતા એ મળી કે એની નાની બહેન અક્ષતાને સારાં ઘરમાં પરણાવીને બધીજ જવાબદારીમાંથી મુક્ત થયો હતો અને હવે ભવિષ્યનું નિર્માણ કરવા માટે લાગ્યો હતો. એટલેજ સરલાબેન હવે નિર્માણના લગ્ન કરાવીને એના દામ્પત્ય જીવનનું નિર્માણ જોવા ઇચ્છતા હતા. અને આજે એની ધીરજે જિદ્દદનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

“મમ્મી પ્લીઝ તું શાંત થા, તને આમ રડતી જોઈને કોણ આ ઘરમાં આવા રાજી થશે? બધાને એવું લાગશે કે હું તને રડાવું છું. ચાલ, તું જીતી અને હું હાર્યો તું કહીશ ત્યાં હું લગન કરવાં તૈયાર છું. હવે હસતાં મોઢે મને દુકાને વળાવ.”

સરલાબેને આંસુ લૂછીને નિર્માણની માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું : “સદા સુખી રહે દિકરા. હું આજથી જ તારા માટે યોગ્ય કન્યાની શોધ શરુ કરી દઉં છું.”

*******

“તમને કહું છું, સાંભળો છો?” અનસુયાબેને બેધ્યાન બેઠેલાં રસિક્ભાઈને ખભે હાથ લગાડીને પૂછ્યું.

“હેં!! હા હા… બોલ બોલ તું શું કહેતી હતી?” અનુના સ્પર્શથી રસિકભાઈ ઝબકીને વિચારોમાંથી વર્તમાનમાં પાછા ફરતા બોલ્યા.

“હું શું કહું છું કે આપણે નિશા ને વહુંથી વધુ દિકરી જેટલું વહાલ કર્યું છે, અને એણે પણ આપણને સાસુ સસરા ન સમજીને મમ્મી પપ્પા જેટલું હેત કર્યું છે…. અગ્રીમના ગયાં પછી વેવાઈએ આટલું કહ્યું છતાં પણ એ તમને અને મને છોડીને જવા તૈયાર ના થઈ કારણકે આપણે એકલા થઈ જાશું એ વિચારીને.”

“હા, રિવાજ માટે થોડા દિવસ ગઈ હતી ત્યારે મને આશા નહોતી કે વેવાઈ એમને અહીં મોકલશે. પરંતુ એ રિવાજ પતાવીને પરત આવી હતી.” આટલું કહીને રસિકભાઇએ અનસુયાબેનની વાત પુરી કરી અને પૂછ્યું : “એ વાત કેમ અત્યારે તને યાદ આવી?”

“હું એમ કહેવા માંગુ છું કે નિશા હજું અઠ્ઠાવીસની જ છે, આપણી તો ઉંમર થઈ પણ એની પાસે પુરી જિંદગી બાકી છે, એના અરમાનો બાકી રહી ગયાં…. તો શું આપણે એને આમ ને આમ રિબાતા જોતા રહેશું?” અનસુયાબેન રડમસ અવાજે પૂછ્યું.

“અનુ, હું પણ એજ વિચારતો હતો અને ત્યાં તે આ વાત કરી… નિશા તને અને મને એના મમ્મી પપ્પા કરતાં પણ વધુ વ્હાલ કરે છે, સાચવે છે તો આપણે આપણા સ્વાર્થને બાજુએ રાખીને એના ભવિષ્ય વિષે કંઈક કરવું જોઈએ.” રસિકભાઇએ ચોખવટ કરતાં કહ્યું.

“આપણાં પછી એનું કોણ? એને પરણાવીને એના ભવિષ્યને સુધારીએ…. કોઈ સારો છોકરો ગોતીએ અને આપણે કન્યાદાન નું પુણ્ય લઈએ. એને સુખી જોઇશુ તો આપણી આત્માને શાંતિ મળશે અને અગ્રીમની આત્માને પણ આપણા આ નિર્ણયથી શાંતિ થશે.” અનસુયાબેને પોતાના મનમાં રહેલો વિચાર રસિક્ભાઈને કહ્યો.

“હા, સાચું કહ્યું અનુ, હું પણ એજ વિચારતો હતો….. તે મારા મનની વાત કરી… તો હવે આપણે એવો છોકરો ગોતવો જોઈશે કે જે અગ્રીમની યાદ નિશા ને આવવાં ના દે અને અગ્રીમ સાથે નિશાએ જોયેલા બધાજ સપના એ પુરા કરી શકે…. બરોબર ને?” રસિકભાઈ ઉત્સાહમાં આવી ગયાં અનસુયાબેને પોતાના મનમાં રહેલી વાત જાહેર કરી એટલે.

“હા, પણ એના માટે આપણે પહેલા નિશા સાથે વાત કરવી જોઈએ અને એના મનમાં શું છે એ જાણવું જોઈશે…. અને આપણે એના માટે શું વિચાર્યું એ એને સમજાવી પડશે…. શું એ આ વાત સ્વીકારશે? જે એના મમ્મી પપ્પા ને ના પાડીને આપણા માટે આપણી સાથે જીવનભર રહેવા તૈયાર થઇ, એ શું બીજા લગ્ન માથે માનશે?” અનસુયાબેને મનમાં રહેલી શંકા બહાર કાઢી.

“આપણે સમજાવી પડશે નિશાને। એક કામ કર તું, એને બોલાવ અત્યારેજ વાત કરીએ આપણે.” રસિકભાઈ હવે મોડું કરવા માંગતા નહોતાં… દિકરાના અવસાનને દોઢ વર્ષ થયું હતું અને નિશા ને એ હવે આવી હાલત માં જોઈ નહોતા સકતા…

અનસુયાબેન નિશાને બોલાવીને આવે છે અને ત્રણેય સાથે ડ્રોઈંગ રૂમમાં બેઠા…… વાતની શરૂઆત કોણ કરે!!! એ બાબતે બંને માણસે એકબીજાની આંખોમાં જોયું… એ બંનેની મૂંઝવણ સમજીને નિશાએ વાતની શરૂઆત કરી “મમ્મી…. પપ્પા…. શું વાત કરવાં તમે બોલાવી? મને કેમ એવું લાગે છે કે તમે બંને મૂંઝવણમાં છો!!!”

“જો દીકરા, ભૂતકાળ હંમેશા ભૂલવાની ચીજ હોય છે અને ભવિષ્ય જાળવવા માટે ની… અમે તો હવે ખર્યું પાન કહેવાયે, અમને તારી ચિંતા કોરી ખાય છે. અમારાં ગયાં પછી તારું શું અને કોણ? તારી પાસે હજુ આખી જિંદગી છે… અમે ઇચ્છીએ છીએ કે જે સુખ અને લાભ ભગવાન અમને આપતાં ભૂલી ગયો એ સુખ અને લાભ તું અમને આપ અને અમને ચિંતામાંથી મુક્તિ આપ.” રસિકભાઇએ ફોડ પાડતા કહ્યું.

“હું કંઈ સમજી નહીં પપ્પા…. તમે શું કહેવા માંગો છો?” નિશાએ મૂંઝવણ સાથે પૂછ્યું. એ સમજી તો ગઈ હતી કે કંઇક અગત્યની વાત કરવા બોલાવી છે પણ શું એ ખબર પડતી નહોતી.

“નિશાબેટા, વાત જાણે એમ છે કે અમે તારાં પુર્નલગ્ન કરાવા માંગીએ છીએ, અમે તને આમ નિરાશ, દુઃખી નથી જોઈ શકતા….” વાતને પોતાના હાથમાં લેતા અનસુયાબેને કહ્યું.

“મમ્મી આ શું બોલો છો તમે? શું હું તમને ભારી પડું છું? મારી ક્યાંય ભૂલ થઇ તમને સાચવવામાં?” નિશાએ સહેજ આવેશમાં આવીને પૂછ્યું.

“ના બેટા એવું નથી, પ્લીઝ અમને ગલત ના સમજ… અમે તને દિકરી જ સમજી છે અને એમજ રાખી છે તો એક માં-બાપને એની દિકરીના ભવિષ્યની ચિંતા તો થાય ને?” રસિકભાઇએ લાગણીસભર કહ્યું.

“પપ્પા, મેં અગ્રીમને જ મારુ સર્વસ્વ માન્યા છે અને એણે મને એટલો પ્રેમ આપ્યો છે કે હું બાકીની જિંદગી એની અને એણે આપેલા પ્રેમની યાદમાં કાઢી નાખીશ… મારે એક ભવ માં બે ભવ નથી કરવાં…. હું અહીં એટલે રહું છું કે મેં અગ્રીમની સાથે તમને પણ મારા માની લીધા છે અને અગ્રીમને વચન આપ્યું હતું કે તમને કોઈ તકલીફ નહીં પડવા દઉં…. શું અગ્રીમ ના ગયાં પછી મારે લીધે તમને કોઈ તકલીફ થાય છે?” નિશા લગભગ રડી પડવા આવીને બોલી.

અનસુયાબેને નિશા ને એની બાજુમાં બેસીને એના માથા પર ફેરવીને કહ્યું: “આ શું બોલે છે બેટા… તે અમને કંઈ તકલીફ નથી આપી, પણ તારી તકલીફ અમારાં કીધે જોવાતી નથી…. “

“બેટા, તે અગ્રીમ સાથે ઘણાં સપના જોયા હશે અમારી જેમજ પણ હવે એ નથી એ વાત આપણે સ્વીકારી લેવાની. બેટા જિંદગી આપણી ઈચ્છા, અપેક્ષા કે માંગણી પ્રમાણે એનો પ્રવાસ નક્કી નથી કરતી. જિંદગીને એનો પોતાનો માર્ગ હોય છે, એનો કોઈ અલગ જ સુકાની હોય છે. એ આપણા દોરેલા નકશા અનુસાર નથી ચાલતી. અમને ભગવાને દિકરી ની કમી તારા રૂપે આપીને પુરી કરી પણ એવી નહોતી ખબર કે દિકરો લઈ લેશે… તે અમને વહું ના સુખની સાથે દિકરીનો પ્રેમ પણ આપ્યો છે તો અમારી ફરજમાં આવે કે અમે તારાં સુખનો વિચાર કરીએ. અમારાથી તારી આવી હાલત નથી જોવાતી એટલે અમે નક્કી કર્યું છે કે જો તને વાંધો ના હોય તો અમે તારા માટે છોકરો શોધવાનું ચાલું કરીએ અને તારું કન્યાદાન આપવાનો લ્હાવો લઈએ.” રસિકભાઇએ અવાજમાં લાગણી અને શબ્દોમાં સમજણ ઉમેરીને કહ્યું.

“હા બેટા, સપના સપના જો ઊગી નીકળે તો વાવ્યા કહેવાય અને જો બળી જાય તો દાટ્યા કહેવાય….એમ હવે તું અગ્રીમ સાથે જોયેલાં સપનાને દાટીને આગળનું વિચાર…. એકલું જીવવું બહુંજ કઠીન હોય છે…. અને અમને અમારા પછી તારું શું એ ચિંતા અમને ચેન નથી લેવા દેતી… જો તું હા પાડ તો અમે તારા માટે યોગ્ય ઠેકાણું ગોતવાનું ચાલુ કરીએ.” અનસુયાબેને રસિક્ભાઈને સાથ આપતા વાત પુરી કરી.

“મમ્મી તમે સમજો છો કે આ એટલું સહેલું નથી મારા માટે, હું અગ્રીમને કેટલો પ્રેમ કરું છું એ તમને ખબર છે. શું હું હવે તમને ભારરૂપ લાગુ છું?’ નિશા રડી પડી હવે અને આટલું માંડ બોલી શકી.

“એવી વાત નથી નિશા અમને ગલત ના સમજ બેટા, તું શાંતિ થી વિચારી ને કહેજે અમને કોઈ ઉતાવળ નથી. અમે તારા સારા ભવિષ્ય માટે કહીએ છીએ.” અનસુયાબેને એને શાંત પાડતા કહ્યું અને નિશા એના રૂમમાં ચાલી ગઈ.

*******

“નિર્માણ, એક વાત કહું?” સરલાબેને નિર્માણ જમવા બેઠો એટલે પીરસતા પીરસતા વાત કરી.

“હમમમ….” નિર્માણે ટુકાંક્ષરી જવાબ આપ્યો.

“આજે સામેવાળા અનસુયાબેન આવ્યા હતાં અને મને ખુશ જોઈને પૂછ્યું કે સરલાબેન શું વાત છે!!! આજે બહું ખુશ લાગો છો? મેં કહ્યું હા, મારા નિર્માણે હવે લગ્ન માટે હા પાડી એટલે ખુશ છું…. એને લાયક કોઈ ઠેકાણું ધ્યાનમાં હોય તો કહેજો.” સરલાબેને નિર્માણના ઉત્તરની રાહ જોવા થોડા અટક્યાં….

“સરસ.” નિર્માણે ફરી ટૂંકો જવાબ આપ્યો.

“એ લોકોએ પણ નિશા ના પુર્નલગ્ન કરવાનું નક્કી કર્યું છે. એટલે એણે પણ મને એના માટે કોઈ સારું ઠેકાણું હોય તો ધ્યાનમાં રાખવાં કહ્યું…” સરલાબેને ફરી અટક્યાં આટલું બોલીને.

“ઓકે, સારું કહેવાય… રસિકઅંકલ અને અનુઆંટી ખુબ સારા છે…. કે જે નિશા ને દિકરીની જેમ જ રાખે છે.” નિર્માણે જમતાં જમતાં કહ્યું…

નિર્માણને વાતમાં રસ લેતો જોઈને સરલાબેનને થોડી હિંમત આવી અને વાત આગળ વધારી…. “હું એમ કહું છું નિર્માણ, કે જો તને વાંધો ના હોય તો નિશા સાથે તારી વાત ચલાવું? છોકરી એકદમ ડાહી છે, આપણે એના લગ્ન થયાં તે સમયથી એને અને એના વર્તનને જોઈએ છે…. એણે અગ્રીમના અવસાન પછી પણ પિયર ના બદલે સાસરે રહેવાનું નક્કી કર્યું ત્યારથી બધાને એના નિર્ણય પર માન થયું હતું… અને એના આ નિર્ણયે રસિકભાઈ અને અનસુયાબેન ને ભાંગી પડતાં અટકાવ્યા હતાં.” સરલાબેને થોડાં અચકાતાં અચકાતાં મનની વાત નિર્માણ સામે રાખી.

“મમ્મી!!!! અગ્રીમ મારો મિત્ર હતો અને હું આવું કંઈ રીતે કરી શકું?” નિર્માણ જમતો અટકી ગયો.

“બેટા મને ખબર છે કે અગ્રીમ તારો મિત્ર હતો પણ હવે એ નથી, એણે અને રસિકભાઇએ આપણને ખરાબ સમયમાં ખુબ મદદ કરી હતી, સાથ આપ્યો હતો, તો હવે આપણો વારો છે બેટા….અને નિશા ખુબ સારી છોકરી છે. તે મને વચન આપ્યું છે કે હું કહીશ ત્યાં તું લગન કરીશ… અને મને નિશા જેવી વહું દીવો શોધવાં જઈશ તો પણ નહીં મળે. જો તું હા પાડ તો હું વાત કરું.” સરલાબેને નિર્માણને સમજાવતાં કહ્યું.

“મને વાંધો નથી, તે અનુઆંટીને વાત કરી છે?” નિર્માણે હથિયાર હેઠા મુક્યા કારણકે થોડા દિવસો પહેલાંજ એણે મમ્મીને વચન આપ્યું હતું.

“ના, પણ હવે તે હા પાડી છે તો હું અત્યારે જ એમની ઘરે જઈને વાત કરું.” સરલાબેન હરખાઈને બોલ્યા.

*******

“કોણ નિર્માણ?” નિશા આશ્ચર્ય સાથે પૂછી બેઠી અનસુયાબેનને.

“હા બેટા, હું તો એને બાળપણથી ઓળખું છું, અગ્રીમનો મિત્ર હતો અને આ સોસાયટીમાં અમે સાથે જ રહેવાં આવ્યા હતા. એના પપ્પા વિજયભાઈના ગયા પછી નિર્માણે જે રીતે એના મમ્મીને અને એની બહેનને સાચવીને ઘરનું ફરીથી નિર્માણ કર્યું એના વખાણ બધા કરે છે…. ભણ્યો નથી સંજોગોને લીધે પણ સમજણ ખુબજ છે બેટા એનામાં. એના જેવો છોકરો મળવો નસીબની વાત છે નિશા…અને તું અમારી નજરની સામેજ રહીશ એટલે અમને પણ એકલું નહીં લાગે.” સરલાબેન જે સરળતાથી નિશાનો હાથ માંગી ગયા એ કલ્પના બહારનું હતું અનસુયાબેન અને રસિકભાઈ માટે. એમને તો નિર્માણ જેવો જ છોકરો નિશા માટે જોઈતો હતો. પણ એ સામેથી કહેતા મુંજાતા હતાં તો સરલાબેને આવીને એમનો ભાર હળવો કરી નાખ્યો.

“પણ મમ્મી….” નિશા ને શું દલીલ કરવી એ સુજ્યું નહીં.

“બેટા, મને પૂરો ભરોસો છે કે નિર્માણ તને કોઈ વાતે તકલીફ કે દુઃખ નહીં આપે…. તું જેટલી અહી ખુશ હતી એટલીજ ત્યાં રહીશ.” અનસુયાબેને નિશાની અવઢવ પામીને સમજાવાની કોશિશ કરી.

“મને થોડો સમય આપો મમ્મી…” નિશાએ વાત પુરી કરવાનાં ઈરાદાથી કહ્યું. એના માટે સહેલું નહોતું જલ્દી નિર્ણય લેવો એ.

“નિશાબેટા શું વિચાર્યું?” રસિકભાઈ અને અનસુયાબેને અઠવાડિયા પછી નિશા ને પૂછ્યું… એ પણ જાણતા હતાં કે નિશા માટે આ નિર્ણય લેવો અઘરો હતો એટલે જ પૂરતો સમય આપ્યો હતો એને.

“નથી સમજાતું પપ્પા…” નિશા રડી પડી…. એક સ્ત્રી માટે આવો નિર્ણય લેવો ખુબજ અઘરો હોય છે એમાં પણ જયારે પ્રેમાળ પતિ અને સાસુ સસરા હોય ત્યારે ખાસ.

“બેટા, હું તારી પરિસ્થિતિ સમજું છું પણ આપણે જિંદગીમાં બહું બધુ ગુમાવી દેતા હોઈએ છે, ક્યારેક ‘ના’ જલ્દી બોલીને અથવા ‘હા’ મોડું બોલીને. અને અમે ક્યાં તને દૂર મોકલીએ છીએ!!! તું અમારી નજરની સામેજ રહીશ.” રસિકભાઇએ પ્રેમથી માથે હાથ ફેરવતાં નિશા ને સમજાવાની કોશિશ કરી.

“ઓકે, તમને જેમ ઠીક લાગે એમ.” આખરે દિમાગની દલીલો આગળ દિલની બેબસીનો પરાજય થયો અને નિશા એ કહ્યું.

*******

નિશા અને નિર્માણના રજીસ્ટર મેરેજ સારા ચોઘડિયે કરવા એવું બંને પરિવારો દ્વારા નક્કી કર્યું અને એ દિવસ પણ આવી ગયો, નિશા નિર્માણની સાથે દિલમાં થડકાટ અને મનમાં આશંકા સાથે ઘરે આવી. એટલું સહેલું નહોતું એના માટે, હજુ પણ એ અગ્રીમને ભૂલી નહોતી. લગ્નની પહેલી રાત્રે એણે નિર્માણ સાથે આ વાત કરવાનું નક્કી કર્યું.

“નિશા, હું સમજું છું તારા મનમાં અત્યારે શું હશે એ…. હું કોઈ હક જમાવા નથી માંગતો, તું અગ્રીમને ખુબ પ્રેમ કરતી એ મને ખબર છે તો તારા માટે આ સહેલું નહીં હોય એ મને ખબર છે… હું તને ખુશ રાખવા મારી હરેક કોશિષ કરીશ… દુનિયાની બધી સગવડતા આપીશ…. સુખ તારે ગોતવું પડશે. જયારે તને એમ લાગે કે હું તારા પ્રેમને લાયક છું ત્યારે જ હું બેડ પર સૂઈશ… ત્યાં સુધી તું નચિંત બનીને અહીં રહી શકે છે….મારા તરફથી તને કોઈ બાબતે તકલીફ નહીં રહે, બસ આ વાત રૂમમાં અને આપણી વચ્ચે રહે એટલી વિનંતી કરું છું તને…. ” આટલું બોલીને નિર્માણ નીચે પથારી કરવા લાગ્યો.

નિશા કંઈ કેટલું વિચારીને બેઠી હતી કે કેમ અને શું કહું નિર્માણને પણ એની બધીજ મૂંઝવણ નિર્માણે એક જ મિનિટમાં બોલીને એને હળવી કરી નાખી. એને નિર્માણની સમજ પર માન થઇ આવ્યું અને નિરાંતનો શ્વાસ લઇ એ સુઈ ગઈ.

બીજે દિવસ સવારથી જ નિશાએ ઘરની પુરી જવાબદારી માથે લઈને સરલાબેનને મુક્ત કરી દીધા અને સહજતાથી બધું સંભાળી લીધું. સરલાબેન રાતની વાત થી અજાણ આ બધું જોતા રહ્યાં અને હરખાતા રહ્યાં. નિર્માણ જાણે રાત્રે કંઈ બન્યું જ ના હોય એમજ વર્તતો હતો. નિર્માણ નિશા સાથે થોડી મજાક મસ્તી કરી લેતો હતો અને નિશા ને અગ્રીમની યાદ આવી જતી. સરલાબેન પણ કોઈ વાતની કમી રાખતા નહોતા નિશા ને સાચવવામાં.

નિર્માણ નિશા ને ખુશ કરવાની એક પણ તક ને જતી કરતો નહોતો… નિશા નિર્માણના વરસતાં પ્રેમને સમજતી હતી, એના સંયમ ઉપર માન થતું હતું. પણ એની અંદર રહેલ પથ્થર પીગળતો નહોતો. નિર્માણને એની કોઈ અસર નહોંતી એ તો બસ નિરંતર વરસ્યા જ કરતો હતો. ખળખળ કરતું પાણી જયારે પથ્થરને સ્પર્શીને વહી જતું હશે ત્યારે આ પથ્થરને પણ કંઈક તો થતું હશેને? પથ્થર પીગળે નહીં એ તો સનાતન સત્ય છે, પણ એ ભીનો તો થાય જ ને!!!

એક દિવસ નિશા ના દૂરના કઝીનની સગાઇ નું નિમંત્રણ મળ્યું અને નિશા એ જવા ની ઈચ્છા વ્યક્ત કરી. નિર્માણ બીજે દિવસે ટ્રેન ની ટિકિટ લઇ આવ્યો અને કહ્યું કે તું થોડી વહેલી જા તો તને પણ મજા આવશે, હું સગાઈના દિવસે આવીશ… ચાલશે ને!!!?

“હા, થૅન્ક યુ.” નિશાએ હસીને નિર્માણનો આભાર માન્યો.

નિર્માણે કહ્યું કે: “હું સવારે તને ટ્રેનમાં બેસાડી જઈશ.”

“ના ના, તમારે હેરાન થવાની જરૂરિયાત નથી…હું રીક્ષા જતી રહીશ.” નિશાએ કહ્યું.

સવારે 4.45 ની ટ્રેન હતી, નિશાએ ના પાડવા છતાં પણ નિર્માણ નિશા ને સ્ટેશને મુકવા ગયો. ટ્રેનમાં બેસાડીને “સાચવીને જાજે” કહીને ટ્રેનમાંથી ઊતરી ગયો.

લગભગ પોણો કલાક પસાર થઈ ગયો હશે અને ટિકિટ ચેકર નિશા ની બેઠક નજીક આવ્યો અને ટિકિટ ચેક કરવા માંગી. નિશાએ પર્સ ખોલી અને જોયું તો ટિકિટ ન હતી અને ફાળ સાથે યાદ આવ્યું કે ટિકિટ તો નિર્માણના નાઈટ ડ્રેસ ના ખિસ્સામાં જ રહી ગઈ હતી. નિશા થોડી અકળામણ અનુભવવા લાગી… પોતાના પર ગુસ્સો આવ્યો કે નિર્માણ પાસેથી ટિકિટ રાત્રે લઈને પર્સમાં રાખી દીધી હોત તો આવું ના થાત.

“તમારું નામ બોલો” ટીસી ઘોઘરા અવાજે બોલ્યો. આ દરમ્યાન ડબ્બામાં બેઠેલા બધા લોકોનું ધ્યાન નિશા અને ટીસી તરફ વળી ગયું હતું. નિશાએ ખુબજ નરમાશથી નામ અને ઉંમર કહી. ટીસીએ પેસેન્જર લિસ્ટમાં ચેક કરી જોયું તો નામ હતું, નિશાએ તેની પાસે રહેલા આઈડી પ્રુફ બતાવ્યા, નિશા ની વહારે બીજા પેસેન્જર આવ્યા અને તેઓએ ટીસીને વિનંતી કરી કે નિશાને શકનો લાભ એવો જોઈએ પણ ટીસી ટસ નો મસ થવા તૈયાર નહોતો.

છેવટે ટીસીએ પોતાનો નિર્ણય જાહેર કરતાં કહ્યું કે : “તમે એક મહિલા છો એટલે હું તમને દંડ નહિ ફટકારું પણ તમારે ભાડાની રકમ તો ફરી આપવી જ પડશે.”

નિશાએ દલીલો કરવાનો ભરપૂર પ્રયત્ન કર્યો પણ પથ્થર ઉપર પાણી. એ ટસના મસ ન થયા. ટીસીએ જતાં જતાં કહ્યું કે “બાકીના ડબ્બાઓ ચેક કર્યા પછી તમારી પાસે રૂપિયા લેવા આવીશ.”

રૂપિયા આપવામાં નિશા ને કોઈ તકલીફ નહોતી પણ એની ઘરે જવા ની મજા બગડી ગઈ તેનો તેને ભારોભાર અફસોસ થતો હતો. થોડી મિનિટો માટે ટ્રેન પડધરી ઉભી રહી અને જેવી તે ફરી ચાલુ થઇ કે નિશાએ નિર્માણને કંપાર્ટમેન્ટમાં એની તરફ આવતો જોયો. વાળ વિખાયેલાં અને શ્વાસ જોર જોરથી ચાલતો હતો – જાણે છેક જામનગરથી દોડીને આવ્યો ન હોય.

નિર્માણે ટિકિટ નિશા ના હાથમાં આપતાં દિલગીરીભર્યા અવાજે કહ્યું : “માફ કરજે, ટિકિટ મારી પાસે રહી ગઈ હતી.”

નિશા ને નિર્માણને ભેટી પાડવાનું મન થઇ ગયું પણ આખું કંપાર્ટમેન્ટ એની તરફ જોઈ રહ્યું હતું એટલે નિશાએ સુંદર મજાનું સ્મિત આપ્યું અને પૂછ્યું “તમને ક્યારે ખબર પડી કે ટિકિટ તમારી પાસે છે?”

“બન્યું એવું કે તને ટ્રેનમાં બેસાડીને હું સ્ટેશનની બહાર આવ્યો અને ચાવી કાઢવા ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે હું ચમક્યો, જોયું તો ટિકિટ તો મારી પાસે જ રહી ગઈ હતી. હું દોડીને અંદર આવ્યો ત્યારે ટ્રેન ચાલું થઇ ગઈ હતી. મેં દોડીને છેલ્લો ડબ્બો પકડી લીધો. પણ તે ડબ્બામાંથી બીજા ડબ્બામાં જવાનો પેસેજ નહોતો. પડધરી આવે એટલીવાર રાહ જોઈ અને જેવી ટ્રેન પડધરી ઊભી રહી હું તારા કંપાર્ટમેન્ટ તરફ દોડ્યો.” નિર્માણે હાંફતા કહ્યું.

અંદરખાને નિશા બહુ રાજી થઇ અને જાણે સહુથી વધુ નસીબદાર હોય તેવી લાગણી અનુભવવા લાગી. “આવી તકલીફ લેવાની જરૂર નહોતી, પણ હવે તમે પાછા કેવી રીતે જશો?” નિશાએ એની ખુશી દબાવીને ચિંતાજનક સુરે પૂછ્યું.

“અરે, હું તો રાજકોટ ઊતરી જઈશ અને પાછી જતી કોઈ પણ ટ્રેન કે બસ પકડીને જામનગર પહોંચી જઈશ.” નિર્માણે સાવ ઠંડકથી કહ્યું.

“રાજકોટ પહોંચતા હજુ અડધો કલાક લાગશે” નિશાએ વ્યગ્ર થઈને કહ્યું.

“કોઈ વાંધો નહીં, મને એટલી વાર તારી સાથે વધુ અધડો કલાક વિતાવવા મળશેને!!!” નિર્માણે મશ્કરીના સૂરમાં કહ્યું.

રાજકોટ સ્ટેશન આવતાં નિર્માણ ઊતરી ગયો અને સાથે નિશા પણ ઊતરી ગઈ. નિર્માણે આશ્ચર્યથી જોયું તો નિશા બોલી : “કઝીનની સગાઈમાં આપણે બંને સાથે જશું, અત્યારે મને મારા ઘરે લઈ જાઓ.” આટલું બોલીને નિશા નિર્માણને સ્ટેશને જ ભેટી પડી.

-સમાપ્ત.

*******

-ચેતન ઠકરાર

9558767835

2 replies »

Leave a Reply